- Gujarat
- ચૈતર વસાવાએ કહ્યું- ગુજરાત સરકારના કોઈપણ પ્રોજેક્ટ માટે આદિવાસી સમાજ એક ઇંચ જમીન નહીં આપે, 15 દિવસમા...
ચૈતર વસાવાએ કહ્યું- ગુજરાત સરકારના કોઈપણ પ્રોજેક્ટ માટે આદિવાસી સમાજ એક ઇંચ જમીન નહીં આપે, 15 દિવસમાં...
દાંતા તાલુકાના પાડલિયા ગામે જમીન વિવાદને લઈને સર્જાયેલી હિંસક ઘટના બાદ આદિવાસી સમાજમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. 13 ડિસેમ્બરના રોજ બનેલી આ ઘટનાની સત્યતા જાણવા અને પીડિતોને ન્યાય અપાવવા માટે આમ આદમી પાર્ટી (AAP)ના ડેડિયાપાડાના ધારાસભ્ય અને આદિવાસી નેતા ચૈતર વસાવા પાડલિયા ગામની મુલાકાતે પહોંચ્યા હતા. તેમની આ મુલાકાત દરમિયાન હજારોની સંખ્યામાં આદિવાસીઓ ઉમટી પડ્યા હતા, જેણે એક વિશાળ જનસભાનું સ્વરૂપ ધારણ કરી લીધું હતું.
ચૈતર વસાવાએ પીડિત વિધવા બહેન અને ગામના સરપંચને સાંત્વના આપતા કહ્યું હતું કે, ‘તેઓ એકલા નથી. આ લડતમાં રાજસ્થાન અને મધ્ય પ્રદેશના આદિવાસી ભાઈઓ પણ જોડાશે. જો જરૂર પડશે તો ન્યાય માટે માનવ અધિકાર આયોગ, અનુસૂચિત જનજાતિ આયોગ અને છેક UNO કોર્ટ સુધી જવા પણ તૈયાર છીએ.
https://twitter.com/Chaitar_Vasava/status/2001263019758653628?s=20
ચૈતર વસાવાએ ગંભીર આરોપ લગાવતા કહ્યું કે, બેડા અને પાડલિયા વિસ્તારની કિંમતી ખનીજ સંપત્તિ પર ઉદ્યોગપતિઓની નજર છે. નેતાઓ અને અધિકારીઓ પર દબાણ લાવીને આદિવાસીઓને તેમની જમીન પરથી ખસેડવાના પ્રયાસો થઈ રહ્યા છે. તેમણે સ્પષ્ટ શબ્દોમાં ચીમકી આપી હતી કે, છેલ્લા 78 વર્ષથી આદિવાસીઓએ દેશના વિકાસ માટે પોતાની જમીનો આપી છે, પરંતુ હવે ગુજરાત સરકારના કોઈપણ પ્રોજેક્ટ માટે આદિવાસી સમાજ એક ઇંચ પણ જમીન નહીં આપે.
ચૈતર વસાવાએ વન મંત્રી દ્વારા આદિવાસીઓને 'જંગલી' કહેવા બાબતે આકરો પ્રહાર કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, આદિવાસી સમાજ સભ્યતાવાળો અને મહેનત-મજૂરી કરનારો સમાજ છે. તંત્ર દ્વારા કરવામાં આવેલા દાવાઓ કે આદિવાસીઓએ હુમલો કર્યો તે પાયાવિહોણા છે. આજે હું અહીં આવ્યો છું ત્યારે એક પણ આદિવાસીના હાથમાં હથિયાર નથી, તો પછી તંત્ર શા માટે ખોટી અફવાઓ ફેલાવે છે?
ચૈતર વસાવાએ કહ્યું કે પાડલિયા વિસ્તાર સેન્ચ્યુરી એરિયા અને વાઈડ લાઇફ સેન્ચુરી વિસ્તારનો ભંગ થયો છે. વન અધિકાર નિયમનો પણ ભંગ કરીને પ્રશાસન ત્યાં ગયું અને હિંસા ભડકાવી. તમે ત્યાં પહોંચીને કાયદાકીય કાર્યવાહી કરો છો તો બંને પક્ષ તરફ કરો. વન મંત્રી, SP, કલેક્ટર પોલીસ, વન કર્મચારીઓ અધિકારીઓની હોસ્પિટલમાં ખબર કાઢવા જાય છે તો આદિવાસી સમાજની ખબર કાઢવા કેમ ન ગયા?
