- Sports
- શિખર ધવને જણાવ્યું- કયા 2 ખેલાડીઓને કારણે તેનું કરિયર ખતમ થઈ ગયું
શિખર ધવને જણાવ્યું- કયા 2 ખેલાડીઓને કારણે તેનું કરિયર ખતમ થઈ ગયું
શિખર ધવને એ 2 ખેલાડીઓ બાબતે વાત કરી છે જેના કારણે તેનું કરિયર જલદી સમાપ્ત થઈ ગયું. ધવને કહ્યું છે કે, ઈશાન કિશન અને શુભમન ગિલના સતત વધતા પ્રદર્શનને કારણે તેનું કરિયર જલદી સમાપ્ત થઈ ગયું. એ બંનેનો પ્રભાવ જોતા મને અંદાજો આવી ગયો હતો કે મારે ભારતીય ટીમમાંથી બહાર થવું પડશે. ધવને ગિલને લઈને સૌથી પહેલા કહ્યું હતું કે, ‘શુભમન ગિલના સતત વધતા પ્રદર્શનને કારણે 2023ના વન-ડે વર્લ્ડ કપ અગાઉ મને ભારતની વન-ડે ટીમમાંથી બહાર થવું પડ્યું. બધા ફોર્મેટમાં ગિલની વધતી ઉપસ્થિતિને કારણે, વન-ડે અને ICC ટૂર્નામેન્ટમાં પોતાના શાનદાર રેકોર્ડ છતા પ્રતિસ્પર્ધામાં રહેવું મુશ્કેલ થઈ ગયું હતું.’
ધવને આગળ કહ્યું કે, ‘હવે તેને આ રીતે જોવાનું એક એંગલ છે. બીજું એંગલ એ છે કે તે સમયે શુભમન ગિલ T20 અને ટેસ્ટમાં પણ ખૂબ સારું પ્રદર્શન કરી રહ્યો હતો. હું એ સમયે T20 અને વન-ડે રમતો નહોતો. હું માત્ર વન-ડે માટે હતો, પરંતુ ગિલ દરેક ફોર્મેટમાં સારું પ્રદર્શન કરી રહ્યો હતો. તે સ્વાભાવિક રીતે પોતાનો આભાસ કે પોતાનો માહોલ બનાવી રહ્યો હતો. મને અનુભવ થઈ ગયો હતો કે હું હવે આંતરરાષ્ટ્રીય સ્તરે વધારે દૂર સુધી નહીં જઇ શકું.’
ભારતના પૂર્વ ઓપનર બેટ્સમેને પોતાની વાત આગળ લઈ જતા કહ્યું કે, ‘મને ખબર હતી કે મારું નામ (2021 T20 વર્લ્ડ કપ ટીમમાં) નહીં આવે. હું એ વાતને અનુભવી શકતો હતો. એવું નથી કે તમને દરેક વસ્તુ ચમચીથી ખવડાવવામાં આવશે, મેં કોઈને ન પૂછ્યું કે મારું નામ કેમ નથી આવ્યું? જો મેં પૂછ્યું હોત તો તેઓ તેના પર પોતાનો દૃષ્ટિકોણ રાખતા. તેનો કોઈ અર્થ નથી અને તેનાથી કંઈ પણ બદલાતું નથી.’
આ સિવાય ધવને ઈશાન કિશનને લઈને પણ વાત કરી અને કહ્યું કે, તેણે જ્યારે વન-ડેમાં બેવડી સદી ફટકારી, તો હું સમજી ગયો કે મારું કામ તમામ થઇ જવાનું છે. ધવને પોતાની આત્મકથા ‘ધ વન’ના વિમોચન અગાઉ એક અંગ્રેજી અખબારને આપેલા ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે, ‘હું ઘણી વખત 50 રન બનાવી રહ્યો હતો, મેં 100 રન ન બનાવ્યા, પરંતુ મેં ઘણી વખત 70 રન બનાવ્યા. જ્યારે ઈશાન કિશને 200 રન બનાવ્યા, તો મારા અંતરાત્માએ મને કહ્યું, ઠીક છે બેટા, આ તારા કરિયરનો અંત હોઈ શકે છે. મારી અંદરથી એક અવાજ આવ્યો. અને એવું જ થયું. પછી મને યાદ છે કે મારા મિત્રો મને ભાવનાત્મક સહારો આપવા આવ્યા. તેમને લાગ્યું કે હું ખૂબ નિરાશ થઈ જઇશ. પરંતુ હું શાંત હતો, હું આનંદ લઈ રહ્યો હતો.’

