- Sports
- કોમેન્ટ્રી બોક્સમાં પણ સ્લેજિંગ! સુનિલ ગાવસ્કરે વસીમ અકરમ સામે ઉડાવી ઇંઝમામ ઉલ હકના પરિવારની મજાક
કોમેન્ટ્રી બોક્સમાં પણ સ્લેજિંગ! સુનિલ ગાવસ્કરે વસીમ અકરમ સામે ઉડાવી ઇંઝમામ ઉલ હકના પરિવારની મજાક

ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન સુનિલ ગાવસ્કરે દુબઈમાં રમાયેલી ભારત અને પાકિસ્તાન મેચ દરમિયાન ઇંઝમામ ઉલ હકના પરિવારની મજાક ઉડાવી હતી. તેમણે આ બધું પાકિસ્તાનના પૂર્વ કેપ્ટન વસીમ અકરમ સામે કર્યું અને અકરમ હસવા સિવાય કંઈ કરી શક્યા નહીં. વાસ્તવમાં, તેનું કારણ ઇંઝમામ ઉલ હકના પરિવારનો જ એક વ્યક્તિ હતો, જે ચેમ્પિયન્સ ટ્રોફીમાં ભારત સામે પાકિસ્તાન તરફથી રમવા આવ્યો હતો. આ ખેલાડીનું નામ છે ઇમામ ઉલ હક.

ઈજાગ્રસ્ત ફખર ઝમાનની જગ્યાએ ઈમામને ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે, પરંતુ તે કંઈ ખાસ કરી શક્યો નહોતો અને 26 બૉલમાં માત્ર 10 રન બનાવીને આઉટ થઈ ગયો હતો. ઈમામ 10મી ઓવરના બીજા બૉલ પર રન આઉટ થયો હતો. અક્ષર પટેલના શાનદાર સીધા થ્રોએ તેની ઇનિંગનો અંત કરી દીધો હતો. આ સાથે કોમેન્ટ્રી બોક્સમાં સ્લેજિંગનો દૌર શરૂ થયો. કમેન્ટ્રી બોક્સમાં ઉપસ્થિત રવિ શાસ્ત્રીએ જણાવ્યું કે ઈમામ 6 વખત રન આઉટ થયો છે અને તેના જ પરિવારના સભ્ય ઇંઝમામ ઈન્ટરનેશનલ ક્રિકેટમાં 46 વખત રનઆઉટ થયા છે અને તેમના નામે સૌથી વધુ વખત રનઆઉટ થવાનો રેકોર્ડ છે.
ત્યારબાદ શાસ્ત્રીએ કહ્યું કે શું રન આઉટ થવું ઇમામ અને ઇંઝમામના પરિવારના લોહીમાં છે. તેના પર કોમેન્ટ્રી બોક્સમાં ઉપસ્થિત વસીમ અકરમે કહ્યું કે, હું કંઈ નહીં બોલું, નહીં તો ઇન્જી ગુસ્સે થઈ જશે. અકરમની વાત પૂરી થયા બાદ ગાવસ્કરે કહ્યું કે, રવિ, તમે પૂછ્યું કે શું આ પારિવારની વાત છે, તો હું તમને બતાવી દઉં કે એવું નથી, કેમ કે મને લાગે છે કે પરિવારમાં કોઈ રન કરતું નથી (દોડતું નથી).

પાકિસ્તાની બેટિંગ ફેલ
પાકિસ્તાની કેપ્ટન મોહમ્મદ રિઝવાને ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. જો કે, તેની ટીમ મોટો સ્કોર બનાવી શકી નહોતી અને 49.4 ઓવરમાં 241 રનો પર જ સમેટાઈ ગઈ હતી. પાકિસ્તાન તરફથી સઈદ શકીલે સૌથી વધુ 62 રન બનાવ્યા હતા. તેણે 76 બૉલમાં 5 ચોગ્ગાની મદદથી 62 રનની ઇનિંગ રમી હતી. તેના સિવાય રિઝવાને 77 બૉલમાં 46 રન બનાવ્યા હતા. ખુશદિલ શાહે 39 બૉલમાં 38 રનની ઇનિંગ રમી હતી. ભારત તરફથી કુલદીપ યાદવે સૌથી વધુ 3 વિકેટ લીધી હતી, જ્યારે હાર્દિક પંડ્યાએ 2 વિકેટ લીધી હતી. આ સિવાય હર્ષિત રાણા, અક્ષર પટેલ અને રવિન્દ્ર જાડેજાને 1-1 વિકેટ મળી હતી.
તો ભારતીય ટીમે 242 રનનો પીછો કરતા વિરાટ કોહલી નોટ આઉટ 100, શ્રેયસ ઐય્યર 56 અને શુભમન ગિલના 46 રનની મદદથી 42.3 ઓવરમાં જ 4 વિકેટ ગુમાવીને આ લક્ષ્ય હાંસલ કરી લીધું હતું.