- World
- નેપાળના વડાપ્રધાન કેપી શર્મા ઓલીએ આપી દીધું રાજીનામું, પ્રદર્શનકારીઓએ આખા સંસદ ભવનને કબજામાં લીધું
નેપાળના વડાપ્રધાન કેપી શર્મા ઓલીએ આપી દીધું રાજીનામું, પ્રદર્શનકારીઓએ આખા સંસદ ભવનને કબજામાં લીધું
નેપાળમાં પરિસ્થિતિ સતત વણસી રહી છે. વિરોધ પ્રદર્શનોએ હિંસક રૂપ લઈ લીધું છે. રાજધાની કાઠમંડુ સહિત ઘણા વિસ્તારોમાં આ*ગચંપી, તોડફોડ અને પથ્થરમારાની ઘટનાઓ નોંધાઈ રહી છે. પ્રદર્શકારીઓએ રાષ્ટ્રપતિ રામચંદ્ર પૌડેલના ખાનગી નિવાસસ્થાન પર કબજો કરીને તોડફોડ કરી અને આગ લગાવી દીધી.
આ અગાઉ વડાપ્રધાન કેપી શર્મા ઓલીના પક્ષના નેતા રઘુવીર મહાસેઠ અને માઓવાદી પ્રમુખ પ્રચંડના ઘરો પર પણ હુમલો કરવામાં આવ્યો હતો. ગૃહ મંત્રી રમેશ લેખક, કૃષિ મંત્રી રામનાથ અધિકારી, આરોગ્ય મંત્રી સહિત 5 મંત્રીઓ રાજીનામું આપી ચૂક્યા છે. સતત વધતા દબાણ વચ્ચે વડાપ્રધાન ઓલી સારવારના નામે દુબઈ જવાની તૈયારી કરી રહ્યા છે અને નાયબ વડાપ્રધાનને કાર્યકારી જવાબદારી સોંપવાનો નિર્ણય લીધો છે. કરફ્યૂ અને કડક સુરક્ષા વ્યવસ્થા છતા વિરોધ પ્રદર્શનનો વ્યાપ વધી રહ્યો છે અને રાજકીય સંકટ વધુ ઘેરું બનતું જઈ રહ્યું છે.
તો હવે એવા સમાચાર મળી રહ્યા છે કે નેપાળના વડાપ્રધાન કેપી શર્મા ઓલીએ પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે. ગઈકાલે રસ્તા પર ઉતરેલા પ્રદર્શનકારી સતત તેમના રાજીનામાની માગ કરી રહ્યા હતા. પ્રદર્શનકારીઓએ સંસદ ભવનમાં ઘૂસીને બંને ગૃહોમાં આગ લગાવી દીધી. સમગ્ર સંસદ ભવન હવે પ્રદર્શનકારીઓના કબજામાં છે.
નેપાળમાં વિરોધ પ્રદર્શન સતત વધી રહ્યા છે અને નેતાઓ પર દબાણ વધી રહ્યું છે. પ્રદર્શનના ડરને કારણે મધેશ પ્રદેશના મુખ્યમંત્રી સતીશ સિંહે રાજીનામું આપી દીધું છે. આ ઉપરાંત, મધેશ, લુમ્બિની, ગંડકી અને દૂર પશ્ચિમ પ્રદેશના ઘણા મુખ્યમંત્રી કાર્યાલયો પ્રદર્શનકારીઓના કબજામાં આવી ગયા છે. પ્રદર્શનકારીઓ રાજધાની અને વિવિધ રાજ્યોમાં પથ્થરમારો કરી રહ્યા છે અને ઘેરાબંધી કરી રહ્યા છે. વધતી હિંસા અને અસ્થિરતા વચ્ચે રાજકીય સંકટ વધુ ઘેરું બની રહ્યું છે.
નેપાળમાં વધી રહેલા વિરોધ પ્રદર્શનો વચ્ચે વડાપ્રધાન કેપી શર્મા ઓલીએ પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે નેપાળના આર્મી ચીફ જનરલ અશોક રાજ સિગ્દેલ સાથે વાતચીત કરી હતી. સેનાના સૂત્રોના જણાવ્યા અનુસાર, સેના પ્રમુખે ઓલીને સત્તા છોડવાની સલાહ આપી હતી. સેનાએ કહ્યું કે સત્તા છોડ્યા વિના પરિસ્થિતિને સંભાળવી મુશ્કેલ છે.
વડાપ્રધાન ઓલીએ પોતાના અને અન્ય મંત્રીઓને સુરક્ષિત રીતે બહાર નીકળવા સેનાની મદદ પણ માગી છે. તેમણે વડાપ્રધાન નિવાસસ્થાનમાંથી સુરક્ષિત રીતે બહાર કાઢવાની પણ અપીલ કરી છે. રાજકીય સંકટ વચ્ચે, સેના પરિસ્થિતિને કાબૂમાં લેવાની તૈયારી કરી રહી છે.

