- World
- તારિક રહેમાને બાંગ્લાદેશમાં PM મોદીના ફોર્મ્યૂલાનો ઉપયોગ કરીને બાંગ્લાદેશની ચૂંટણી જીતી, દીકરીએ આપ્ય...
તારિક રહેમાને બાંગ્લાદેશમાં PM મોદીના ફોર્મ્યૂલાનો ઉપયોગ કરીને બાંગ્લાદેશની ચૂંટણી જીતી, દીકરીએ આપ્યો આઈડિયા
બાંગ્લાદેશ ફરી એકવાર નિર્ણાયક રાજકીય વળાંક પર છે. હવે, તારિક રહેમાનની લીડરશિપ એ નક્કી કરશે કે, ઢાકા કયા માર્ગ પર આગળ વધશે. તારિક રહેમાનની બાંગ્લાદેશ નેશનાલિસ્ટ પાર્ટી (BNP)એ સામાન્ય ચૂંટણીઓમાં પ્રચંડ જીત મેળવી છે. તારિક બાંગ્લાદેશના આગામી વડાપ્રધાન બનવાના છે. આ બધા વચ્ચે, ચૂંટણી પ્રચાર દરમિયાન BNP દ્વારા અપનાવવામાં આવેલી રણનીતિ પર ભારતનો પડછાયો સ્પષ્ટપણે દેખાઈ રહ્યો હતો.
જનતા સાથે જોડાવા અને ચૂંટણી જીતવા માટે, તારિક રહેમાને એ જ ફોર્મ્યૂલા અપનાવ્યો જે વડાપ્રધાનનરેન્દ્ર મોદીએ લગભગ 12 વર્ષ અગાઉ 2014ની લોકસભા ચૂંટણીમાં અપનાવી હતી. તારિકને આ વિચાર તેમની પુત્રી ઝૈમા રહેમાને આપ્યો હતો. આ કોન્સેપ્ટ કામ કરી ગયો અને તારિક રહેમાને ચૂંટણી જીતવામાં સફળતા મળી. વડાપ્રધાન મોદીએ 2014ની ચૂંટણી દરમિયાન ‘ચાય પે ચર્ચા’ અભિયાન શરૂ કર્યું હતું, જે ખૂબ જ લોકપ્રિય થયું હતું. તારિક રહેમાને તેમના ચૂંટણી પ્રચાર દરમિયાન ‘ચાયેર અડ્ડા’ એટલે કે ચા પર વાતચીતની શરૂઆત કરી. જનતા સાથે જોડાવાના આ અભિગમના પરિણામો હવે દુનિયા સમક્ષ છે.
બાંગ્લાદેશમાં તાજેતરની સામાન્ય ચૂંટણીઓમાં, બાંગ્લાદેશ નેશનાલિસ્ટ પાર્ટી (BNP) અને તેના પ્રમુખ, તારિક રહેમાનની રણનીતિએ બધાનું ધ્યાન ખેંચ્યું. આ સમયે ભારત-બાંગ્લાદેશ સંબંધો સૌહાર્દપૂર્ણ ન હોય, ચૂંટણી પ્રચારમાં ભારતીય રાજકીય અભિયાનોની ઝલક સ્પષ્ટ પણ જોવા મળી. રાજકીય વિશ્લેષકોનું માનવું છે કે આ રણનીતિઓએ BNPની નિર્ણાયક જીતમાં મુખ્ય ભૂમિકા ભજવી હતી. સૌપ્રથમ ચર્ચા થાય ‘ચાયેર અડ્ડા’ની, જેને ભારતીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 2014ના લોકપ્રિય અભિયાન, ‘ચાય પે ચર્ચા’થી પ્રેરિત હોવાનું કહેવામા આવી રહ્યું છે. BNPએ દેશભરમાં અનૌપચારિક ચા બેઠકોનું આયોજન કર્યું, જ્યાં યુવાનો અને સામાન્ય નાગરિકો સાથે સીધો સંવાદ સ્થાપિત કર્યો. આની અસર ચૂંટણી પરિણામોમાં સ્પષ્ટપણે જોવા મળી છે.
