- Gujarat
- સામી દિવાળીએ સુરતના ટેક્સટાઇલ સેક્ટરના વેપારીઓ અઠવાડિયામાં 2 દિવસ રજા રાખવા મજબૂર, જાણો શું છે આખો મ...
સામી દિવાળીએ સુરતના ટેક્સટાઇલ સેક્ટરના વેપારીઓ અઠવાડિયામાં 2 દિવસ રજા રાખવા મજબૂર, જાણો શું છે આખો મામલો
આગામી મહિને દિવાસી છે, ત્યારે દેશના સુરતનો વીવિંગ ઉદ્યોગ અભૂતપૂર્વ આર્થિક ભીંસમાં મુકાઈ ગયો છે. દિવાળી પહેલાં સુરતના કાપડ બજારોમાં અગાઉ જેવો ધમધમાટ જોવા મળતો નથી. કાચા માલ તરીકે વપરાતા યાર્નના ભાવમાં સતત થઈ રહ્યો છે, જેને કારણે ઉત્પાદન ખર્ચ આસમાને પહોંચી ગયો છે. તેની સામે માર્કેટમાં તૈયાર ગ્રે કાપડના યોગ્ય ભાવો મળતા નથી અને ખરીદી પણ નહિવત થઈ ગઈ છે. એવામાં સુરતના વીવર્સ એકમોએ હવે સ્વયંભૂ અઠવાડિયામાં 2 દિવસ ઉત્પાદન સંપૂર્ણ બંધ રાખીને રજા રાખવાનો નિર્ણય લીધો છે.
વિવર એસોસિએશન અગ્રણી મહેન્દ્ર રામોલિયાએ કહ્યું કે, ‘અમે અમારા એસોસિએશન દ્વારા નક્કી કર્યું છે હાલમાં સુરતની વીવિંગ ઇન્ડસ્ટ્રીઝની હાલત એકદમ ખરાબ હોવાને કારણે અઠવાડિયામાં 2 રજા રાખવાનું વીવર્સો દ્વારા જાહેર કરાયું છે. જેનું મુખ્ય કારણ છે કે યાર્નના ઊંચા ભાવ અને ગ્રેની ખરીદી ન હોવાનું. જેને કારણે સામી દિવાળીએ યાર્નનું પેમેન્ટ 15 દિવસે આપવાનું હોય છે અને સામી દિવાળીએ કોઈ ખરીદી ન હોવાને કારણે હાલ વીવિંગ ઇન્ડસ્ટ્રીઝ 2-2 દિવસ જે વીકમાં રજા રાખશે. જો અત્યારે સતત ઉત્પાદન ચાલુ રાખીએ તો ખોટનો આંકડો ખૂબ મોટો થઈ જાય તેમ છે, આથી આ નિર્ણય લેવાયો છે.
દિવ્યભાસ્કરના અહેવાલ મુજબ, વીવિંગ ઉદ્યોગ હાલમાં બેવડા મારનો સામનો કરી રહ્યો છે. એક તરફ યાર્ન ઉત્પાદકો દ્વારા સતત ભાવ વધારવામાં આવી રહ્યા છે, તો બીજી તરફ પ્રોસેસર્સ અને વેપારીઓ ગ્રે કાપડની પડતર સામે યોગ્ય ભાવ આપવા કે નવી ખરીદી કરવા તૈયાર નથી. તૈયાર કાપડ વેચાતું નથી, જેને કારણે કારખાનેદારોની કાર્યકારી મૂડી ફસાઈ જવાની ભીતિ સર્જાઈ છે. આ કપરી પરિસ્થિતિમાં વધુ નુકસાન ન થાય તે માટે મોટાભાગના વીવિંગ એકમોએ નવા યાર્નની ખરીદી કરવાનું તાત્કાલિક ધોરણે ટાળી દીધું છે.
વીવર્સ માટે સૌથી મોટી મુશ્કેલી પેમેન્ટ સિસ્ટમને કારણે ઊભી થઈ છે. નિયમ મુજબ યાર્ન ખરીદ્યા પછી માત્ર 15 દિવસમાં રોકડેથી પેમેન્ટ ચૂકવવું ફરજિયાત બને છે, જ્યારે સામે તૈયાર ગ્રે કાપડ વેચાયા પછી તેના નાણાં મહિનાઓ સુધી છૂટા થતા નથી. સામી દિવાળીએ કારીગરોનો પગાર, વાર્ષિક બોનસ અને અન્ય આર્થિક જોગવાઈઓ કરવાની જવાબદારી કારખાનેદારોના માથે હોય છે. આવા સમયે જો ઉત્પાદન સતત ચાલુ રખાય તો રોકડની તીવ્ર અછત ઊભી થાય તેમ હોવાથી વીવર્સો પાસે ઉત્પાદન ઘટાડવા સિવાય અન્ય કોઈ વિકલ્પ બચ્યો નથી.
અઠવાડિયામાં 2 દિવસ મશીનો બંધ રાખવા પાછળનું મુખ્ય ગણિત ખર્ચ નિયંત્રણ છે. 2 દિવસ કારખાના બંધ રહેવાથી વીજળીના વપરાશમાં ખૂબ ઘટાજો થશે, જેનાથી લાખો રૂપિયાના તોતિંગ લાઈટબિલનો બોજ ઓછો થશે. આ સાથે કામના દિવસો ઘટવાથી દૈનિક ઉત્પાદન ખર્ચ અને મજૂરી ખર્ચ નિયંત્રણમાં રહેશે. નાણાકીય સંતુલન જાળવવા અને નુકસાનની માત્રા ઘટાડવા માટે સુરતના વીવર્સોએ નાછૂટકે આ કડવો ઘૂંટડો પીવો પડ્યો છે, જેની અસર આગામી દિવસોમાં સમગ્ર ટેક્સટાઇલ વેલ્યૂ ચેઇન પર જોવા મળી શકે છે.

