- Gujarat
- ગુજરાત તરફ નવા વાવાઝોડાનો ખતરો: આજે રાજ્યના આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી
ગુજરાત તરફ નવા વાવાઝોડાનો ખતરો: આજે રાજ્યના આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી
ચોમાસાની વિદાય બાદ ફરી એકવાર વાદળો ગુજરાત તરફ વળ્યાં છે. બંગાળની ખાડી અને અરબી સમુદ્રમાં સર્જાયેલી નવી હવામાન સિસ્ટમના કારણે રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદની શક્યતા ઉભી થઈ છે. હવામાન વિભાગે આગામી બે દિવસ માટે દક્ષિણ, સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતમાં ભારે થી અતિભારે વરસાદની આગાહી કરી છે.

શનિવારે દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતના કેટલાંક વિસ્તારોમાં વરસાદ નોંધાયો હતો. હવામાન નિષ્ણાતોના જણાવ્યા મુજબ બંગાળની ખાડીના દક્ષિણ-પૂર્વ ભાગમાં બનેલું લો પ્રેશર એરિયા આજે, 26 ઑક્ટોબરે, ડિપ્રેશનમાં પરિવર્તિત થવાની સંભાવના છે. આ સિસ્ટમ પશ્ચિમ તરફ આગળ વધી રહી છે અને તેની અસર ગુજરાત સુધી પહોંચી શકે છે.
વરસાદ અને પવનની શક્યતા
ભારતીય હવામાન વિભાગ (IMD)એ પોતાના તાજેતરના બુલેટિનમાં જણાવ્યું છે કે અરબી સમુદ્રના પૂર્વ-મધ્ય ભાગમાં પણ એક ડિપ્રેશન સક્રિય છે. આ સિસ્ટમના કારણે કર્ણાટક, કોંકણ-ગોવા અને ગુજરાતના કેટલાંક ભાગોમાં 27 ઑક્ટોબર સુધી ભારે વરસાદ પડવાની શક્યતા છે. હાલ આ ડિપ્રેશનની આસપાસ પવનની ઝડપ લગભગ 65 કિમી પ્રતિ કલાક નોંધાઈ છે.
મહારાષ્ટ્ર અને ગુજરાતના દરિયાકાંઠે 55 કિમી પ્રતિ કલાકથી વધુ ઝડપે પવન ફૂંકાવાની શક્યતા હોવાથી માછીમારોને આગામી બે દિવસ સુધી દરિયો ન ખેડવાની ચેતવણી આપવામાં આવી છે. સમુદ્રમાં કરંટ અને ઉછાળા જોવા મળવાની સંભાવના છે.

ઓરેન્જ અને યલો એલર્ટ જાહેર
હવામાન વિભાગે આજે, 26 ઑક્ટોબરે બોટાદ, અમરેલી અને ભાવનગર જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે, જ્યારે વલસાડ, નવસારી, સુરત, ડાંગ, તાપી, ભરૂચ, નર્મદા, વડોદરા, છોટાઉદેપુર, આણંદ, ખેડા, પંચમહાલ, દાહોદ, મહીસાગર, અરવલ્લી, અમદાવાદ, સુરેન્દ્રનગર, રાજકોટ, જૂનાગઢ, ગીર સોમનાથ અને પોરબંદર માટે યલો એલર્ટ આપવામાં આવ્યું છે.
સોમવાર, 27 ઑક્ટોબરે પણ રાજ્યના મોટાભાગના દક્ષિણ અને મધ્ય વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતા યથાવત રહેશે. 28 ઑક્ટોબરથી વરસાદ ધીમે ધીમે ઘટવાની સંભાવના છે, જોકે દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં હજુ વરસાદ ચાલુ રહેવાની શક્યતા છે.
વાવાઝોડાનો સંભવિત માર્ગ
હવામાન નિષ્ણાત અથ્રેયા શેટ્ટીના અનુમાન મુજબ, હાલ બંગાળની ખાડીમાં સક્રિય સિસ્ટમ પશ્ચિમ-ઉત્તર પશ્ચિમ દિશામાં આગળ વધી રહી છે. આગામી 36 કલાકમાં તે દિશા બદલીને ગુજરાત અને મહારાષ્ટ્ર તરફ વળવાની શક્યતા છે.
અથ્રેયા શેટ્ટી મુજબ, 28 ઑક્ટોબરે આ સિસ્ટમ વધુ મજબૂત બની ડીપ ડિપ્રેશનનું સ્વરૂપ ધારણ કરી શકે છે, જે 29 થી 30 ઑક્ટોબર વચ્ચે દક્ષિણ ગુજરાત અને ઉત્તર કોંકણના દરિયાકાંઠા વિસ્તારમાં પહોંચે તેવી શક્યતા છે.
રાજ્યના ખેડૂતો અને માછીમારો માટે આ સમય ચિંતાજનક બની રહ્યો છે, કારણ કે અચાનક આવેલા આ વરસાદ અને પવનથી પાક તથા સમુદ્રી પ્રવૃત્તિઓ પર અસર થઈ શકે છે. હવામાન વિભાગે સાવચેતી રાખવાની અને તંત્ર દ્વારા આપવામાં આવતી સૂચનાઓનું પાલન કરવાની અપીલ કરી છે.

