- World
- ભગવાન વિષ્ણુની મૂર્તિ પર કેમ ચલાવ્યું બુલડોઝર? ભારતના વિરોધ બાદ થાઈલેન્ડ સરકારે કરી સ્પષ્ટતા
ભગવાન વિષ્ણુની મૂર્તિ પર કેમ ચલાવ્યું બુલડોઝર? ભારતના વિરોધ બાદ થાઈલેન્ડ સરકારે કરી સ્પષ્ટતા
થાઇલેન્ડ દ્વારા દેશમાં સ્થિત ભગવાન વિષ્ણુની મૂર્તિને બુલડોઝરથી તોડી પાડવા સામે ભારતની સખત આપત્તિ બાદ, થાઇ સરકારે હવે સ્પષ્ટતા આપી છે. તેમાં કહેવામાં આવ્યું છે કે આ મૂર્તિ સરહદ પર માત્ર ‘સજાવટી સંરચના’ હતી. મૂર્તિ તોડી પાડવાનો એક વીડિયો સામે આવ્યા બાદ ભારતે આ કાર્યવાહીની ટીકા કરી હતી. ગુરુવારે થાઇલેન્ડના વડાપ્રધાન અનુતિન ચાર્નવિરાકુલે કહ્યું હતું કે, ‘તૂટેલી મૂર્તિની તુલના સૈનિકોના જીવન અથવા અંગો સાથે નહીં કરી શકાય.’
થાઇ સરકારે સ્પષ્ટીકરણમાં શું કહ્યું?
થાઇ સરકારે સ્પષ્ટતા કરી હતી કે મૂર્તિ કોઈ ધાર્મિક સ્થળ નહોતું, પરંતુ થાઇ-કંબોડિયા સરહદના વિવાદિત વિસ્તારમાં સુરક્ષા અને નિયંત્રણ હેતુઓ માટે તેને હટાવવામાં આવી હતી, અને આ કાર્યવાહીનો હેતુ કોઈપણ ધર્મનું અપમાન કરવાનો નહોતો. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે તે વીડિયો વાયરલ થવાથી થતી ગેરસમજણો બદલ દિલગીર છીએ, પરંતુ તે રજિસ્ટર્ડ ધાર્મિક સ્થળ નહોતું.
https://twitter.com/jacobincambodia/status/2003761495067488395?s=20
નોંધનીય છે કે, ભારતે બુધવારે વિદેશ મંત્રાલય તરફથી એક કડક નિવેદન જાહેર કરીને તેને દુર્ભાગ્યપૂર્ણ ગણાવ્યું હતું. ભારતે જણાવ્યું હતું કે પ્રાદેશિક દાવાઓ હોવા છતા આવા અપમાનજનક કૃત્યો હિન્દુ અને બૌદ્ધ ભક્તોની લાગણીઓને ઠેસ પહોંચાડે છે, જે આપણા સહિયારા સભ્યતાનો વારસો છે. કંબોડિયાના પ્રાહ વિહાર પ્રાંતના પ્રવક્તાએ પણ આ ઘટનાની નિંદા કરી હતી અને દાવો કર્યો હતો કે આ મૂર્તિ તેમના પ્રદેશના એન સેસ વિસ્તારમાં હતી. કંબોડિયાએ થાઈ સેના પર પ્રાચીન મંદિરોને નુકસાન પહોંચાડવાનો પણ આરોપ લગાવ્યો હતો, જેનો દાવો બેંગકોકે નકારી કાઢ્યો હતો.
તમને જણાવી દઈએ કે, આ ઘટના 2 પડોશીઓ વચ્ચે બે અઠવાડિયાના લશ્કરી સંઘર્ષ બાદ બની હતી, જેમાં થાઈલેન્ડમાં 23 લોકો માર્યા ગયા હતા, જેમાં મોટાભાગના સૈનિકો હતા અને કંબોડિયામાં 21 નાગરિકોના મોત થયા હતા. બંને દેશો એકબીજા પર સંઘર્ષ ઉશ્કેરવાનો અને નાગરિકોને નિશાન બનાવવાનો આરોપ લગાવતા રહે છે. ગૂગલ મેપ્સથી સ્પષ્ટ છે કે મૂર્તિ સરહદથી થોડા અંતરે સ્થિત હતી, પરંતુ જૂનો સરહદ વિવાદ ફરી ગરમાયો છે.

