- World
- કેનેડામાં ભારતીય મહિલા અને ભાડૂઆત વચ્ચે ઝઘડો કેમ થયો? વાયરલ દાવાઓથી અલગ છે કહાની
કેનેડામાં ભારતીય મહિલા અને ભાડૂઆત વચ્ચે ઝઘડો કેમ થયો? વાયરલ દાવાઓથી અલગ છે કહાની
કેનેડાના સરે શહેરમાં ભારતીય મૂળની મહિલા અને તેના ભાડૂઆત વચ્ચેનો વિવાદ સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. આ ઘટનાની શરૂઆત ઘરની બહાર બાર્બેક્યૂ કરવાથી થઈ હતી, પરંતુ મામલો એટલો વણસી ગયો કે ભાડૂઆતે મહિલા પર હેરાનગતિ કરવાનો, પરવાનગી વિના ઘરમાં પ્રવેશવાનો અને તેની વસ્તુઓમાં દખલગીરી કરવાનો આરોપ લગાવ્યો. ત્યારબાદ પોલીસે મહિલાને કસ્ટડીમાં લઇ લીધી. હવે, મહિલાએ પણ સામે આવીને કહ્યું છે કે આ સમગ્ર મામલામાં તે પોતે જ પીડિત છે.
આખરે ઝઘડો કેવી રીતે શરૂ થયો?
અહેવાલો અનુસાર, ભાડૂઆત તેના મિત્ર સાથે ઘરની બહાર બાર્બેક્યૂ કરી રહ્યો હતો. આ દરમિયાન મકાન માલકિન રાજ તિવાના ત્યાં પહોંચ્યા અને બાર્બેક્યૂ અંગે વાંધો ઉઠાવ્યો. મહિલાનું કહેવું કે બાર્બેક્યુથી તેમની મિલકતને નુકસાન થઈ શકે છે; વીડિયોમાં તેઓ દીવાલ પરના ડાઘ કે નિશાન તરફ ઈશારો કરતા જોવા મળે છે. ભાડૂઆતે આનો વિરોધ કર્યો. તેનું કહેવું છે કે તે ભાડાથી રહે છે અને પોતાના મિત્રો સાથે રસોઈ બનાવી શકે છે. બંને વચ્ચે આ વાતચીતને લઇને બોલાચાલી થવા લાગી.
વિવાદ દરમિયાન, રાજ તિવાનાએ બાર્બેક્યૂ ગ્રીલ પરથી ખોરાક હટાવવાનું શરૂ કર્યું. વાયરલ વીડિયોમાં તે લાકડાના ટુકડાનો ઉપયોગ કરીને ગ્રીલ પરથી ખોરાક હટાવતી જોવા મળે છે. ભાડૂઆતે વિરોધ કરતા કહ્યું કે તેઓ માત્ર રસોઈ બનાવી રહ્યા હતા. ત્યારબાદ બહેસ વધુ ઉગ્ર બની જાય છે. અહીંથી મામલો સોશિયલ મીડિયા પર ઝડપથી ફેલાવા લાગ્યો. ઘટના બાદ, ભાડૂઆતે ઓનલાઈન અનેક વીડિયો પોસ્ટ કર્યા અને દાવો કર્યો કે આ તેમની સાથે થયેલા વિવાદોમાંથી માત્ર એક હતો.
ભાડૂઆતે આરોપ લગાવ્યો કે મકાન માલિકિન વારંવાર તેની ભાડાની જગ્યામાં દખલગીરી કરતા હતા. તેણે પોસ્ટ કરેલા અન્ય એક વીડિયોમાં મહિલાને ઘરમાં પ્રવેશતી જોઈ શકાય છે. ભાડૂઆતે તેમને બહાર જવા કહ્યું અને ભારપૂર્વક કહ્યું કે પરવાનગી વિના તેના ઘરમાં પ્રવેશવાનો કોઈ અધિકાર નથી.
