- Gujarat
- ભાજપના જ સાંસદ કહે છે કે ચૈતર વસાવાને ભાજપમાં લાવવા ભાજપના MLA તેમને સપોર્ટ કરીને લોલીપોપ આપે છે
ભાજપના જ સાંસદ કહે છે કે ચૈતર વસાવાને ભાજપમાં લાવવા ભાજપના MLA તેમને સપોર્ટ કરીને લોલીપોપ આપે છે
ભાજપના નેતા અને ભરૂચના સાંસદ મોટાભાગે તેમના નિવેદનોને કારણે ચર્ચામાં રહે છે. અને ક્યારેક ક્યારેક એવો ધડાકો કરતા હોય છે જેને કારણે તેમની પાર્ટી પર જ સવાલ ઉઠવા લાગે છે. ત્યારે હવે સાંસદ મનસુખ વસાવાએ ફરી એક વખત ધડાકો કર્યો છે, જેને કારણે ભાજપમાં જ વિખવાદ થયા જેવો માહોલ સર્જાઈ ગયો છે. ઉલ્લેખનીય છે કે સોમવારે આમ આદમી પાર્ટી (AAP)ના ધારાસભ્ય ચૈતર વસાવાએ જૂનારાજ ગામના 14 કિલોમીટર લાંબા રસ્તાના મામલે પદયાત્રા કરી હતી. ચૈતર વસાવાની પદયાત્રા બાબતે હવે ભાજપના 2 દિગ્ગજ નેતા, સાંસદ મનસુખ વસાવા અને નાંદોદના ધારાસભ્ય દર્શનાબેન દેશમુખ આમને-સામને આવી ગયા છે
સાંસદ મનસુખ વસાવાએ આ મામલે કહ્યું કે, નાટક કરે છે અને લોકોને ગેરમાર્ગે દોરી રહ્યા છે. દર્શનાબેન દેશમુખ ડેડિયાપાડા ધારાસભ્ય ચૈતર વસાવાને સપોર્ટ કરે છે અને અને તેમને ભાજપમાં આવવાની 'લોલીપોપ' આપી રહ્યા છે. ભાજપના જ નેતાઓ ચૈતરને સપોર્ટ કરી રહ્યા છે. પહેલા ભાજપના આગેવાનોએ ચૈતરને ભાજપમાં લાવવાના પ્રયત્નો કર્યા અને ધારાસભ્ય દર્શનાબેન દેશમુખ હવે ચૈતરને ભાજપમાં લાવવાના પ્રયત્નો કરી રહ્યા છે. જૂનારાજના રસ્તા બાબતે સાંસદે કહ્યું કે, દિવાળી બાદ રસ્તાનું કામ ચાલુ થવાનું જ છે. જે ચૈતર વસાવાને પણ ખબર છે.
ભાજપના તાલુકા પંચાયત કલ્પેશ વસાવાએ સાંસદને રજૂઆત કરી તે બાબતે સાંસદે કહ્યું કે, કલ્પેશ વસાવા પણ દર્શનાબેન દેશમુખનો જ માણસ છે. ચૈતર વસાવાને આટલા વર્ષોથી જૂનારાજ યાદ ન આવ્યું. વર્ષો બાદ મામાનું ઘર યાદ આવ્યું. આ રસ્તો ફોરેસ્ટ વિભાગના કાર્યક્રમ થકી સરકારમાંથી ગ્રાન્ટ મંજૂર કરાવી ત્યાં નાળાનું કામ ચાલુ થઈ ગયું હતું. પણ આદિવાસી સમાજના જ RTI એક્ટિવિસ્ટને કારણે કામ બંધ થયું છે. હાલ તો મંજૂરી મળી ગઈ છે અને દિવાળી બાદ કામ ચાલુ કરી દેવામાં આવશે.
