- Gujarat
- 'દૃશ્યમ 3' ફિલ્મ સુરતમાં યુવકે 2,000 કિમી પ્રવાસ કરી પિતાને પતાવી દીધા, પણ એક જ ફોન કોલે પોલ ખોલી દી...
'દૃશ્યમ 3' ફિલ્મ સુરતમાં યુવકે 2,000 કિમી પ્રવાસ કરી પિતાને પતાવી દીધા, પણ એક જ ફોન કોલે પોલ ખોલી દીધી
સુરતમાં તાજેતરમાં રીલિઝ થયેલી બોલિવૂડની ક્રાઇમ થ્રિલર ફિલ્મ 'દૃશ્યમ 3' જોયા બાદ એક યુવકે બિહારના સમસ્તીપુર સ્થિત પોતાના વતન પહોંચીને સુતેલા પિતાની કુહાડીના ઘા ઝીંકી દારૂણ હત્યા કરી નાખી. આરોપીએ પૂરાવા નાશ કરવા અને પોલીસથી બચવા માટે આશરે 2,000 કિલોમીટરનો પ્રવાસ કર્યો હતો અને સમગ્ર ઘટના દરમિયાન પોતાનો મોબાઈલ બંધ રાખ્યો હતો. તે પોતાનો ગુનો છુપાવી ચૂક્યો છે તેમ માનીને પરત સુરત આવી રહ્યો હતો, પરંતુ પોતાની પત્નીને કરેલા માત્ર એક ફોન કોલે આ ચતુરાઈપૂર્વક ઘડેલા ગુનાનો પર્દાફાશ કરી દીધો.
હત્યાની આ ઘટના સમસ્તીપુર જિલ્લાના દરવા ગામમાં 26 જુલાઈની મોડી રાત્રે બની હતી. પોલીસના જણાવ્યા અનુસાર, મૃતક 50 વર્ષીય રઘુવીર સાહની પોતાના ઘરની બહાર ઊંઘી રહ્યા હતા, ત્યારે તેમના 26 વર્ષીય પુત્ર શિવ શંકરે તેમના પર કુહાડી વડે સતત હુમલો કરી તેમની હત્યા કરી દીધી હતી અને ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો હતો.
પોલીસે જણાવ્યું કે શિવ શંકરના તેના પિતા સાથેના સંબંધો વણસેલા હતા. તે સુરતમાં રહીને કામ કરતો હતો અને હત્યાનું આયોજન કર્યા બાદ ત્યાંથી સમસ્તીપુર આવ્યો હતો. જમીન વિવાદને લઈને શિવ શંકર અને રઘુવીર વચ્ચે અગાઉ પણ ઘણી વખત ઝઘડા થયા હતા, જેને કારણે ઉશ્કેરાઈને તેણે પિતાની હત્યાનો પ્લાન બનાવ્યો હોવાની આશંકા છે.
હત્યા કર્યા બાદ મોબાઈલ ચાલુ કરીને પત્નીનો સંપર્ક કરતા જ પોલીસને મહત્ત્વનો સુરાગ મળી ગયો હતો, જેના આધારે પોલીસે જાળ બીછાવીને શિવ શંકરને સુરતથી ઝડપી લીધો હતો.
અજય દેવગન અભિનીત ફિલ્મ 'દૃશ્યમ' એ આ જ નામે બનેલી મલયાલમ ફિલ્મની રિમેક છે. ફિલ્મની વાર્તા વિજય સાળગાંવકર (અજય દેવગન) નામના પાત્રની આસપાસ ફરે છે, જે એક અકસ્માત/હત્યા બાદ પોતાની ફેમિલીને બચાવવા માટે ટાઈમલાઈનમાં ફેરફાર કરીને બનાવટી પુરાવા તૈયાર કરે છે. તે એવી રીતે વિગતો રજૂ કરે છે કે ગુનાના સમયે પરિવાર અન્ય કોઈ સ્થળે હતો તેવું સાબિત થાય.
પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે, શિવ શંકરે પિતાની હત્યાનું પ્લાનિંગ કરતી વખતે 'દૃશ્યમ 3' ફિલ્મમાંથી પ્રેરણા લીધી હતી. તેણે ખાસ કરીને ખોટી ટાઈમલાઈન ઊભી કરવા અને ડિજિટલ પુરાવા (મોબાઈલ ટ્રેકિંગ)થી બચવા માટે ફિલ્મની તકનીકો અપનાવી હતી.
પોલીસના જણાવ્યા મુજબ, શિવ શંકર અને તેના પિતા વચ્ચે સતત અણબનાવ રહેતો હતો, કારણ કે પિતા તેની અને તેની પત્ની સાથે ગાળાગાળી તથા ગેરવર્તણૂક કરતા હતા. આ ઉપરાંત, કૌટુંબિક જમીનના વેચાણને લઈને પણ પિતા-પુત્ર વચ્ચે વિવાદ ચાલી રહ્યો હતો.
