સુરતના નક્ષત્ર સેફ હાઉસમાંથી પિતા-પુત્રની ત્રિપુટીએ 206 તોલા સોનાની ઉઠામણી કરી, લૉકર ધારકો દોડતા થઈ ગયા

સુરતના સિંગણપોર વિસ્તારમાં આવેલા નક્ષત્ર સેફ લોકરમાંથી કરોડો રૂપિયાના સોનાનું ઉઠામણું થયાનું સામે આવ્યું છે. આ મામલે સિંગણપોર પોલીસે લોકરના સંચાલક પિતા અને બે પુત્રની ધરપકડ કરી છે. આ મામલામાં રમેશ દિયોરા, હરિકૃષ્ણ દિયોરા અને હર્ષ દિયોરાની પોલીસે ધરપકડ કરી છે. આમાં મોટો ખુલાસો થયો છે કે, નક્ષત્ર સેફ હાઉસના માલિકોએ જ ડુપ્લિકેટ ચાવી બનાવી તેની મદદથી ગ્રાહકોના લોકરમાંથી 2.67 કરોડના સોનાના દાગીના ચોરી લઈ કૌભાંડ કર્યાની ફરિયાદ થઈ છે. આ કેસમાં અન્ય કોઈની સંડોવણી થઈ છે કે નહીં તે દિશામાં તપાસ કરવામાં આવી રહી છે. ઉલ્લેખનીય છે કે નક્ષત્ર સેફ હાઉસની સુરતમાં 3 બ્રાન્ચ છે, જેમાં 2500થી વધુ લોકર ઉપલબ્ધ છે.

દિવ્યભાસ્કરના અહેવાલ મુજબ, આ સમગ્ર ચર્ચિત પ્રકરણમાં નક્ષત્ર સેફ હાઉસના સંચાલક મહેશ દિયોરા અને તેના બંને પુત્રો હર્ષ દિયોરા અને હરીકૃષ્ણ દિયોરા તેમજ લોકર બ્રેકર મણીલાલ સામે ચોરીની ફરિયાદ નોંધવામાં આવી છે. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે, આ ચોરી કોઈ અચાનક બનેલી ઘટના નથી, પરંતુ સંચાલક પિતા-પુત્રોએ નિષ્ણાત લોકર બ્રેકર સાથે મળીને ગ્રાહકોનું કરોડો રૂપિયાનું સોનું પચાવી પાડવા માટે પૂર્વઆયોજિત કાવતરૂં ઘડ્યું છે. આ ચારેય જણાએ એકબીજાની મદદગારીથી યોજના બનાવીને ગ્રાહકોની ગેરહાજરીમાં અને તેમની જાણ બહાર અલગ અલગ સમયે લોકરો તોડાવ્યા હતા. લોકરમાંથી કિંમતી સોનાના દાગીના કાઢીને તેને બજારમાં વેચી મારી રકમ પડાવી લેવાનો આખો પ્લાન ઘડ્યો હતો.

safe-house6
gujarati.news18.com

સિંગણપોર બ્રાન્ચમાં પૂર્વઆયોજિત કાવતરા હેઠળ ગ્રાહકોના સોના-ચાંદીના દાગીના ગાયબ થયા હોવાના વાયરલ સમાચાર સોશિયલ મીડિયા અને ન્યૂઝમાં ફેલાતા જ નક્ષત્ર સેફની અન્ય શાખાઓમાં ખાતા ધરાવતા ગ્રાહકોના જીવ તાળવે ચોંટી ગયા હતા. વરાછા સ્થિત નક્ષત્ર સેફની શાખાઓ પર પણ ગ્રાહકો પોતાના લોકરની તપાસ કરવા માટે ધસી આવ્યા હતા. લોકો પોતપોતાની ચાવીઓ લઈને લોકર ખોલવા મથી રહ્યા હતા.

