- Astro and Religion
- 5 મહિના સુધી ચાલે છે ચાતુર્માસ, પરંતુ કેમ કહેવામા આવે છે ચાર માસ?
5 મહિના સુધી ચાલે છે ચાતુર્માસ, પરંતુ કેમ કહેવામા આવે છે ચાર માસ?
હિન્દુ ધર્મમાં, ચાતુર્માસનો સમય ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે. આ એ સમય છે જ્યારે ભગવાન વિષ્ણુ ક્ષીરસાગરમાં શયન કરે છે અને સૃષ્ટિનું સંચાલન ભગવાન શિવ અને અન્ય દેવી-દેવતાઓ કરે છે, પરંતુ મોટાભાગના લોકોના મનમાં સવાલ ઊઠે છે કે જ્યારે ચાતુર્માસનો સમયગાળો લગભગ 5 મહિનાનો હોય છે, તો પછી તેને 'ચાર' માસ (એટલે કે ચાર મહિના) કેમ કહેવામાં આવે છે?
શું છે ચાતુર્માસ?
ચાતુર્માસ શબ્દ 'ચાતુ' (ચાર) અને 'માસ' (મહિનો)થી બનેલો છે. તે અષાઢ મહિનાના શુક્લ પક્ષની દેવશયની એકાદશીથી શરૂ થાય છે અને કાર્તિક મહિનાના શુક્લ પક્ષની દેવઉઠી એકાદશી સુધી ચાલુ રહે છે. આ બંને એકાદશીઓ વચ્ચેનો સમયગાળો લગભગ 148 દિવસથી 150 દિવસનો હોય છે, જે લગભગ 5 મહિના બરાબર છે.
4 મહિના કહેવા પાછળનું કારણ
સૌર અને ચંદ્ર ગણતરી વચ્ચેનું અંતર: હિન્દુ પંચાંગ ચંદ્ર માસ પર આધારિત હોય છે, જ્યારે વર્ષની ગણતરી સૌર વર્ષ અનુસાર થાય છે. આ બે ગણતરીઓ વચ્ચે સંતુલન બનાવી રાખવા માટે, દર ત્રીજા વર્ષે એક અધિક માસ (મલમાસ અથવા પુરુષોત્તમ માસ) જોડાઈ જાય છે. જ્યારે ચાતુર્માસ દરમિયાન અધિક માસ આવે છે, ત્યારે તેનો સમયગાળો વધીને 5 મહિના થઈ જાય છે. જોકે, પરંપરાગત રીતે તેનો મૂળ સમયગાળો 4 મહિના માનવામાં આવે છે, જેમાં અધિક માસને 'વધારાનો' અથવા 'જોડવામાં આવેલો' મહિનો માનવામાં આવે છે.
મુખ્ય ચાર મહિનાનું મહત્ત્વ
ચાતુર્માસ દરમિયાન શ્રાવણ, ભાદરવો, આસો અને કારતક એમ ચાર મહિના ખૂબ જ મહત્ત્વપૂર્ણ માનવામાં આવે છે. આ મહિનામાં વિવિધ તહેવારો અને વ્રત આવે છે, જેનું વિશેષ ધાર્મિક મહત્ત્વ છે.
શ્રાવણ મહિનો: ભગવાન શિવની પૂજા માટે સમર્પિત.
ભાદરવો મહિનો: જન્માષ્ટમી, ગણેશ ચતુર્થી જેવા તહેવારો.
આસો મહિનો: નવરાત્રિ અને દશેરા જેવા તહેવારો.
કારતક મહિનો: દિવાળી અને દેવઉઠી એકાદશી જેવા તહેવારો.
હવામાન અને કૃષિ ચક્ર
પ્રાચીન કાળથી ચાતુર્માસને વર્ષા ઋતુ સાથે જોડવામાં આવે છે. આ ચાર મહિનામાં ચોમાસુ ચરમસીમાએ હોય છે, જેના કારણે મુસાફરી મુશ્કેલ થઈ જાય છે અને લોકો એક જ જગ્યાએ રહીને ધ્યાન, પૂજા અને અભ્યાસ કરતા હતા. આ કૃષિ ચક્ર માટે પણ એક મહત્ત્વપૂર્ણ સમય હતો, જ્યારે ખેડૂતો તેમના પાક પર ધ્યાન કેન્દ્રિત કરતા હતા. આ ઋતુ સાથે જોડાયેલી ગતિવિધિઓ માત્ર આ ચાર મહિના સુધી મર્યાદિત હતી.
અધિક માસ અને તેનો પ્રભાવ
જ્યારે ચાતુર્માસમાં અધિક માસ આવે છે, ત્યારે તેને ભગવાન વિષ્ણુને સમર્પિત માનવામાં આવે છે. આ સમય દરમિયાન શુભ કાર્યો (જેમ કે લગ્ન, ગૃહ પ્રવેશ) પ્રતિબંધિત છે, પરંતુ ધાર્મિક વિધિઓ, પૂજા, દાન અને તીર્થયાત્રાઓનું મહત્ત્વ વધી જાય છે. આ વધારાનો મહિનો આત્મનિરીક્ષણ અને સાધના માટે એક વિશેષ અવસર પ્રદાન કરે છે. એટલે ચાતુર્માસનો સમયગાળો ક્યારેક-ક્યારેક 5 મહિનાની થઈ જાય છે, છતા પરંપરાગત રીતે તેને 'ચાર' માસ કહેવામાં આવે છે, કારણ કે તેની મૂળ ગણતરી 4 મુખ્ય ચંદ્ર મહિનાઓ પર આધારિત છે. એટલે અધિક માસને એક વધારાનો મહિનો માનવામાં આવે છે.