તારિકની પુત્રીએ આપ્યો હતો આ આઇડિયા
‘ચા પર ચર્ચા’ દ્વારા જનતા સાથે જોડાવાનો આઇડિયા તારિક રહેમાનની પુત્રી, ઝૈમા રહેમાને તૈયાર કર્યો હતો. 2014માં ‘ચાય પે ચર્ચા’એ મોદીની છબીને જમીની નેતા તરીકે સ્થાપિત કરવામાં મુખ્ય ભૂમિકા ભજવી હતી, અને BNPએ આ મોડેલ અપનાવ્યું, તેને સ્થાનિક સંદર્ભમાં અનુરૂપ બનાવ્યું હતું. જો કે, વિરોધીઓએ તારિક રહેમાનને ‘બાહ્ય’ અને બિનઅનુભવી નેતા તરીકે નિશાન બનાવ્યા હતા, પરંતુ ‘ચાયેર અડ્ડા’એ તેમને સામાન્ય લોકોની નજીક લાવવામાં મદદ કરી.
બીજી રણનીતિ
બીજી મહત્ત્વની રણનીતિ તારિક રહેમાનને એક સરળ, નમ્ર અને ગેર-અભિજાત્ય નેતા તરીકે દર્શાવવાની હતી. વિરોધી પક્ષો તેમને એક વિશેષાધિકૃત રાજકીય વારસદાર તરીકે દર્શાવવા માંગતા હતા જેમણે વિદેશમાં લાંબો સમય વિતાવ્યો હતો અને હવે સત્તામાં પાછા ફર્યા છે.
આ ધારણાનો સામનો કરવા માટે BNPએ યુવાનો પર ખાસ ધ્યાન કેન્દ્રિત કર્યું. પાર્ટીએ લગભગ 4 કરોડ પ્રથમ વખતના મતદારોને અપીલ કરવાની યોજના બનાવી હતી. આ સંદર્ભમાં, પ્રચાર દરમિયાન અભિયાનમાં ‘ડોન્ટ કોલ મી સર, કોલ મી ભાઈ’નો નારો આપવામાં આવ્યો, જે રાહુલ ગાંધીએ ભારતમાં વિદ્યાર્થીઓ સાથેની તેમની વાતચીત દરમિયાન કરેલી અપીલની યાદ અપાવે છે. આ સંદેશ દ્વારા, તારિકે પોતાને ‘ભાઈ’ અને યુવાનોના માર્ગદર્શક તરીકે દર્શાવવાનો પ્રયાસ કર્યો.
સોશિયલ મીડિયાના વધતા પ્રભાવને જોતાં, BNPએ રીલ-મેકિંગ સ્પર્ધાઓ પણ શરૂ કરી. યુટ્યુબર્સ અને કન્ટેન્ટ ક્રિએટર્સને સર્જનાત્મક વીડિઓઝ દ્વારા તેમના સૂચનો અને વિચારો શેર કરવા માટે આમંત્રિત કરવામાં આવ્યા હતા. વિજેતાઓને પુરસ્કાર આપવામાં આવ્યા હતા, અને તેમની રીલ્સ સત્તાવાર પ્લેટફોર્મ પર પ્રદર્શિત કરવામાં આવી હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર, BNPની ટીમ ભારતીય રાજકીય પક્ષોના સોશિયલ મીડિયા પ્રચાર પર પણ નજર રાખી રહી હતી જેથી તેમની ડિજિટલ રણનીતિને વધુ અસરકારક બનાવી શકાય.
બરાક ઓબામા કનેક્શન
ચૂંટણી જીત્યા બાદ પણ તારિક રહેમાન સામે પડકારો ઓછા નથી. જમાત-એ-ઇસ્લામીએ ચૂંટણી પરિણામોને નકારતા ધાંધલીનો આરોપ લગાવ્યો છે, અને નવી સરકાર માટે મુશ્કેલીઓ ઊભી કરવાની ચીમકી આપી છે. આ આરોપો ભારતમાં કોંગ્રેસ પક્ષ દ્વારા ભાજપ સામે લગાવવામાં આવેલા આરોપો જેવા જ છે. એવા માહોલમાં તારિકે પોતાના પોસ્ટરો પર ‘આઈ હેવ અ પ્લાન’નો નારો આપ્યો, જે ભૂતપૂર્વ અમેરિકન રાષ્ટ્રપતિ બરાક ઓબામાના પ્રખ્યાત ‘Yes we can’ને અનુરૂપ હતો. સ્પષ્ટ છે કે, ભારતીય ચૂંટણી પ્રચારથી પ્રેરિત રણનીતિઓએ BNPને ઉર્જા આપી છે અને તેને યુવાનોમાં આકર્ષણ મેળવવામાં મદદ કરી છે. હવે એ જોવાનું રહેશે કે, નવી સરકાર આ ચૂંટણી વચનો અને રણનીતિઓને કેટલી હદ સુધી અમલમાં મૂકી શકશે.