તો જૂનારાજના રસ્તા માટે ચૈતર વસાવાએ પદયાત્રા અંગે નાંદોદના ધારાસભ્ય દર્શનાબેન દેશમુખે કહ્યું કે, આમ આદમી પાર્ટીના લોકો જ RTI કરે છે અને પછી પાછી ખેંચી લે છે. ધારાસભ્ય પદયાત્રા કરીને લોકોને ગેરમાર્ગે દોરી રહ્યા છે. મને પણ ખબર છે કે AAPના જિલ્લા પ્રમુખે સરકારી જમીન પચાવી પાડી છે, જેનો કેસ કોર્ટમાં ચાલે છે. મારું મોઢું ના ખોલાવશો. સાંસદ મનસુખ વસાવાના ચૈતર વસાવાને સમર્થનવાળા નિવેદન પર ધારાસભ્ય દર્શનાબેન દેશમુખે કહ્યું કે, એ બાબતે મારે કાઈ ખુલાસો આપવો નથી.
તો ચૈતર વસાવાએ સાંસદ મનસુખ વસવાના આરોપો પર પ્રતિક્રિયા આપી છે. સાંસદ મનસુખ વસાવાનાં આક્ષેપોને MLA ચૈતર વસાવાએ સંપૂર્ણ રીતે પાયાવિહોણા ગણાવ્યા છે. તેમણે કહ્યું કે, દર્શનાબેન દેશમુખ ભાજપના ધારાસભ્ય છે. દર્શનાબેને મને કોઈ મદદ કરી હોય એવું કઈ બન્યું જ નથી. સંકલનમાં અમે લોકોનાં પ્રશ્ન માટે વાત કરતા હોઈએ છીએ. ઘણીવાર મનસુખભાઇ પણ મારા પ્રશ્ન માટે સમર્થન કરે છે. જનતાના હિતના પ્રશ્નમાં અમે એક થઈ રજૂઆત કરીએ છીએ. ચૈતર વસાવાએ આગળ કહ્યું કે, પોલિટિકલ રીતે દર્શનાબેન મને સપોર્ટ કરે છે એ વાત સંપૂર્ણ રીતે પાયાવિહોણી છે. મનસુખભાઈ પાસે પુરાવા હોય તો તેમણે જગજાહેર કરવા જોઈએ.
નોંધનીય છે કે, આમ આદમી પાર્ટી ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાની આગેવાનીમાં પદયાત્રા ઐતિહાસિક પૌરાણિક, પર્યટક ગામ જૂનારાજ, ઉપલા જૂનારાજ, વેરિસાલ, પાંચખાડી, કમોંદિયા, દેવહાત્રા જેવા રોડ બનાવવાની માગ સાથે માટે પદયાત્રા જૂનારાજ ગામથી શરુ કરી આવી હતી. પ્રવાસન સ્થળ જૂનારાજ ગામને જોડતો રસ્તો લાંબા સમયથી બિસ્માર હાલતમાં છે. ચોમાસામાં આ રસ્તે દર્દી બીમાર પડે તો 108 પણ જઈ શકતી નથી. ચોમાસમાં ગામનો સંપર્ક તૂટી જાય છે. આ રસ્તો ઘણા વખતથી મંજૂર થયો છે. તેનું ખાતમુહૂર્ત સાંસદ મનસુખ વસાવા કર્યું હતું. છતા રસ્તાનું અધુરૂં કામ પૂરું થતું નથી.
ગયા વર્ષે એક એજન્સીએ રોડનું કામ શરૂ પણ કર્યું હતું. પરંતુ વિરોધ થતા કામ અટકાવી દેવામાં આવ્યું હતું. વન વિભાગની મંજૂરી સામે સવાલો ઉઠાવ્યા હતા અને RTI થયા બાદ કામ અટકી ગયું છે. આ કામગીરી ફરીથી શરૂ કરવામાં આવે તે માટે ચૈતર વસાવાએ આજે પદયાત્રા શરૂ કરી હતી. જૂનારાજ ગામ સાંસદ મનસુખ વસાવાનું ગામ છે અને ચૈતર વસાવાનું મોસાળ પણ છે. આમ આદમીના ધારાસભ્ય સાથે ભાજપના તાલુકા પંચાયત સભ્ય કલ્પેશ વસાવા પણ જોડાયા હતા. ચૈતર વસાવાએ તંત્રને ચીમકી આપી હતી કે, 15 દિવસમાં રસ્તાનું કામ શરૂ નહીં થાય તો આંદોલન કરીશું. 31 ઓક્ટોબરના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પણ રજૂઆત કરવાની વાત કહી હતી.

