- World
- બારમાં ટોયલેટ ઉપયોગ કરવા બદલ ગ્રાહક પાસેથી વસૂલ્યા 10 પાઉન્ડ
બારમાં ટોયલેટ ઉપયોગ કરવા બદલ ગ્રાહક પાસેથી વસૂલ્યા 10 પાઉન્ડ
બ્રિટનના ઉલ્વરસ્ટન (Ulverston) શહેરમાં આવેલ ઇગ્નિશન કોકટેલ બાર હાલમાં અનોખા બનાવને કારણે ચર્ચામાં છે. અહીં એક બારમેડે એવા વ્યક્તિ પાસેથી 10 પાઉન્ડ (લગભગ ₹1000) વસૂલ્યા, જેણે કશું ખરીદ્યા વગર સીધું બારમાં પ્રવેશીને ટોયલેટનો ઉપયોગ કરી લીધો હતો.
ઘટના એવી હતી કે વ્યક્તિ ટોયલેટમાંથી નીકળ્યા બાદ બહાર જવા લાગ્યો, ત્યારે બારમેડ ડેનિએલે તેને રોક્યો અને કહ્યું કે “પાણી અને ટોયલેટ પેપર મફત આવતું નથી.” મજાકિયા અંદાજમાં તેણે પૂછ્યું કે “ચુકવણી કેશમાં કરશો કે કાર્ડથી?” અંતે તે વ્યક્તિએ કોન્ટેક્ટલેસ કાર્ડથી 10 પાઉન્ડ ચૂકવ્યા.
ડેનિએલે આ રસીદને “Toilet Tax” નામે સોશિયલ મીડિયા પર શેર કરી, જેના અંતે લખેલું હતું – “Thank you for shopping with us.” આ પોસ્ટ વાયરલ થતાં જ ઘટના પર લોકોના મંતવ્યો બે ભાગમાં વહેંચાઈ ગયા.
કેટલાંક લોકોએ બારમેડનું સમર્થન કર્યું અને કહ્યું કે જો કોઈ પબ કે બારનો ટોયલેટ ઉપયોગ કરે છે તો ઓછામાં ઓછું એક પેકેટ ચિપ્સ કે કોઈ ડ્રિંક ખરીદવી જોઈએ. એક યૂઝરે લખ્યું, “શું ક્યારેય કોઈએ શોપિંગ મોલ કે મેકડોનાલ્ડ્સમાં કંઈ લીધા વગર ફક્ત ટોયલેટનો ઉપયોગ કર્યો નથી? જો કોઈ કહે છે નહીં, તો કદાચ ખોટું બોલે છે.”
બીજાઓએ જણાવ્યું કે યુરોપના અનેક દેશોમાં ટોયલેટ માટે અલગ ચાર્જ લેવાય છે અથવા ફક્ત ગ્રાહકો માટે જ ટોયલેટ ખુલ્લું રાખવામાં આવે છે. જોકે કેટલાક લોકોએ સહાનુભૂતિ દર્શાવી અને કહ્યું કે કદાચ તે વ્યક્તિને મેડિકલ સમસ્યા હશે અને શરમથી બચવા માટે તેણે પૂછ્યા વગર ટોયલેટનો ઉપયોગ કર્યો હશે.
આ ચર્ચા વચ્ચે બાર તરફથી સ્પષ્ટીકરણ આવ્યું કે, “જો કોઈને ખરેખર જરૂર હોય તો પહેલા પૂછવું જોઈએ, એ જ યોગ્ય રસ્તો છે.” સાથે જ બારે યાદ અપાવ્યું કે ત્યાં પહેલેથી જ નોટિસ લગાવેલી છે – “Toilets are for customer use only.”

