- Tech and Auto
- હીરોનું ઇલેક્ટ્રિક સ્કૂટર Vida VX2 Plus KKR લોન્ચ; 142 Km રેન્જ, કિંમત પણ 1 લાખથી ઓછી
હીરોનું ઇલેક્ટ્રિક સ્કૂટર Vida VX2 Plus KKR લોન્ચ; 142 Km રેન્જ, કિંમત પણ 1 લાખથી ઓછી
હીરો મોટોકોર્પના ઇલેક્ટ્રિક મોબિલિટી બ્રાન્ડ, Vidaએ તેનું લિમિટેડ એડિશન સ્કૂટર, Vida VX2 Plus KKR લિમિટેડ એડિશન લોન્ચ કર્યું છે. આ સ્કૂટર કોલકાતા નાઈટ રાઇડર્સ થીમથી પ્રેરિત છે. સ્કૂટરની ડિઝાઇનમાં આ સ્પષ્ટપણે દેખાય છે, જે IPL ટીમના પર્પલ અને ગોલ્ડના રંગની થીમને પ્રતિબિંબિત કરે છે.
નવા ઇલેક્ટ્રિક સ્કૂટરમાં ગોલ્ડન હાફટોન ગ્રેડિયન્ટ છે જેમાં માઇક્રો-ડોટ્સની પેટર્ન પર્લ બ્લેક બોડી કલર સાથે જોડાયેલી છે. આ ડિઝાઇનમાં ત્રણ એવા નિશાન છે, જે બતાવે છે કે, KKR ત્રણ વખત IPL ચેમ્પિયન બની ચૂક્યું છે. આ ઇલેક્ટ્રિક સ્કૂટર પસંદગીના Vida આઉટલેટ્સ પર ઉપલબ્ધ થશે. જો KKR IPL મેચ જીતે છે તો કંપની આ સ્કૂટર ટીમના ખેલાડીને આપશે.
સ્કૂટરમાં કોઈ મિકેનિકલ ફેરફારો કરવામાં નથી આવ્યા, એટલે કે ફક્ત ગ્રાફિક્સ અને કલર બદલાયેલા જ દેખાશે. તેમાં સ્ટાન્ડર્ડ વેરિઅન્ટ જેવી જ ડિઝાઇન, LED હેડલેમ્પ્સ અને DRLS આપવામાં આવ્યા છે. ઇલેક્ટ્રિક સ્કૂટરની ડિઝાઇન સ્ટાન્ડર્ડ મોડેલ જેવી જ છે. તમને ફક્ત નવા રંગો અને મર્યાદિત આવૃત્તિના ગ્રાફિક્સ જ જોવા મળશે.
Vida VX2 Plus KKR લિમિટેડ એડિશન સ્કૂટર સાથે, કંપનીએ KKR ફ્રેન્ચાઇઝીથી પ્રેરિત KKR હેલ્મેટ પણ લોન્ચ કર્યું છે.
આ Vida સ્કૂટર દૂર કરી શકાય તેવી બેટરી સાથે આવે છે. જો તમે કોઈ એપાર્ટમેન્ટમાં રહો છો, તો તમે બેટરી કાઢીને તમારા ફ્લેટમાં તેને ચાર્જ કરી શકો છો. કંપનીનો દાવો છે કે, એક જ ચાર્જ પર 142 Kmની રેન્જ આપે છે.
તેની ટોપ સ્પીડ 80 Km/h છે. બેટરીને સંપૂર્ણ ચાર્જ થવામાં 62 મિનિટ લાગે છે, જ્યારે AC ચાર્જ થવામાં 4 કલાક અને 13 મિનિટ લાગે છે. સ્કૂટર ફક્ત 3.1 સેકન્ડમાં 0 થી 40 કિલોમીટર પ્રતિ કલાકની ગતિ મેળવે છે. સ્કૂટરમાં 4.3-ઇંચનું TFT ડિસ્પ્લે મળે છે.
Vida VX2 Plusની કિંમત રૂ. 94,800થી શરૂ થાય છે. કંપનીએ KKR લિમિટેડ એડિશનની કિંમત જાહેર કરી નથી. આ સ્કૂટર BaaS સેવાઓ સાથે પણ ખરીદી શકાય છે, જ્યાં બેટરી સબ્સ્ક્રિપ્શન તરીકે ખરીદવામાં આવે છે. BaaS સાથે, તેની એક્સ-શોરૂમ કિંમત રૂ. 70,000 થઇ જાય છે.

