- Gujarat
- પોલીસે બેફામ ડ્રાઇવિંગનો ગુનો નોધ્યો હોય તો પણ મૃતકને અકસ્માત વીમાનો લાભ નકારી શકાય નહીં: કોર્ટ
પોલીસે બેફામ ડ્રાઇવિંગનો ગુનો નોધ્યો હોય તો પણ મૃતકને અકસ્માત વીમાનો લાભ નકારી શકાય નહીં: કોર્ટ
સુરત : મોટરસાઇકલ અકસ્માતમાં મૃત્યુ પામેલા વીમાધારક સામે પોલીસે વીમા ધારક મોટર સાઇકલ બેફામ અને ગફલતભરી રીતે ચલાવવાનો ગુનો નોંધ્યો હોય એટલા માત્રથી જીવન વીમા પોલિસી હેઠળ મળવાપાત્ર એક્સિડન્ટ બેનિફિટનો ક્લેઇમ નકારી શકાય નહીં તેવો મહત્ત્વનો તેમજ અનેક વાહન ચાલકો માટે ઉપયોગી થઈ પડે તેવો ચુકાદો સુરત જિલ્લા ગ્રાહક તકરાર નિવારણ કમિશનના પ્રમુખ ન્યાયાધીશ આર. એલ. ઠક્કર અને સભ્ય પૂર્વી વી. જોશીએ આપીને મૃતકના વિધવા અને સગીર સંતાનોને રૂ.12.50 લાખનો ક્લેમ 7% વ્યાજ સાથે ચૂકવવાનો LICને આદેશ આપ્યો છે.
કેસની વિગત મુજબ સુરતના ફરિયાદીઓએ સુરત જિલ્લા ગ્રાહક તકરાર નિવારણ સમક્ષ એડવોકેટ શ્રેયસ દેસાઈ, પ્રાચી અર્પિત દેસાઈ અને ઈશાન શ્રેયસ દેસાઈ મારફત ગ્રાહક ફરિયાદ દાખલ કરેલ ફરિયાદની હકીકત એવી હતી કે LIC પાસેથી રૂ. 12,50,000/- ની જીવન વીમા પોલિસી લીધી હતી. આ પોલિસી ડબલ એક્સીડન્ટ બેનીફીટ સહિતની હતી એટલે કે વીમેદારનું અકસ્માતથી મૃત્યુના સંજોગોમાં બીજા વધારાના રૂ. 12,50,000/- નો એક્સિડેન્ટ બેનિફિટ કલેઈમ પણ મળવાપાત્ર હતો.
તા. 4-12-2017ના રોજ સવારે લગભગ 11.30 વાગ્યે મોટરસાઇકલ ઉપર નોકરીએ જઈ રહ્યા હતા. ત્યારે શહેર સુરતમાં તાડવાડી પટેલ પાર્ક પાસે રસ્તા ઉપર એક સ્ત્રીને બચાવવાના પ્રયાસમાં તેમની મોટરસાઇકલ રોડ ઉપરના બેરીકેડ સાથે અથડાઈ હતી. અકસ્માતમાં તેમને માથામાં ગંભીર ઈજા થઈ હતી અને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાં સારવાર દરમિયાન તેમનું મૃત્યુ થયું હતું.

LICએ જીવન વીમાની મૂળ રૂ. 12.50 લાખની રકમ ચૂકવી આપી હતી, પરંતુ ડબલ એકસીડન્ટ કલેઇમનાં વધારાના રૂ. 12.50 લાખના Double Accident Benefit નો કલેઇમ નામંજૂર કર્યો હતો. LICનું કહેવું હતું કે પોલીસની અંતિમ તપાસ મુજબ મૃતક પોતે મોટરસાઇકલ બેફામ અને ગફલતભરી રીતે ચલાવતા હતા અને તેમની સામે ટ્રાફિકના નિયમોના ભંગ અંગે કાર્યવાહી થઈ હોવાથી પોલિસીની શરતો મુજબ એક્સિડેન્ટ બેનિફિટ મળવાપાત્ર ન હતો.
આ નિર્ણય સામે મૃતકના વિધવા અને સંતાનો (ફરિયાદીઓ)એ સુરત ગ્રાહક કમિશનમાં ફરિયાદ કરી હતી. ફરિયાદીઓ તરફથી એડવોકેટ શ્રેયસ દેસાઈ, પ્રાચી અર્પિત દેસાઈ અને ઈશાન શ્રેયસ દેસાઈએ દલીલ કરી હતી કે અકસ્માત થયો અને અકસ્માતને કારણે જ વીમાધારકનું મૃત્યુ થયું તે બાબત નિર્વિવાદ છે. બેફામ કે ગફલતભરી રીતે વાહન ચલાવવાના આક્ષેપ એક ટ્રાફિક નિયમનો ભંગ ગણાય. તેને કારણે અકસ્માત થયો નથી કે અન્ય ત્રાહિતને કોઈ ઈજા/નુકશાન થયા નથી જેથી માત્ર બેદરકારી ભરી રીતે વાહન ચલાવવાના આક્ષેપના આધારે પોલિસીનો એક્સિડેન્ટ બેનિફિટ નકારી શકાય નહીં. પોલિસીમાં જે પ્રકારના કાયદાના ભંગને કારણે લાભ ન આપવાની જોગવાઈ છે તે આ કેસમાં લાગુ પડતી નથી.
કમિશને બંને પક્ષોની દલીલો, પોલીસના દસ્તાવેજો, વીમા પોલિસીની શરતો તથા રજૂ થયેલા ચુકાદાઓનો અભ્યાસ કર્યા બાદ નોંધ્યું કે મૃતક મોટરસાઇકલ ચલાવતા હતા અને અકસ્માતમાં તેમને ગંભીર ઇજા થતાં તેમનું મૃત્યુ થયું હતું તે હકીકત સ્પષ્ટ છે. માત્ર મોટરસાઇકલ બેફામ અને ગફલતભરી રીતે ચલાવવાના આરોપના આધારે એક્સિડેન્ટ બેનિફિટ નકારી શકાય નહીં. LIC દ્વારા ક્લેઇમ નામંજૂર કરવો યોગ્ય નથી.
આથી સુરત જિલ્લા ગ્રાહક કમિશનના પ્રમુખ આર. એલ. ઠક્કર અને સભ્ય પૂર્વી વી. જોશીએ ફરિયાદ મંજૂર કરી LICને ફરિયાદીઓને રૂ. 12,50,000/- એક્સિડેન્ટ બેનિફિટની રકમ ફરિયાદ દાખલ થયાની તારીખ 11-10-2019 થી વાર્ષિક 7 ટકા વ્યાજ સાથે ચૂકવવાનો આદેશ કર્યો છે.
આ ઉપરાંત ફરિયાદીઓને થયેલા માનસિક ત્રાસ, આઘાત અને હાડમારી બદલ રૂ. 3,000/- તથા ફરિયાદ ખર્ચ પેટે રૂ. 2,000/- ચૂકવવાનો પણ આદેશ કરવામાં આવ્યો છે. કમિશને આ રકમ હુકમની તારીખથી 30 દિવસમાં ચૂકવવા જણાવ્યું છે.