શિવ શંકર પોતાની પત્ની સાથે રોજગાર અર્થે સુરત રહેતો હતો. પોલીસે જણાવ્યું કે તેણે સુરતના એક થિયેટરમાં 'દૃશ્યમ 3' ફિલ્મ જોઈ હતી અને ત્યારબાદ જ પોતાના વતન જઈને પિતાની હત્યા કરવાનો નિર્ણય લીધો હતો. પોતાની મુસાફરી શરૂ કરતા પહેલાં જ તેણે પોતાનો મોબાઈલ ફોન સ્વિચ ઓફ કરી દીધો હતો.
પૂછપરછ દરમિયાન પોલીસને જાણવા મળ્યું કે તે પહેલા પટના પહોંચ્યો અને ત્યાંથી હાજીપુર ગયો હતો. હાજીપુરથી ટ્રેન પકડીને તે સાંજે પટોરી સ્ટેશને ઉતર્યો હતો. ત્યાંથી ઓટોરિક્ષા કરીને અને ત્યારબાદ આશરે ચાર કિલોમીટર ચાલીને તે પોતાના ગામે પહોંચ્યો હતો. મોડી રાત્રે આશરે 12 વાગ્યાની આસપાસ તે ઘરના પાછલા દરવાજેથી અંદર પ્રવેશ્યો હતો.
પોલીસના જણાવ્યા અનુસાર, ઘરમાં રાખેલી કુહાડી ઉપાડીને તેણે ઘરના દરવાજા પાસે સુતેલા પિતા પર હુમલો કરી દીધો હતો. ગંભીર ઈજાઓના કારણે રઘુવીરનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. હત્યા કર્યા બાદ શિવ શંકર કુહાડી ત્યાં જ છોડીને પુનઃ પટોરી રેલવે સ્ટેશન તરફ ભાગી ગયો હતો.

પટોરીના ડીએસપી બી.કે. મેઘાવીના જણાવ્યા અનુસાર, પટોરી રેલવે સ્ટેશને પહોંચ્યા બાદ શિવ શંકરની યોજના નિષ્ફળ જવાની શરૂઆત થઈ હતી.આખી મુસાફરી દરમિયાન ફોન બંધ રાખ્યા બાદ, તેણે પટોરી સ્ટેશને પહોંચીને ફોન ચાલુ કર્યો અને પોતાની પત્નીને કોલ કર્યો. કોલ પૂરો થતાં જ તેણે ફરી ફોન સ્વિચ ઓફ કરી દીધો. પરંતુ આ થોડી સેકન્ડોની મોબાઈલ એક્ટિવિટીએ તપાસ અધિકારીઓને સૌથી મોટો અને મહત્ત્વનો સુરાગ આપી દીધો.
પિતાના અંતિમ સંસ્કારમાં શિવ શંકર ગેરહાજર રહ્યો હોવાથી પોલીસને પહેલેથી જ તેના પર શંકા ગઈ હતી. ટેકનિકલ સરવેલન્સમાં સામે આવ્યું કે હત્યાના દિવસે તેનો મોબાઈલ પટોરી સ્ટેશન આસપાસ એક્ટિવ હતો અને તેના લગભગ 36 કલાક પછી તે જ ફોન સુરતમાં લોકેટ થયો હતો. તપાસકર્તાઓએ તેના કોલ ડિટેલ્સ (CDR) તપાસતા પટોરીથી પત્ની સાથે થયેલી વાતચીતની પુષ્ટિ થઈ ગઈ હતી.
ત્યારબાદ બિહાર પોલીસે સુરત પોલીસનો સંપર્ક કરી શિવ શંકરનું લોકેશન ટ્રેસ કર્યું અને તેની ધરપકડ કરી લીધી. દરમિયાન, ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી (FSL)ની ટીમે ઘટનાસ્થળની તપાસ કરીને પુરાવા એકત્ર કર્યા હતા અને રઘુવીરના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો હતો. ફોરેન્સિક રિપોર્ટ સંકેત આપતો હતો કે આ હત્યા કોઈ ઓળખીતી વ્યક્તિએ જ કરી છે, જેનાથી પોલીસનો શંકાનો દાયરો સીમિત થઈ ગયો હતો.
પોલીસે વધુમાં જણાવ્યું કે પૂછપરછ દરમિયાન શિવ શંકરે કબૂલાત કરી હતી કે તેણે 'દૃશ્યમ' ફિલ્મ જોઈને જ આ આખી હત્યાનું પ્લાનિંગ કર્યું હતું. હાલ આરોપીને જેલ હવાલે કરી દેવામાં આવ્યો છે.

