- Gujarat
- ડાંગમાં સાસુ અને વહુ વચ્ચે ચૂંટણીનો જંગ, એકને ભાજપે ટિકિટ આપી તો બીજીને કોંગ્રેસે
ડાંગમાં સાસુ અને વહુ વચ્ચે ચૂંટણીનો જંગ, એકને ભાજપે ટિકિટ આપી તો બીજીને કોંગ્રેસે
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને હવે બરાબરનો માહોલ જામ્યો છે. પાર્ટીઓએ આપેલા મેન્ડેટ બાદ હવે બધા ઉમેદવારો ફોર્મ ભર્યા બાદ પ્રચાર પ્રસારમાં લાગી ગયા છે. આ વખતે ચૂંટણીમાં કોઈએ પટાવાળાને ટિકિટ આપી છે તો કોઈએ પાથરણા કરીને જીવન ગુજરાન ચલાવતી મહિલાઓને ટિકિટ આપી છે. ત્યારે આ વખતે ડાંગના સુબીરમાં સાસુ-વહુ વચ્ચે ચૂંટણી મેદાનમાં ખરાખરીનો જંગ જમવાનો છે. આમ એટલે કારણ કે અહી સાસુ અને વહુ બંનેને અલગ અલગ પાર્ટીએ ટિકિટ આપી છે.

કોંગ્રેસ પક્ષે આ બેઠક પર અનુભવી જયનુબેન બાગુલને પોતાના ઉમેદવાર તરીકે જાહેર કર્યા છે. તો બીજી તરફ, ભારતીય જનતા પાર્ટી (BJP)એ આ જ બેઠક પર જયનુબેનની વહૂ પ્રિયંકા કુંવરને ટિકિટ આપીને ચૂંટણી જંગને વધુ રસપ્રદ બનાવી દીધી છે. આમ, એક જ ઘરમાં હવે ભાજપ અને કોંગ્રેસના પ્રચારના ભણકારા વાગી રહ્યા છે.
સુબીર તાલુકો વિકાસથી વંચિત રહ્યો હોવાનો મુદ્દો પણ આ ચૂંટણીમાં મહત્ત્વનો બની રહ્યો છે. મતદારો હવે માત્ર વ્યક્તિગત સંબંધો નહીં પરંતુ વિકાસ અને પ્રગતિના મુદ્દાઓને ધ્યાનમાં રાખીને પોતાનો મત આપવા તૈયાર દેખાઈ રહ્યા છે. સાસુ-વહુ વચ્ચેની આ ટક્કર માત્ર પરિવારની જ નહીં. પરંતુ કોંગ્રેસ અને ભાજપ વચ્ચેની પ્રતિષ્ઠાની લડાઈ બની ગઈ છે. બંને પક્ષ પોતાના ઉમેદવારને જીતાડવા માટે જોરશોરથી પ્રચાર કરી રહ્યા છે.

ડાંગ જ નહીં અન્ય જગ્યાએ પણ એક જ ઘરમાંથી 2 અલગ-અલગ પાર્ટીઓએ ટિકિટ આપી હોય તેવા મામલા સામે આવ્યા છે. અમરેલી નગરપાલિકાની ચૂંટણીમાં વોર્ડ નંબર-11માં આ વખતે દિયર અને ભાભી વચ્ચે રાજકીય સંગ્રામ ખેલાવા જઈ રહ્યો છે. આ રોમાંચક જંગમાં ભારતીય જનતા પાર્ટીએ સંગિતાબેન હરેશભાઈ ચાવડા (ભાભી) પર ભરોસો મૂકીને ટિકિટ આપી છે, જ્યારે બીજી તરફ આમ આદમી પાર્ટીએ (AAP) ભાવેશભાઈ ચાવડા (દિયર)ને ટિકિટ આપી છે. હવે ચૂંટણી મેદાનમાં ઉતારીને દિયર-ભાભી વચ્ચે વર્ચસ્વનો ખરાખરીને જંગ ખેલાશે.

તો અમરેલી નગરપાલિકાની ચૂંટણીમાં વોર્ડ નંબર-9માં આ વખતે દેરાણી અને જેઠાણી વચ્ચે રાજકીય સંગ્રામ ખેલાવા જઈ રહ્યો છે. આ રસપ્રદ જંગમાં ભારતીય જનતા પાર્ટીએ રેણુકાબેન સોલંકી (જેઠાણી) પર ભરોસો મૂકીને ટિકિટ આપી છે, જ્યારે બીજી તરફ કોંગ્રેસે કાજલબેન સોલંકી (દેરાણી)ને મેદાનમાં ઉતારી છે.

