- Business
- AIના યુગમાં સુરતના શ્રમિકો માટે સંવેદનશીલતા પણ જરૂરી છે
AIના યુગમાં સુરતના શ્રમિકો માટે સંવેદનશીલતા પણ જરૂરી છે
સુરતની ઓળખ તેના કાપડ બજારો, હીરાના કારખાનાં અને વૈભવી ઇમારતોથી બને છે. પરંતુ આ દૃશ્યની પાછળ એક એવો માણસ છે જેના વિશે આપણે બહુ ઓછું વિચારીએ છીએ. વહેલી સવારે કામે નીકળતો, આખો દિવસ મહેનત કરતો અને સાંજે પરિવાર માટે કંઈક સારું કરી શક્યો હોવાના સંતોષ સાથે ઘરે પરત ફરતો શ્રમિક. શહેરની સમૃદ્ધિ વિશે વાત કરતી વખતે આ માણસને કેન્દ્રમાં રાખવો એ કોઈ ઉપકાર નથી એ વિકાસની સાચી સમજ છે.
આજનો સમય કૃત્રિમ બુદ્ધિ એટલે કે AIનો છે. આયોજન, માહિતીનું વિશ્લેષણ અને ગુણવત્તાની ચકાસણી જેવી કામગીરીમાં નવી ટેક્નોલોજી ઉપયોગી થઈ રહી છે. મશીનોનું ઓટોમેશન અને AI એક જ બાબત નથી પરંતુ બંને કામ કરવાની પદ્ધતિ અલગજ છે. ઉદ્યોગોએ સ્પર્ધાત્મક રહેવું હોય તો બદલાવ સ્વીકારવો જ પડે. પ્રશ્ન ટેક્નોલોજી આવવી જોઈએ કે નહીં તેનો નથી, પ્રશ્ન એ છે કે આ પરિવર્તનમાં વર્ષોથી ઉદ્યોગને પોતાની રાત દિવસ આપનારો શ્રમિક ક્યાં ઊભો રહેશે?
સુરતના ટેક્સટાઇલ ક્ષેત્રમાં વિવિંગ ડાઈંગ પ્રિન્ટિંગ ફિનિશિંગ અને પેકિંગ સુધી વિવિધ પ્રકારનાં કામ છે. નવી મશીનરી અને ડિજિટલ પદ્ધતિઓથી ઉત્પાદન વધુ સુવ્યવસ્થિત બની શકે છે. છતાં મશીનનો અવાજ સાંભળીને ખામી પારખી લેતો કારીગર, કાપડની ગુણવત્તા સ્પર્શથી ઓળખી લેતો અનુભવી માણસ અને કામ સંભાળતો શ્રમિક માત્ર મજૂરીનું શરીર નથી તેની પાસે વર્ષોની એવી વ્યવહારુ સમજ છે જે કોઈ સોફ્ટવેરમાં સહેલાઈથી સમાવી શકાતી નથી. આ અનુભવને નવી કુશળતા સાથે જોડવાની જરૂર છે.
હીરા ઉદ્યોગમાં આ વાત વધુ સ્પષ્ટ થાય છે. રત્નકલાકારની આંખ, હાથની ચોકસાઈ અને ધીરજ એક નાનકડા પથ્થરને મૂલ્યવાન રત્નમાં ફેરવે છે. લેસર, કમ્પ્યુટર આધારિત આયોજન અને AIની મદદથી ગુણવત્તા મૂલ્યાંકન જેવી પદ્ધતિઓ ઉદ્યોગને નવી ક્ષમતા આપે છે પરંતુ ટેક્નોલોજીનો લાભ શ્રમિક સુધી પણ પહોંચે તે એટલું જ અગત્યનું છે. વર્ષોથી એક કામ કરતા રત્નકલાકારને નવી પદ્ધતિ શીખવાની તક મળે તો બદલાવ તેના માટે ભય નહીં આગળ વધવાનો માર્ગ બની શકે.
બાંધકામ ક્ષેત્રમાં તો આ સવાલ વધુ માનવીય બને છે. ઊંચી ઇમારતને જોતા આપણે તેનો નકશો, બાંધકામની ઝડપ અને બજારકિંમતની ચર્ચા કરીએ છીએ. પરંતુ પાયો ખોદનાર, લોખંડ બાંધનાર, ઈંટ ગોઠવનાર, મિસ્ત્રી અને બીજા અનેક કામદારોને ભાગ્યે જ યાદ કરીએ છીએ. ડિજિટલ આયોજન અને આધુનિક સાધનો ભલે કામમાં મદદરૂપ બને, સુરક્ષિત કામની જગ્યા, યોગ્ય આરામ, પીવાનું પાણી, આરોગ્યની કાળજી અને સમયસર મહેનતાણું જેવી જરૂરિયાતો ક્યારેય ગૌણ ન બની શકે.

શ્રમિક માટે રોજગાર માત્ર આવકનો સ્ત્રોત નથી. તેના પગારમાં સંતાનના શિક્ષણની આશા, ઘરનું ભાડું, વૃદ્ધ માતાપિતાની દવા અને વતનમાં રહેતા પરિવારની જરૂરિયાતો જોડાયેલી હોય છે. ઘણા લોકો સુરતમાં પોતાના ગામથી દૂર રહી જીવન ગોઠવે છે. કામની પદ્ધતિ બદલાશે એવી જાણ થાય ત્યારે તેમની ચિંતા સ્વાભાવિક છે. તે ચિંતાને વિરોધ માની લેવાને બદલે સમજવાનો પ્રયત્ન થાય તો વિશ્વાસ ટકી શકે. સંવેદનશીલતાની શરૂઆત ઘણી વાર આટલી સરળ હોય છે.