ઘણા ગ્રાહકોના લોકર ખોલવામાં ટેકનિકલ અડચણો આવતા અને સંચાલકો તરફથી યોગ્ય જવાબ ન મળતા સ્થિતિ વધુ વણસી હતી. વરાછા સેન્ટર પર પણ ભારે હોબાળો અને અફરાતફરી મચી જતા આખરે સ્થાનિક પોલીસને કાયદો-વ્યવસ્થા જાળવવા માટે બંદોબસ્ત ગોઠવવો પડ્યો હતો. જેટલા લોકર ધારકોના લોકર ખૂલ્યા તેઓ પોતાની રોકડ રકમ દાગીના સહિતનો સામાન લઈને નીકળી ગયા હતા.

પોલીસ દફતરે નોંધાયેલી ફરિયાદીની વિગત અનુસાર, ફરિયાદી રમેશભાઈ જીવરાજભાઈ વાઘાણી (રહે. સુંદરમ પાર્ક, ડભોલી રોડ, સુરત)એ વર્ષ 2020માં પોતાની પત્ની હિરેનબેનના નામે સિંગણપોર કોઝવે રોડ પર આવેલા નક્ષત્ર સેફ વોલ્ટમાં B/202 નંબરનું લોકર લીધું હતું. માસિક ₹1,700 ભાડું ચૂકવતા હતા. ગત તા. 8 મે, 2026ના રોજ ફરિયાદીના સાળા વિનોદભાઈ અને ભરતભાઈ લોકર પર ગયા ત્યારે તેમના તમામ સોનાના દાગીના સુરક્ષિત હતા. પરંતુ, બે મહિના બાદ પ્રસંગ હોવાથી જ્યારે તેઓ દાગીના કાઢવા ગયા ત્યારે લોકરમાં માત્ર એક મંગળસૂત્ર, બે કડલી અને ત્રણ વીંટી જ બચ્યા હતા, જ્યારે બાકીના 63 તોલાના દાગીના ગાયબ હતા!

દાગીના ગાયબ હોવાની જાણ થતા જ ફરિયાદી રમેશ વાઘાણી, તેમના પત્ની અને પરિવારજનો 14 જુલાઈ, 2026ના રોજ નક્ષત્ર સેફ વોલ્ટ ખાતે પહોંચ્યા હતા અને CCTV ફૂટેજ ચકાસવાની માંગ કરી હતી. બપોરથી સાંજ સુધી CCTV તપાસવાની પ્રક્રિયા ચાલી રહી હતી. તે દરમિયાન સેફના કાઉન્ટર પર બેસતા પૂર્વઆયોજિત કાવતરાના મુખ્ય સૂત્રધારોમાંથી એક આરોપી હર્ષ દિયોરા એકાએક ઉશ્કેરાઈ ગયા હતા. તેણે ફરિયાદીને એવું કહીને ધમકાવ્યા કે, બધું ગરમ થઈ ગયું છે, મારે કેટલું જોખમ હોય, બધું ઉડી જશે! આટલું કહી તેણે CCTV બતાવવાના બંધ કરી દીધા હતા અને હાર્ડ ડિસ્કમાંથી ડેટા ડીલિટ થઈ ગયો હોવાના ઉડાઉ જવાબો આપ્યા હતા. આથી ફરિયાદીને શંકા જતા તેમણે તાત્કાલિક સિંગણપોર-ડભોલી પોલીસ સ્ટેશનમાં અરજી આપી હતી.

safe-house4
divyabhaskar.co.in

સિંગણપોર-ડભોલી પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઇન્સપેક્ટર ડી.બી. કામળીયા દ્વારા ફરિયાદ નોંધીને આગળની તપાસ પોલીસ ઇન્સ્પેક્ટર પી.એમ. ચૌધરીને સોંપવામાં આવી છે. પોલીસે આરોપીઓ સામે ભારતીય ન્યાય સંહિતા (BNS) 2023ની કલમ 316 (2) (ગુનાહિત વિશ્વાસઘાત), 316 (5) અને પૂર્વઆયોજિત કાવતરા અંગેની કલમ 61 (2) હેઠળ કેસ દાખલ કર્યો છે. આ સાથે જ સિંગણપોર પોલીસે પિતા મહેશ દિયોરા અને તેના બંને પુત્રો હર્ષ દિયોરા અને હરીકૃષ્ણા દિયોરાની ધરપકડ કરી છે.

