- Gujarat
- BMW કારનો 22 લાખનો ક્લેઇમ શંકાના આધારે વીમા કંપનીએ રદ કર્યો, કોર્ટે 8 ટકા વ્યાજ સાથે અપાવ્યો
BMW કારનો 22 લાખનો ક્લેઇમ શંકાના આધારે વીમા કંપનીએ રદ કર્યો, કોર્ટે 8 ટકા વ્યાજ સાથે અપાવ્યો
સુરત જિલ્લા ગ્રાહક તકરાર નિવારણ કમિશન (મુખ્ય) દ્વારા વીમા કંપનીઓની મનસ્વી નીતિ અને સર્વેયરના આધારહીન રિપોર્ટ સામે ગ્રાહકોના હિતમાં એક અત્યંત મહત્ત્વપૂર્ણ અને માર્ગદર્શક ચુકાદો આપ્યો છે. માત્ર સર્વેયર કે ઈન્વેસ્ટિગેટરના શંકાસ્પદ અભિપ્રાય કે “અકસ્માત અને નુકસાન મેચ થતું નથી” તેવા ખોટા બહાના હેઠળ વીમા ક્લેઈમ રદ કરવો એ વીમા કંપનીની “સેવામાં ખામી” ગણાવીને કમિશને એક ઈન્સ્યોરન્સ કંપનીને પોલિસીધારકને વ્યાજ તથા વળતર સાથે રકમ ચૂકવવાનો આદેશ કર્યો છે.
કેસની વિગત મુજબ સુરતના વરાછા ખાતે રહેતા એક ફરિયાદીએ BMW કાર માટે રૂ. 22,65,000/- ની IDV (ઈન્સ્યોર્ડ ડિકલેર્ડ વેલ્યુ) ધરાવતી પ્રાઈવેટ કાર પેકેજ પોલિસી ખરીદી હતી. તારીખ 02/07/2020 ના રોજ ફરિયાદીના પુત્ર સુરતથી કામરેજ જઈ રહ્યા હતા ત્યારે વેલંજા ગામ નજીક આગળ જતી બસને ઓવરટેક કરતી વખતે ટ્રકે અચાનક બ્રેક મારતા કાર ટ્રકની પાછળ અથડાઈ હતી. આ અકસ્માતમાં કારને ગંભીર નુકસાન થયું હતું. કારના ઓથોરાઈઝ્ડ ડીલર ઈમિનેન્ટ કાર પ્રાઈવેટ લિમિટેડ દ્વારા રૂ. 27,41,386/- નું રિપેરિંગ એસ્ટિમેટ આપવામાં આવ્યું હતું, જે ગાડીની IDVની રકમ કરતા વધુ હોવાથી કેસ ‘ટોટલ લોસ’ (Total Loss) ગણાતો હતો. પરંતુ વીમા કંપનીએ પોતાના સર્વેયર અને ઈન્વેસ્ટિગેટરના રિપોર્ટનો હવાલો આપી એવું કારણ દર્શાવ્યું કે “ટ્રક સાથે અથડાવાથી આવું નુકસાન શક્ય નથી” કંપનીએ એવો અભિપ્રાય વ્યક્ત કર્યો કે અકસ્માત જે રીતે જણાવવામાં આવ્યો છે તે બાબતે શંકા છે અને અકસ્માતની વિગત નુકસાનની વિગત સાથે સુસંગત ન હોવાનું કહી ક્લેઈમ નામંજૂર કર્યો હતો. જેથી કાર માલિકે ગ્રાહક કમિશન સમક્ષ ફરિયાદ દાખલ કરાવી હતી.

આ કેસમાં ફરિયાદી તરફે એડવોકેટ શ્રેયસ દેસાઈ, એડવોકેટ પ્રાચી અર્પિત દેસાઈ અને એડવોકેટ કિસાન દેસાઈએ દલીલો કરતા જણાવ્યું હતું કે, વીમા કંપનીના સર્વેયર કે ઈન્વેસ્ટિગેટરે અકસ્માત સ્થળે અથડાયેલા ટ્રકની માપ-સાઈઝ, ઊંચાઈ કે પરિસ્થિતિ અંગેનો કોઈ ચોક્કસ પુરાવો મેળવ્યા વિના માત્ર પોતાની વ્યક્તિગત શંકાના આધારે નકારાત્મક અભિપ્રાય આપ્યો હતો. નુકસાનના આધારે અકસ્માત થયો છે કે નહીં તેનું અનુમાન થઈ શકે નહીં. ચોક્કસ રીતે નુકસાન થયેલું હોય તો અકસ્માત થયેલો ગણાય તે અંગેની કોઈ કાયદાકીય કે એક્સપર્ટ ગાઈડલાઈન્સ અસ્તિત્વમાં ન હોવા છતાં સર્વેયરના આધારહીન રિપોર્ટને સત્ય માની ક્લેઈમ ફ્ગાવવો ગેરકાયદેસર છે.

સુરત જિલ્લા ગ્રાહક કમિશન (મેઈન)ના પ્રમુખ પી. પી. મેખિયા અને સભ્ય તીર્થશ મહેતાએ ફરિયાદીની અરજી અંશત: મંજૂર કરતા વીમા કંપનીને ફરિયાદીને રૂ. 22,50,000/- અરજી કર્યા તારીખ (12/07/2021) થી 8% ના વ્યાજ સાથે સંયુક્ત અને વિભક્ત રીતે ચૂકવી આપવા આદેશ કર્યો છે. આ ઉપરાંત અકસ્માતગ્રસ્ત કારનો સાલવેજ (ભંગાર) વીમા કંપનીને સોંપવો અથવા તે રકમ બાદ આપવી, તેમજ ફરિયાદીને થયેલ માનસિક ત્રાસના રૂ. 3,000 તથા રૂ. 2,000 અરજી ખર્ચના ૩૦ દિવસની અંદર ચૂકવી આપવા કમિશને હુકમ કર્યો છે.