અહીં ઉદ્યોગકાર અને શ્રમિકને એકબીજાના વિરોધી તરીકે જોવાની જરૂર નથી. ઉદ્યોગકાર મૂડી રોકે છે, બજારનું જોખમ લે છે, નવી તક શોધે છે અને રોજગારીનું સર્જન કરે છે. શ્રમિક પોતાના કૌશલ્ય અને મહેનતથી આ પ્રયત્નને પરિણામ સુધી પહોંચાડે છે. વેપારમાં મંદી આવે ત્યારે ઉદ્યોગકારની મુશ્કેલી વાસ્તવિક હોય છે; કામ અને આવકમાં અનિશ્ચિતતા ઊભી થાય ત્યારે શ્રમિકની ચિંતા પણ એટલી જ વાસ્તવિક હોય છે. એકની સમસ્યાને નાની કરીને બીજાની વાત સમજાવી શકાતી નથી. એટલા માટે AIના યુગમાં આવડતને માત્ર અનુભવના પ્રમાણપત્ર સુધી સીમિત ન રાખવું જોઈએ. નવા સાધનો કેવી રીતે વાપરવા, કામની બદલાતી જરૂરિયાતો સાથે કેવી રીતે ચાલવું અને પોતાની કુશળતાનો બીજા કાર્યમાં કેવી રીતે ઉપયોગ કરવો તે શીખવાની વ્યવહારુ વ્યવસ્થા ઊભી થવી જોઈએ. શિખાઉ શ્રમિકને સમજાય તેવી ભાષામાં અને તેની કામની પરિસ્થિતિને અનુરૂપ કામ મળે તો તેનું મૂલ્ય વધે. અનુભવી કારીગરને શીખનાર નહીં પણ શીખવનારની ભૂમિકામાં પણ સ્થાન મળી શકે.
દરેક શ્રમિકની પરિસ્થિતિ સરખી નથી. યુવાન માટે નવી ટેક્નોલોજી શીખવી સરળ હોઈ શકે પરંતુ લાંબા સમયથી એક જ પ્રકારનું કામ કરતા મધ્યવયના કારીગરને વધુ માર્ગદર્શનની જરૂર પડી શકે. મહિલા શ્રમિક માટે કામ સાથે પરિવારની જવાબદારી પણ મહત્ત્વની હોઈ શકે તેથી કોઈ નવી વ્યવસ્થા અમલમાં મૂકતી વખતે એકસરખો અભિગમ પૂરતો નથી. સંવાદ, યોગ્ય સમય અને ફરીથી કામ શીખવાની વાસ્તવિક તક પરિવર્તનને વધુ માનવીય બનાવે છે.

આ જવાબદારી કોઈ એક વ્યક્તિ કે સંસ્થાની નથી. ઉદ્યોગો, કામદારો, ઉદ્યોગ સંગઠનો, તાલીમ સંસ્થાઓ અને સરકારી તંત્ર સૌ પોતપોતાની ભૂમિકામાં ઉપયોગી બની શકે છે. મોટા ખર્ચની યોજનાઓ જ એકમાત્ર ઉપાય નથી. નવા સાધન અંગે સરળ સમજણ, કામના સ્થળે નિયમિત સંવાદ, સલામતીની નાની બાબતોમાં ચોકસાઈ અને અનુભવી શ્રમિકના અભિપ્રાયને માન આપવું પણ સારો આરંભ બની શકે.
કોઈ માણસના કામનું મૂલ્ય માત્ર તે એક કલાકમાં કેટલું ઉત્પાદન કરે છે તેના પરથી નક્કી થવું ન જોઈએ. શ્રમિક સાથે સન્માનથી વાત કરવી, તેની મુશ્કેલી સાંભળવી અને બદલાતી પરિસ્થિતિમાં તેને શક્ય તેટલી સ્પષ્ટતા આપવી આ બધું વેપારની કાર્યક્ષમતાની વિરુદ્ધ નથી. ઊલટું પરસ્પર વિશ્વાસ ટકી રહે ત્યારે નવી પદ્ધતિ સ્વીકારવી સહેલી બને છે. ટેક્નોલોજી કાર્યક્ષમતા આપી શકે છે; સંવેદનશીલતા તેને માનવીય દિશા આપે છે.
સુરત મહેનત, સાહસ અને વ્યવસાયિક સમજથી આગળ આવ્યું છે. હવે નવી ટેક્નોલોજીના યુગમાં તેની ઓળખ વધુ એક બાબતથી મજબૂત બની શકે છે... શ્રમિકના ગૌરવને સાચવીને પ્રગતિ કરવાની સમજથી. કાપડની રંગત, હીરાની ચમક અને ઇમારતોની ઊંચાઈ પાછળ જે હાથ છે તે હાથોને બદલાતા સમય સાથે આગળ વધવાની તક આપવી જોઈએ. કારણ કે સાચો વિકાસ માત્ર એ નથી કે શહેરમાં કેટલા પુલ બન્યા, મેટ્રો રેલ આવી... વિકાસ એ પણ છે કે તેને અહીં લાવનારો શ્રમિક માણસ જીવનમાં કેટલો આગળ વધ્યો.
માનવીય અભિગમ સાથે થોડું વિચારજો.