સિંગણપોર પોલીસ ઇન્સ્પેક્ટર પી. એમ. ચૌધરીના જણાવ્યા પ્રમાણે સોમવારે સિંગણપોર ચાર રસ્તા સ્થિત કૃષ્ણજીવન સોસાયટીમાં બીજા માળે આવેલી નક્ષત્ર સેફ હાઉસમાં ભારે ભીડ હતી. આ ભીડ સેફહાઉસમાં લોકર ધરાવતી વ્યક્તિઓની હતી. અનેકના લોકરમાંથી દાગીના ચોરી થયાની વાત સામે આવી હતી. 6 વ્યક્તિઓ એવી હતી કે, જેમના લોકરમાંથી દાગીનાની ચોરી થઈ હતી. આ ભોગ બનેલી વ્યક્તિઓમાંથી બિલ્ડર રમેશ જીવરાજ વાઘાણીએ સિંગણપોર પોલીસ મથકમાં આ અંગેની ફરિયાદ નોંધાવી હતી.

નોંધાવેલી ફરિયાદમાં જણાવાયું હતુ કે, ગત 11મી જુલાઇએ તેઓ લોકર ખોલવા ગયા ત્યારે તેમના લોકરમાંથી 63 તોલા સોનું ચોરી થયું હોવાની જાણ થઈ હતી. આમની સાથે અન્ય લોકોના લોકરમાંથી પણ ચોરી થયાની વાત સામે આવી હતી. અન્ય પાંચ એકાઉન્ટ ધારકોમાં રાજેશ પીપલીયાનાં 49 તોલા, રમેશ સવજી વાઘાણીનાં 03, જીતેન્દ્ર બાબુ બલરના 13, ઉત્સવ અમરશી સોનાણીના 16 તોલા અને ચિરાગ વલ્લભ ગોટીના લોકરમાંથી 62 તોલા દાગીના મળી કુલ આશરે 2.67 કરોડની કિંમતનું 206 તોલા જેટલું સોનું ચોરી થયાની ફરિયાદ નોંધાઈ છે.

safe-house3
divyabhaskar.co.in

સામાન્ય રીતે લોકરની ચાવી ગ્રાહકો પાસે જ રહેતી હોય છે. તો પિતા-પુત્રોની ત્રિપુટીએ આ સોનું કઈ રીતે ચોર્યું હતું? તે અંગેનો ખુલાસામાં જાણવા મળ્યું હતુ કે, આ આરોપીઓએ મણીલાલ નામના ચાવીવાળાની મદદથી લોકરનું તાળું ખોલ્યું હતુ. જે બાદ લોકરમાંથી દાગીના ચોરી લેવામાં આવ્યા હતા. પોલીસે લોકર સંચાલક મહેશ ડાહ્યા દિયોરા અને તેના બે પુત્રો હરિકૃષ્ણ અને હર્ષની અટકાયત કરી લીધી હતી. જ્યારે મણીલાલ નામના ચાવીવાળાને પકડવા પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.

પોલીસે સેફ વોલ્ટમાંથી DCR, ડિજિટલ રજિસ્ટર અને લોકર બ્રેક કરવા માટે ઉપયોગમાં લેવાયેલા સાધનો કબજે કરવાની તજવીજ હાથ ધરી છે. આ ઉપરાંત વરાછા બ્રાન્ચમાં પણ પૂર્વઆયોજિત કાવતરાના ભાગરૂપે આ રીતે લોકર તોડીને ચોરી કરવામાં આવી છે કે કેમ તે અંગે પણ પોલીસની વિશેષ ટીમો ઊંડાણપૂર્વકની તપાસ ચલાવી રહી છે.

