- Gujarat
- વીમા કંપનીએ અનુમાનના આધારે નામંજૂર કરેલો 19.75 લાખનો ક્લેઇમ ગ્રાહક કમિશને મંજૂર કર્યો
વીમા કંપનીએ અનુમાનના આધારે નામંજૂર કરેલો 19.75 લાખનો ક્લેઇમ ગ્રાહક કમિશને મંજૂર કર્યો
સુરત : અકસ્માત સમયે ટ્રકનો લાઇસન્સધારી ડ્રાઇવર ગભરાઈને પોતાનો જીવ બચાવવા ટ્રકમાંથી કૂદી પડ્યો હતો અને ક્લીનર ટ્રકની કેબિનમાં ફસાઈ ગયો હતો. અને તેને ઇજાઓ થઈ હતી માત્ર એટલી હકીકતના આધારે ક્લીનર જ ટ્રક ચલાવતો હતો જેની પાસે ડ્રાઇવિંગ લાઇસન્સ ન હતું તેવું અનુમાન કરીને વીમા કંપનીએ ₹19.75 લાખનો મોટો ક્લેમ નામંજૂર કર્યો હતો. સુરત જિલ્લા ગ્રાહક તકરાર નિવારણ કમિશન (મુખ્ય)એ વીમા કંપનીનો આ બચાવ સ્વીકાર્યો નહીં અને સિનિયર સિટીઝન ફરિયાદીને ₹19,75,000 વ્યાજ સાથે ચૂકવવાનો મહત્ત્વપૂર્ણ હુકમ કર્યો છે.
ફરિયાદીએ ગ્રાહક કમિશન સમક્ષ દાખલ કરેલ ફરિયાદની વિગત એવી હતી કે ફરિયાદીએ વીમો વીમા કંપની ICICI Lombard પાસે લીધો હતો અને વાહનની IDV ₹19,75,000 હતી. વીમા પોલિસી 19-09-2017થી 18-09-2018 સુધી અમલમાં હતી.

તા. 23-06-2018ના રોજ રાત્રે આશરે 9:30 વાગ્યે ફરિયાદીનો ડ્રાઇવર ટ્રક લઈને બોડેલીથી સુરત આવી રહ્યો હતો. કોસંબા નજીક નેશનલ હાઇવે પર બસે ઓવરટેક કરતી વખતે સર્જાયેલી પરિસ્થિતિમાં અકસ્માત થવાનો ભય લાગતાં ટ્રકનો ડ્રાઇવર ગભરાઈ ગયો હતો અને પોતાનો જીવ બચાવવા ચાલુ ટ્રકમાંથી કૂદી પડ્યો હતો. ત્યારબાદ ટ્રક રોડની સાઇડમાં ખાડામાં ઉતરી જતાં આગળના કેબિનના ભાગને ગંભીર નુકસાન થયું હતું, જ્યારે ડ્રાઇવરની બાજુમાં બેઠેલો ક્લીનર ટ્રકમાં ફસાઈ ગયો હતો.
અકસ્માતની જાણ પોલીસ તથા વીમા કંપનીને કરવામાં આવી હતી. ટ્રકને કંપનીના ઓથોરાઇઝ્ડ ડીલર પાસે રિપેરિંગ માટે લઈ જવાતાં આશરે ₹21,65,858નું એસ્ટિમેટ આપવામાં આવ્યું હતું. ટ્રકની IDV ₹19.75 લાખ હોવાથી ફરિયાદીએ ટોટલ લોસના ધોરણે ક્લેઇમ માગ્યો હતો. પરંતુ વીમા કંપનીએ 25-08-2018ના પત્રથી “Misrepresentation of Facts”નું કારણ દર્શાવી ક્લેમ નામંજૂર કર્યો હતો.
વીમા કંપનીનો મુખ્ય બચાવ એવો હતો કે અકસ્માત સમયે ટ્રક ક્લીનર ચલાવતો હતો અને તેની પાસે માન્ય ડ્રાઇવિંગ લાઇસન્સ ન હતું. બીજી તરફ ફરિયાદી તરફે એડવોકેટ શ્રેયસ દેસાઈ, પ્રાચી અર્પિત દેસાઈ અને ઈશાન શ્રેયસ દેસાઈએ દલીલો કરતાં જણાવ્યું હતું કે અકસ્માત સમયે ટ્રક લાઇસન્સધારી ડ્રાઇવર જ ચલાવતા હતા. અકસ્માત થવાનો ભય લાગતાં તેઓ ટ્રકમાંથી કૂદી પડ્યા હતા અને ક્લીનર કેબિનમાં ફસાઈ ગયો હતો. અકસ્માત બાદ ટ્રકમાંથી માત્ર ક્લીનર મળ્યો હોવાના કારણે તે જ ટ્રક ચલાવતો હતો તેવું અનુમાન કરી શકાય નહીં. ફરિયાદીએ ડ્રાઇવર અંગે કોઈ ખોટી રજૂઆત કે હકીકત છુપાવી ન હતી. ફરિયાદમાં પણ સ્પષ્ટપણે એવો જ કેસ રજૂ કરવામાં આવ્યો હતો કે ડ્રાઇવર કૂદી પડ્યા બાદ ક્લીનર ટ્રકમાં ફસાઈ ગયો હતો.

કમિશને પુરાવા તથા રજૂ થયેલા ચુકાદાઓનો વિચાર કરીને વીમા કંપનીનો બચાવ માન્ય રાખ્યો નહીં. માત્ર ક્લીનર અકસ્માતગ્રસ્ત ટ્રકમાં મળી આવ્યો તે પરથી અકસ્માત સમયે તે જ વાહન ચલાવતો હતો તેવો સીધો નિષ્કર્ષ કાઢી શકાય નહીં તે બાબતને મહત્ત્વ આપવામાં આવ્યું.
સુરત જિલ્લા ગ્રાહક તકરાર નિવારણ કમિશન (મુખ્ય)ના પ્રમુખ પી. પી. મેખિયા તથા સભ્ય ડૉ. તીર્થેશ મહેતાએ ફરિયાદ અંશતઃ મંજૂર કરી ને ફરિયાદીને ₹19,75,000 તા. 01-11-2018થી વાર્ષિક 8 ટકા વ્યાજ સાથે ચૂકવવાનો હુકમ કર્યો છે. ઉપરાંત માનસિક ત્રાસ, હેરાનગતિ અને અગવડ બદલ ₹3,000 તથા ફરિયાદ ખર્ચના ₹2,500 ચૂકવવાનો પણ હુકમ કરવામાં આવ્યો છે.
આ ચુકાદાનો મહત્ત્વનો કાયદાકીય મુદ્દો એ છે કે વીમા ક્લેઇમ માત્ર શંકા કે અનુમાનના આધારે નામંજૂર કરી શકાય નહીં. વીમા કંપની જે હકીકતના આધારે પોલિસીની શરતનો ભંગ થયો હોવાનું કહેતી હોય, તે હકીકતને પુરાવાથી સ્થાપિત કરવી જરૂરી છે. અકસ્માત બાદ વાહનમાં કોણ મળી આવ્યું તેના પરથી જ અકસ્માત વખતે વાહન કોણ ચલાવતું હતું તેનો આપોઆપ નિષ્કર્ષ કાઢી શકાય નહીં.

