- Sports
- ગિલ કે ઐયર નહીં, રૈના ઈચ્છે છે આ ખેલાડી બને આગામી વન-ડે કેપ્ટન; બોલ્યો- તેમાં ધોનીની ઝલક
ગિલ કે ઐયર નહીં, રૈના ઈચ્છે છે આ ખેલાડી બને આગામી વન-ડે કેપ્ટન; બોલ્યો- તેમાં ધોનીની ઝલક
શુભમન ગિલની ભારતીય T20 ટીમમાં વાપસી બાદ એવું માનવામાં આવી રહ્યું છે કે બધા ફોર્મેટમાં એક જ કેપ્ટન હશે. શુભમન ગિલને T20 એશિયા કપ 2025 માટે ભારતનો વાઇસ-કેપ્ટન બનાવવામાં આવ્યો છે. તે ટેસ્ટ ટીમનો કેપ્ટન છે. જોકે, થોડા દિવસો અગાઉ રિપોર્ટ્સમાં કહેવામાં આવ્યું હતું કે શ્રેયસ ઐયર પણ આગામી વન-ડે કેપ્ટન બનવાની રેસમાં છે. તેને એશિયા કપ માટે ભારતીય ટીમમાં જગ્યા મળી નથી. તો, પૂર્વ બેટ્સમેન સુરેશ રૈનાએ ગિલને વન-ડે કેપ્ટન્સી માટે મજબૂત દાવેદાર ગણાવ્યો હતો, પરંતુ તે ઇચ્છે છે કે ધાકડ ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાને આ જવાબદારી મળે. રૈનાએ હાર્દિકને વન-ડે કેપ્ટન્સી માટે લાયક ઉમેદવાર ગણાવ્યો.
તેણે કહ્યું કે હાર્દિકમાં મહેન્દ્ર સિંહ ધોનીની ઝલક છે. રોહિત ટેસ્ટ અને T20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી સંન્યાસ લઈ ચૂક્યો છે. શુભાંકર મિશ્રાના પોડકાસ્ટ પર જ્યારે રૈનાને પૂછવામાં આવ્યું કે રોહિત બાદ આગામી વન-ડે કેપ્ટન કોણ હશે? તો પૂર્વ બેટ્સમેને કહ્યું કે, ‘શુભમન ગિલ, જેમ તેઓ નક્કી કરશે, પરંતુ મને અત્યારે પણ લાગે છે કે હાર્દિક પંડ્યા કેપ્ટનના રૂપમાં વ્હાઇટ બૉલના ક્રિકેટમાં ચમત્કાર કરશે. શુભમન ગિલ પણ તે વ્યક્તિ બની શકે છે. આશા છે કે હાર્દિક ફરીથી કેપ્ટન બનશે. તેની પાસે કપિલ દેવ પાજી જેવો અનુભવ છે, પછી બેટિંગ હોય, બૉલિંગ હોય કે ફિલ્ડિંગ હોય. તે ખૂબ જ પોઝિટિવ વ્યક્તિ છે. તે ખેલાડીઓનો કેપ્ટન છે. તેમાં થોડી માહી ભાઈ (મહેન્દ્ર સિંહ ધોની)ની ઝલક જોવા મળે છે. હાર્દિક મેદાન પર જે ઉર્જા બતાવે છે તે મને ખૂબ પસંદ આવે છે.’
નોંધનીય છે કે, 31 વર્ષીય હાર્દિકે 3 વન-ડે અને 16 T20 આંતરરાષ્ટ્રીય મેચોમાં ભારતની કેપ્ટન્સી કરી ચૂક્યો છે. તે T20 વર્લ્ડ કપ 2024માં ભારતનો વાઇસ- કેપ્ટન હતા. રોહિત બાદ તેને વ્હાઇટ બૉલ ટીમના કેપ્ટન તરીકે જોવામાં આવી રહ્યો હતો. સૂર્યકુમાર યાદવ વર્તમાનમાં ભારતીય T20 ટીમનો કેપ્ટન છે. સિલેક્શન સમિતિના પ્રમુખ અજીત અગરકરે દરેક ફોર્મેટમાં એક કેપ્ટન હોવાના સવાલનો જવાબ આપ્યો નહોતો, પરંતુ ટોચના ક્રમમાં ગિલની ઉપસ્થિતિ બાબતે તેમણે કહ્યું કે, ‘આપણને બધાને ગિલ ઇંગ્લેન્ડમાં સારું પ્રદર્શન કરશે તેવી અપેક્ષા હતી પરંતુ તેણે અપેક્ષા વ્યક્ત કરતા પણ વધુ સારું પ્રદર્શન કર્યું.’ ગિલે ઇંગ્લેન્ડના પ્રવાસ પર સીરિઝમાં સૌથી વધુ 754 રન બનાવ્યા હતા. તેમના નેતૃત્વમાં ભારતે 5 મેચોની સીરિઝ 2-2થી ડ્રૉ કરાવી હતી.

