- Sports
- નિવૃત્તિની વયે શમીની ગર્જના, લીધી 8 વિકેટ! કરારમાંથી બહાર થયા પછી BCCIને આપ્યો કડક જવાબ
નિવૃત્તિની વયે શમીની ગર્જના, લીધી 8 વિકેટ! કરારમાંથી બહાર થયા પછી BCCIને આપ્યો કડક જવાબ
ટીમ ઈન્ડિયામાં ભલે મોહમ્મદ શમીને તક ન મળી રહી હોય, પણ તે ઘરેલુ ક્રિકેટમાં વિસ્ફોટક પ્રદર્શન કરી રહ્યો છે. તેની રમત ભારતીય પસંદગીકારોને વિચારવા મજબૂર કરી રહી છે. ટીમ ઈન્ડિયાનો સ્ટાર બોલર મોહમ્મદ શમી પસંદગીકારોના રડારથી દૂર રહ્યો છે. તેને BCCIના તાજેતરના સેન્ટ્રલ કોન્ટ્રાક્ટમાંથી પણ બાકાત રાખવામાં આવ્યો હતો. પરંતુ નિવૃત્તિની ઉંમરે પણ, શમી એ જ જોશથી બોલિંગ કરી રહ્યો છે. રેકોર્ડ ધરાવનાર મોહમ્મદ શમીએ રણજી ટ્રોફીમાં પોતાની બોલિંગથી હલચલ મચાવી છે. સેન્ટ્રલ કોન્ટ્રાક્ટમાંથી બહાર કરી દીધા પછી 8 વિકેટનું રેકોર્ડબ્રેક પ્રદર્શન કરી રહ્યો છે. તેના પ્રદર્શનથી વિરોધી ટીમ, જમ્મુ અને કાશ્મીરના બેટ્સમેનોમાં ડર પેદા થયો છે.
ગયા વર્ષની શરૂઆતમાં, મોહમ્મદ શમી ચેમ્પિયન્સ ટ્રોફીનો ભાગ હતો. તે ચક્રવર્તી સાથે સંયુક્ત રીતે ટોચના વિકેટ લેનાર બોલર હતો. પરંતુ આ ટુર્નામેન્ટ પછી, તેને ભારતીય ટીમમાંથી બહાર કરવામાં આવ્યો હતો. ત્યારપછી, ફિટનેસની ચિંતાઓને કારણે, તેણે ટીમ મેનેજમેન્ટ પર સવાલ પણ ઉઠાવ્યા હતા. ઘરેલુ ક્રિકેટમાં પ્રભાવશાળી પ્રદર્શન છતાં, શમી એક વર્ષથી વધુ સમયથી ટીમ ઈન્ડિયામાં પાછો ફર્યો નથી, અને તેને સેન્ટ્રલ કોન્ટ્રાક્ટમાંથી પણ બહાર કરવામાં આવ્યો હતો.
https://twitter.com/1DAVID92/status/2023639424517763165
રણજી ટ્રોફી સેમિફાઇનલ બંગાળ અને જમ્મુ અને કાશ્મીર વચ્ચે રમાઈ રહી છે. આ મેચમાં શમીનો દબદબો દેખાઈ રહ્યો હતો. તેણે પહેલી ઇનિંગમાં જ 8 વિકેટ લીધી હતી. રણજી ટ્રોફીમાં શમીનું આ શ્રેષ્ઠ પ્રદર્શન છે. પારસ ડોગરા અને અબ્દુલ સમદે અડધી સદી ફટકારીને ટીમનો સ્કોર 300થી વધુ કર્યો. શમીની 8 વિકેટ અને મુકેશ કુમારની 2 વિકેટે જમ્મુ અને કાશ્મીરને 302 રન સુધી મર્યાદિત રાખ્યું.
મોહમ્મદ શમીની બોલિંગે બતાવ્યું છે કે તેની વિકેટ માટેની ભૂખ હજુ અકબંધ છે. અત્યાર સુધી, તેણે આ સિઝનમાં રણજી ટ્રોફીમાં કુલ 36 વિકેટ લીધી છે. આ પહેલા, શમીએ સૈયદ મુશ્તાક અલી ટ્રોફીમાં કુલ 16 વિકેટ લીધી હતી. તેણે વિજય હજારે ટ્રોફીમાં પણ પોતાની ઘાતક બોલિંગથી બેટસમેનમાં ડર ઉભો કર્યો હતો અને તેમાં તેણે કુલ 15 વિકેટ લીધી હતી.
2023 ODI વર્લ્ડ કપના અંત પછી, શમી ઈજા અને ફિટનેસની ચિંતાઓને કારણે ટીમ ઈન્ડિયામાંથી બહાર છે. ત્યારથી તે ટીમમાં પાછો ફરી શક્યો નથી, પરંતુ આ બધું થવા છતાં, શમીએ સ્થાનિક ક્રિકેટમાં સતત સારું પ્રદર્શન કરી રહ્યો છે. રણજી ટ્રોફી સીઝનની શરૂઆતમાં, તેણે ગુજરાત અને સર્વિસીસ સામે પાંચ વિકેટ લીધી હતી, પરંતુ આ 8 વિકેટનો રેકોર્ડ અજિત અગરકરની આગેવાની હેઠળની પસંદગી સમિતિ માટે તેનો સૌથી મોટો સંદેશ હતો.