સુરતમાં સિંગણપોરથી લઈને સરથાણા સુધીના વિસ્તારમાં અનેક સેફ હાઉસ આવેલા છે. બેંકમાં જે પ્રકારે લોકર હોય છે તે પ્રકારે પ્રાઇવેટ સેફ હાઉસ હોય છે. જેમાં નાના લોકરોથી લઈને મોટા લોકરો હોય છે. 1200થી 1300 રૂપિયાના વર્ષ દિવસના ભાડાથી આ લોકરની શરૂઆત થાય છે. મોટા લોકરનું વર્ષનું ભાડું 20થી 30 હજાર સુધી પણ હોય છે. બેંકમાં લોકરની પ્રોસેસ લાંબી હોય છે અને તેમાંથી કોઈ વસ્તુ કાઢવાની હોય છે ત્યારે પણ થોડો સમય વધુ લાગે છે, જ્યારે ખાનગી લોકરમાં પ્રોસેસ થોડી સરળ હોય છે.

About The Author

Related Posts

Top News

શું ટીમ ઈન્ડિયાએ હર્ષિત રાણા માટે બનાવ્યા છે અલગ નિયમ? BCCI સામે ઉઠ્યા ગંભીર સવાલ

ઈંગ્લેન્ડના પ્રવાસ દરમિયાન હર્ષિત રાણા ઈજાગ્રસ્ત થયો હતો; ત્યારબાદ તેણે ફિટનેસ મેળવી લીધી છે અને તે અફઘાનિસ્તાન સામેની T20...
Sports 
શું ટીમ ઈન્ડિયાએ હર્ષિત રાણા માટે બનાવ્યા છે અલગ નિયમ? BCCI સામે ઉઠ્યા ગંભીર સવાલ

ઈન્ફોસિસના કો-ફાઉન્ડર અને આધાર કાર્ડ, UPI લાવવામાં મહત્ત્વનું યોગદાન આપનારા નંદન નીલેકણીનું નામ મતદાર યાદીમાંથી કપાવાનો ડર

શું ઇન્ફોસિસના સહ-સ્થાપક નંદન નીલેકણીનું નામ મતદાર યાદીમાંથી દૂર થઈ શકશે? આ પ્રશ્ન એટલા માટે ઉભો થાય છે કારણ...
National 
ઈન્ફોસિસના કો-ફાઉન્ડર અને આધાર કાર્ડ, UPI લાવવામાં મહત્ત્વનું યોગદાન આપનારા નંદન નીલેકણીનું નામ મતદાર યાદીમાંથી કપાવાનો ડર

મહિલાના પેટમાંથી ડૉક્ટરોએ 13 પેન, 5 ચમચી અને એક મીણબત્તી બહાર કાઢી; જાણો ડોક્ટરોએ આ અંગે શું કહ્યું?

એક મહિલાના પેટમાંથી 13 પેન, 5 લાકડાની ચમચી અને એક મીણબત્તી મળી આવી. આમાંથી એક પેન 25 સેન્ટિમીટર લાંબી...
National 
મહિલાના પેટમાંથી ડૉક્ટરોએ 13 પેન, 5 ચમચી અને એક મીણબત્તી બહાર કાઢી; જાણો ડોક્ટરોએ આ અંગે શું કહ્યું?

ઈન્ડિયન આર્મીમાં સેવા કરવા યુવકે એમેઝોનની 46 લાખના પગારવાળી નોકરી છોડી દીધી

આજના યુગમાં, જ્યારે યુવાનો લાખો અને કરોડોના પગાર પેકેજો અને કોર્પોરેટ જીવનશૈલીની પાછળ ભાગી રહ્યા છે, ત્યારે લખનૌના ...
Education 
ઈન્ડિયન આર્મીમાં સેવા કરવા યુવકે એમેઝોનની 46 લાખના પગારવાળી નોકરી છોડી દીધી
Copyright (c) Khabarchhe All Rights Reserved.