- Politics
- બિનહરીફ જીત: વિશ્વકર્મા તો પાટીલને પણ ટપી ગયા!
બિનહરીફ જીત: વિશ્વકર્મા તો પાટીલને પણ ટપી ગયા!
ગુજરાતમાં સ્થાનીય સ્વરાજની ચૂંટણીઓમાં ફોર્મ ખેંચવાની તારીખ 15 એપ્રિલ હતી. ત્યારે ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માએ જાહેર કર્યું કે ભારતીય જનતા પાર્ટીના ઇતિહાસમાં પહેલીવાર 700 જેટલી બેઠકો બિનહરીફ આવી છે. આવું પહેલીવાર બન્યું છે. આમ, તેમણે દાવો કર્યો કે તેમણે પૂર્વ પ્રદેશ પ્રમુખ અને હાલના કેન્દ્રિય જળ સંસાધન મંત્રી સી.આર. પાટીલનો રેકોર્ડ તોડી નાંખ્યો છે.
વિશ્વકર્માએ એક ભાષણમાં કહ્યું કે ફોર્મ પરત ખેંચવાના છેલ્લા દિવસે ગુજરાતમાં પાર્ટીના ઇતિહાસમાં એક રેકોર્ડ સર્જાયો છે. ભાજપે 700 ઉમેદવારોની બિનહરીફ જીતાડ્યા છે. આમ, વિશ્વકર્માએ પોતાની પહેલી જ ચૂંટણીમાં એટલે કે પહેલા જ બોલે છગ્ગો માર્યો હોય તેવો દાવો કર્યો છે. શું આ દાવો સાચો છે?

છેલ્લી સ્થાનીય સ્વરાજની ચૂંટણીઓ વર્ષ 2021માં થઇ હતી ત્યારે સી.આર. પાટીલ પ્રદેશ પ્રમુખ હતા. ત્યારે કુલ 221 ઉમેદવારો બિનહરીફ ચૂંટાયા હતા જેમાંથી 220 ભારતીય જનતા પાર્ટીના હતા. આમ, વિશ્વકર્માની પહેલી મેચનો રેકોર્ડ પાટીલ કરતા સારો દેખાઇ રહ્યો છે.
ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રવક્ત ડો. અનિલ પટેલે કહ્યું કે હાલ 700નો આંકડો છે પરંતુ બિનહરીફ બેઠકો તેનાથી પણ વધી શકે છે. તેમને પૂછાયું કે આ બેઠકો કયા વિસ્તારો અને કઇ ચૂંટણીઓની છે તો તેમણે કહ્યું કે હજુ બ્રેક અપ આવતા થોડી વાર લાગશે.
ગુજરાતમાં કુલ હાલ 404 સ્થાનિક સંસ્થાઓ માટે ચૂંટણી યોજાઈ રહી છે, જેમાં આશરે 10,005 બેઠકો સામેલ છે. તેમાં 15 મ્યુનિસિપલ કોર્પોરેશન, 84 નગરપાલિકા, 34 જિલ્લા પંચાયત અને 260 તાલુકા પંચાયતનો સમાવેશ થાય છે.

ચૂંટણી માટે કુલ 32 હજારથી વધુ ઉમેદવારી ફોર્મ ભરાયા, જેમાંથી લગભગ 26 હજાર ઉમેદવારો અંતિમ રેસમાં રહ્યા, જ્યારે 1,500થી વધુ ઉમેદવારોએ નામ પાછું ખેંચ્યું. આ મોટા પ્રમાણમાં ફોર્મ પાછા ખેંચી લેવાને કારણે જ બિનહરીફ જીતનો આંકડો વધ્યો હોવાનું માનવામાં આવે છે.
રાજ્યમાં બિનહરીફ જીતનો સૌથી મોટો પ્રભાવ સૂરત સહિતના દક્ષિણ ગુજરાતમાં જોવા મળ્યો છે. નવસારી અને વલસાડ જેવા જિલ્લાઓમાં પણ અનેક બેઠકો પર વિરોધ પક્ષના ઉમેદવારો મળ્યા નથી. મધ્ય ગુજરાતમાં અમદાવાદ અને વડોદરા જેવા શહેરોમાં કેટલીક બેઠકો પર સીધી ટક્કર જોવા મળે છે, સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં સ્થિતિ થોડી અલગ છે, જ્યાં હજુ પણ ભાજપ, કોંગ્રેસ અને સ્થાનિક ઉમેદવારો વચ્ચે સીધી ટક્કર જોવા મળે છે.
આ ચૂંટણીમાં સૌથી મોટો વિવાદ કોંગ્રેસ દ્વારા લગાવવામાં આવેલા આરોપોનો છે. કોંગ્રેસે આરોપ લગાવ્યો છે કે તેમના ઉમેદવારોને દબાણ હેઠળ નામ પાછું ખેંચાવાયું અથવા તેમના “અપહરણ” કરવામાં આવ્યા. ભાજપે આ તમામ આક્ષેપોને નકારી કાઢ્યા છે અને તેને રાજકીય પ્રચાર ગણાવ્યો છે.

રાજકીય નિરીક્ષકો માને છે કે આ ચૂંટણીમાં સૌથી મોટો ફેરફાર એ છે કે હવે જીત માત્ર મતદાનના દિવસે નક્કી થતી નથી, પરંતુ ઉમેદવારી પ્રક્રિયા દરમિયાન જ પરિણામનો મોટો હિસ્સો નક્કી થઈ જાય છે. ભાજપે પોતાના મજબૂત સંગઠન અને બૂથ લેવલ નેટવર્કના આધારે વિરોધ પક્ષને ઘણા વિસ્તારોમાં પડકાર આપવામાં સફળતા મેળવી છે. બીજી તરફ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી માટે ઉમેદવારો ઊભા કરવા અને તેમને સાચવી રાખવા મોટો પડકાર બની રહ્યો છે. એબીપી અસ્મિતાના રોનક પટેલ તો કહે છે કે તેમણે આજ સુધી આવી ખરાબ ચૂંટણી જોઇ નથી.
2021ની સ્થાનિક ચૂંટણીમાં લગભગ 220 ઉમેદવારો બિનહરીફ જીત્યા હતા, જ્યારે 2026માં આ આંકડો વધીને 700 સુધી પહોંચ્યો છે. આથી સ્પષ્ટ થાય છે કે સ્પર્ધા ઘટી રહી છે અને ચૂંટણી વધુ એકતરફી બની રહી છે.