વધુ એક વીડિયોમાં ભાડૂઆતે દાવો કર્યો કે તેના ઘરનો દરવાજો કાઢી નાખવામાં આવ્યો હતો. તેનું કહેવું હતું કે,આનાથી તે પોતાની જગ્યા અને સામાનને યોગ્ય રીતે સુરક્ષિત પણ કરી શકતો નહોતો. ભાડૂઆતે એવો પણ આરોપ લગાવ્યો કે અન્ય લોકો તેની ભાડાની જગ્યામાં ઘૂસી આવ્યા હતા અને તાળા બદલવા જેવી ઘટનાઓ થઇ. જોકે, આ વીડિયો અને આરોપો સમગ્ર મામલાની સ્વતંત્ર રીતે પુષ્ટિ થતી નથી; વીડિયો મુખ્યત્વે ભાડૂઆતનો દૃષ્ટિકોણ રજૂ કરે છે.
વિવાદ ઉગ્ર બન્યા બાદ પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. બાદમાં સોશિયલ મીડિયા પર એક વીડિયો સામે આવ્યો જેમાં પોલીસ અધિકારીઓ રાજ તિવાનાને કસ્ટડીમાં લેતા જોવા મળે છે. ફુટેજમાં અધિકારીઓ તેની ધરપકડ કરવાની વાત કહે છે અને તેના હાથોમાં હાથકડી પહેરાવવામાં આવતી પણ જોઈ શકાય છે. શરૂઆતના અહેવાલોમાં ધરપકડ અંગેની સંપૂર્ણ કાનૂની વિગતોનો અભાવ હતો, પરંતુ બાદમાં પોલીસ સાથેના તથ્યો પણ સામે આવ્યા હતા.
આ ઘટનાને સોશિયલ મીડિયા પર કેટલાક લોકોએ આ ઘટનાને બીફ અને ધાર્મિક વિવાદો સાથે જોડીને શેર કરી હતી; પરંતુ, સરે પોલીસ સર્વિસે ફેક્ટ-ચેકિંગ વેબસાઇટ 'બૂમ'ને જણાવ્યું હતું કે આ કેસનો બીફ, માંસ, ધર્મ કે વિચારધારા સાથે કોઈ સંબંધ નથી. પોલીસના જણાવ્યા અનુસાર, આ મકાનમાલિક અને ભાડૂઆત વચ્ચેનો ચાલતો આવતો વિવાદ હતો. પોલીસ આ સંપત્તિ પર અનેકવાર પહોંચી હતી અને બંને પક્ષોએ અલગ-અલગ સમયે પોલીસની મદદ માંગી હતી.
આ કેસમાં નવો વળાંક ત્યારે આવ્યો જ્યારે રાજ તિવાનાએ પોતાનો પક્ષ રજૂ કરતો એક વીડિયો જાહેર કર્યો. તેણે ભાડૂઆતના આરોપોને નકારી કાઢ્યા અને દાવો કર્યો કે સોશિયલ મીડિયા પર ઘટનાની માત્ર એક જ બાજુ રજૂ કરવામાં આવી રહી છે. મહિલાનું કહેવું છે કે ભાડૂઆતે ઘણા મહિનાઓથી ભાડું ચૂકવ્યું નહોતું અને મિલકતને પણ નુકસાન પહોંચાડ્યું હતું. તેનો દાવો છે કે વાયરલ થયેલા વીડિયોમાં એડિટિંગ કરીને તેમને ખોટી રીતે રજૂ કરવામાં આવ્યા હતા અને તે આ પરિસ્થિતિમાં પીડિત છે.
તો, સત્ય શું છે?
હાલમાં, આ સમગ્ર મામવે બંને પક્ષોની કહાની અલગ-અલગ છે. ભાડૂઆતનો દાવો છે કે મકાન માલિકિને તેને હેરાન કર્યા, તેની ભાડાની જગ્યામાં પરવાનગી વિના પ્રવેશ કર્યો અને તેમના રહેવાના અધિકારમાં દખલગીરી કરી. બીજી તરફ, મકાનમાલિકનો દાવો છે કે ભાડૂઆતે ભાડું ચૂકવ્યું નથી અને મિલકતને નુકસાન પહોંચાડ્યું છે. તેનો દાવો છે કે સોશિયલ મીડિયા પર તેની વિરુદ્ધ એકતરફી વાત ફેલાવવામાં આવી રહી છે.

