- Sports
- આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પહેલી વાર કોઈ બોલરે એક જ ઓવરમાં 5 વિકેટ લીધી!
આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પહેલી વાર કોઈ બોલરે એક જ ઓવરમાં 5 વિકેટ લીધી!
ક્રિકેટ ઇતિહાસમાં એક નવું અને આશ્ચર્યજનક પ્રકરણ ઉમેરાયુ છે. ઇન્ડોનેશિયાના 28 વર્ષીય ફાસ્ટ બોલર ગેડે પ્રિયંદાનાએ આંતરરાષ્ટ્રીય T20 ક્રિકેટમાં એવી સિદ્ધિ હાંસલ કરી જે પહેલાં કોઈ પુરુષ કે મહિલા ખેલાડીએ ક્યારેય હાંસલ કરી ન હતી. પ્રિયંદના T20I માં એક જ ઓવરમાં પાંચ વિકેટ લેનાર વિશ્વનો પ્રથમ બોલર બની ગયો છે.
મંગળવારે બાલીના ઉદયન ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે 168 રનના લક્ષ્યનો પીછો કરતા, કંબોડિયાએ 15 ઓવર પછી 5 વિકેટે 106 રન બનાવ્યા હતા, પરંતુ મેચ સંપૂર્ણપણે એકતરફી થઇ ન હતી. પછી કેપ્ટને ગેડે પ્રિયંદાનાને બોલ સોંપ્યો, જે તેની પહેલી ઓવર હતી.
પ્રિયંદાનાએ ઓવરના પહેલા ત્રણ બોલમાં હેટ્રિક પૂર્ણ કરી: શાહ અબરાર હુસૈન, નિર્મલજીત સિંહ અને ચન્થોએન રથાનક. ત્યારપછી એક ડોટ બોલ પડી, અને પ્રિયંદાનાએ આગામી બે બોલ પર મોંગદારા સોક અને પેલ વેન્નકને આઉટ કરીને ઇતિહાસ રચ્યો.
કંબોડિયા આખા ઓવરમાં ફક્ત એક રન બનાવી શક્યું અને તે પણ વાઈડ દ્વારા. ટીમ લક્ષ્યથી 60 રન પાછળ પડી ગઈ, અને મેચ ત્યાં જ સમાપ્ત થઈ ગઈ.
બોલથી આવો ચમત્કાર કરે તે પહેલાં, પ્રિયંદાનાએ પણ બેટથી યોગદાન આપ્યું હતું. ઇનિંગની શરૂઆત કરતા, તેણે 11 બોલમાં 6 રન બનાવ્યા. જોકે, ઇન્ડોનેશિયાની બેટિંગનો અસલી હીરો વિકેટકીપર-બેટ્સમેન ધર્મા કેસુમા હતો, જેણે અણનમ 110 (68 બોલ) રનની વિસ્ફોટક ઇનિંગ રમી હતી. તેની ઇનિંગમાં 8 ચોગ્ગા અને 6 છગ્ગાનો સમાવેશ થતો હતો.
જોકે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં આ પહેલી વાર બન્યું છે, પુરુષોની સ્થાનિક T20 મેચોમાં આ સિદ્ધિ બે વાર હાંસલ કરવામાં આવી છે: 2013-14 વિજય દિવસ, T20 કપમાં અલ-અમીન હુસૈન અને 2019-20 સૈયદ મુશ્તાક અલી ટ્રોફીની સેમિફાઇનલમાં અભિમન્યુ મિથુન. જોકે, T20 આંતરરાષ્ટ્રીય સ્તરે આ સિદ્ધિ પ્રથમ વખત નોંધાઈ છે.
T20Iમાં એક ઓવરમાં ચાર વિકેટ 14 વખત પડી છે. સૌથી પ્રખ્યાત ઉદાહરણ લસિથ મલિંગાએ 2019માં ન્યુઝીલેન્ડ સામે ચાર બોલમાં ચાર વિકેટ લીધી હતી, પરંતુ એક જ ઓવરમાં પાંચ વિકેટ... આ તો ઇતિહાસમાં પહેલી વાર થયું છે.
ગેડે પ્રિયંદાનાની સિદ્ધિ માત્ર ઇન્ડોનેશિયા માટે જ નહીં, પરંતુ એસોસિએટ નેશન્સ ક્રિકેટ માટે પણ મોટા સમાચાર છે. તે સાબિત કરે છે કે, વૈશ્વિક ક્રિકેટ હવે ફક્ત મોટા દેશો સુધી મર્યાદિત નથી રહ્યું.
ક્રિકેટે ફરી એકવાર બતાવ્યું છે કે, રેકોર્ડ ગમે ત્યાંથી આવી શકે છે; બસ ફક્ત એક ઓવર જ પૂરતી છે.

