- Gujarat
- માતા-પિતા માટે ચેતવણીરૂપ કિસ્સો, ગુસ્સામાં કંઈ કહેતા પહેલા વિચારજો
માતા-પિતા માટે ચેતવણીરૂપ કિસ્સો, ગુસ્સામાં કંઈ કહેતા પહેલા વિચારજો
સુરતના અલથાણથી વાલીઓ અને સગીર વયના બાળકો માટે એક ચેતવણીરૂપ મામલો સામે આવ્યો છે. માતાની વાતથી માઠું લાગી આવતા એક 17 વર્ષીય કિશોરીએ આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો, જોકે ફાયર વિભાગના જવાનોએ સમયસૂચકતા વાપરીને તેનો જીવ બચાવી લીધો હતો.
પ્રાથમિક માહિતી મુજબ, કિશોરીને તેની માતા સાથે ફોન પર કોઈ બાબતે ઝઘડો થયો હતો. વાતચીત દરમિયાન આવેશમાં આવીને માતાએ તેને ઠપકો આપતા કહ્યું હતું કે, ‘તું મરી જા તો સારું.’ પોતાની માતાના આવા કઠોર શબ્દો સાંભળીને લાગણીશીલ થયેલી દીકરીએ આવેશમાં આવીને જીવન ટૂંકાવવાનો નિર્ણય લીધો હતો અને તે સીધી હાઈરાઈઝ બિલ્ડિંગના 15મા માળે આત્મહત્યા કરવા માટે પહોંચી ગઈ હતી. લગભગ એક કલાક સુધીની ભારે જહેમત બાદ ફાયર બ્રિગેડની સતર્કતા અને સ્થાનિકોની સમજાવટથી કિશોરીનો જીવ બચાવી લેવામાં આવ્યો હતો.
આ ઘટના અલથાણ વિસ્તારમાં આવેલા 'સ્વિમ પેલેસ' એપાર્ટમેન્ટની છે અને આત્મહત્યાનો પ્રયાસ કરનાર સગીરા મૂળ અયોધ્યાની અને અહીં એક ડૉક્ટરના ઘરે ઘરકામ કરતી હતી. તે પાળી પર ચઢી ગઈ હતી અને સતત રડીને બૂમો પાડી રહી હતી કે, હું કૂદી જઈશ, હું હમણાં જ કૂદી જઈશ. આ દૃશ્ય જોઈને નીચે ઉભા રહેલા લોકોના જીવ અધ્ધર થઇ ગયા હતા.
જ્યારે કિશોરી મોતની છલાંગ લગાવવાની તૈયારીમાં હતી, ત્યારે બિલ્ડિંગમાં રહેતા લોકો અને વડીલોએ તેને નીચે ઉતારવા માટે ખૂબ સમજાવી હતી. એક વૃદ્ધ દાદાએ તેને પ્રેમથી સમજાવતા કહ્યું હતું, ‘બેટા, તું તો રોજ આરતી કરે છે, તું મારી ડાહી દીકરી છે, મારા પર ભરોસો રાખ અને નીચે આવી જા.’ તેના મકાન માલિકે પણ ભાવુક થઈને કહ્યું હતું કે, ‘જો તું નીચે આવી જઈશ તો તારા લગ્નની તમામ જવાબદારી અમારી, અમે તારા ધામધૂમથી લગ્ન કરાવીશું, પણ આવું પગલું ન ભર.’
ઘટનાની જાણ થતા જ વેસુ ફાયર સ્ટેશનના ઓફિસર કીર્તિ મોડ અને તેમની ટીમ હાઈડ્રોલિક પ્લેટફોર્મ, સેફ્ટી નેટ અને જમ્પિંગ કુશન સાથે તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. આસપાસની કન્સ્ટ્રક્શન સાઈટ પરથી પણ મજૂરો જાળી લઈને દોડી આવ્યા હતા. કિશોરી સતત ચેતવણી આપતી હતી કે કોઈ તેની નજીક આવશે તો તે કૂદી જશે. આ નાજુક સ્થિતિમાં ફાયર ઓફિસરે સમયસૂચકતા વાપરીને તેને વાતોમાં ઉલઝાવી રાખી હતી. તેનું ધ્યાન ભટકાવતાની સાથે જ પાછળથી હાઈડ્રોલિક લિફ્ટના ઓપરેટરે તરાપ મારીને કિશોરીને સુરક્ષિત રીતે પકડી લીધી હતી. એક કલાકની જહેમત બાદ કિશોરીને હેમખેમ નીચે ઉતારવામાં આવી હતી. ત્યારબાદ પોલીસે કિશોરી અને તેના માતા-પિતાનું કાઉન્સેલિંગ શરૂ કર્યું હતું જેથી ભવિષ્યમાં આવી ઘટનાનું પુનરાવર્તન ન થાય.