ઘટનામાં થયેલા લાઠીચાર્જ, ટીયર ગેસ અને ફાયરિંગ અંગે સવાલ ઉઠાવતા વસાવાએ માગ કરી કે માત્ર નાના કર્મચારીઓ નહીં, પરંતુ આદેશ આપનાર DCF, DySP અને SP સામે પણ FIR દાખલ થવી જોઈએ. કયા ભાજપના નેતાઓના ઈશારે 50 રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યું તેની તપાસ થવી જોઈએ. જો 15 દિવસમાં આદિવાસી સમાજની ફરિયાદ નોંધવામાં નહીં આવે, તો હજારો આદિવાસીઓ સાથે DSP કચેરીનો ઘેરાવો કરવામાં આવશે અને લડત ગાંધીનગર સુધી લઈ જવામાં આવશે. અમે પહેલી લાઠી ખાવા અને પોલીસની પહેલી ગોળી ખાવા તૈયાર છીએ, પરંતુ આદિવાસીઓ પર અત્યાચાર સહન કરવામાં નહીં આવે.
શું હતો સમગ્ર મામલો?
અંબાજીના પાડલિયા ગામે ફોરેસ્ટ વિભાગની જમીન ખાલી કરાવવા માટે ગયેલા ફોરેસ્ટ અધિકારી અને પોલીસ કર્મચારીઓ પર હુમલાની ઘટના સામે આવી હતી. આ ઘટનામાં 47 જેટલા પોલીસ કર્મચારીઓ અને ફોરેસ્ટ અધિકારીઓ ઈજાગ્રસ્ત થયા હતા. પાડલિયા ગામે અધિકારીઓ જમીન ખાલી કરાવવા માટે ગયા હતા. ત્યારે તેમના પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો. જો કે પથ્થરમારાની ઘટના બાદ પોલીસને જાણ કરવામાં આવી હતી અને પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી હતી. પોલીસે ઘટનાસ્થળે પહોંચીને મામલો થાળે પાડવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ ત્યાંના સ્થાનિક લોકોએ પોલીસ ઉપર પણ પથ્થરમારો શરૂ કરી દીધો હતો, એટલે કે પોલીસકર્મીઓ પણ આ હુમલાની ઘટનામાં ઈજાગ્રસ્ત થયા હતા. એક પોલીસકર્મીને તીર પણ વાગ્યું હોવાની વિગતો સામે આવી હતી.
હુમલાની સમગ્ર ઘટના અંગે બનાસકાંઠા કલેક્ટર મિહિર પટેલે કહ્યું કે, ‘અંબાજીથી 12 કિલોમીટર દૂર આવેલા પાડલિયા ગામે સર્વે નંબર-9 જે ફોરેસ્ટ વિભાગની જગ્યા છે. ત્યાં આજે સવારે અંદાજિત 8:00 વાગ્યે નર્સરી અને પ્લાન્ટેશનની કામગીરી ચાલી રહી હતી. ફોરેસ્ટ વિભાગની સાથે સાથે પોલીસ અને રેવન્યૂ ડિપાર્ટમેન્ટના લોકો પણ તેમની સાથે હતા. 2:30 વાગ્યાના સમયગાળા દરમિયાન 500 કરતા પણ વધારે લોકોના ટોળાએ એક પૂર્વ આયોજિત રીતે કહી શકાય તે રીતે પથ્થર ગોફણ અને તીરકાંઠાથી હુમલો કર્યો છે.
આ હુમલામાં ફોરેસ્ટ વિભાગ, પોલીસ વિભાગ અને રેવન્યૂ એડમિનિસ્ટ્રેશનના અંદાજિત 47 અધિકારીઓ-કર્મચારીઓને ઈજા થઈ છે. ઈજાગ્રસ્તોમાંથી 45 લોકોને અંબાજી સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે લાવવામાં આવ્યા હતા. જેમાંથી 9 જેટલાને પાલનપુર ખાતે વધુ સારવાર માટે રિફર કરવામાં આવ્યા છે. અને 2 અધિકારીઓ સીધા જ પાલનપુર સારવાર લઈ રહ્યા છે. તમામ જે અધિકારીઓ કર્મચારીઓ છે હાલ સારવાર હેઠળ છે. અને તમામની હાલત હાલ સ્ટેબલ છે. પોલીસ વિભાગ દ્વારા હાલમાં જે FIR નોંધવાની કાર્યવાહી છે તે ચાલુ છે અને આ સંદર્ભમાં પોલીસ વિભાગ દ્વારા કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે.

