- Gujarat
- સુરતમાં પરિવાર માટે પતંગની દોરી બની જીવલેણ, 70 ફૂટ ઊંચા બ્રિજ પરથી નીચે પટકાયા
સુરતમાં પરિવાર માટે પતંગની દોરી બની જીવલેણ, 70 ફૂટ ઊંચા બ્રિજ પરથી નીચે પટકાયા
ગઇકાલે ગુજરાત સહિત દેશભરમાં ઉત્તરાયણનો પર્વ મનાવવામાં આવ્યો. પતંગ રસિયાઓએ પતંગ ચગાવવાની ખૂબ મજા માણી. તો ઘણી જગ્યાએ આજે વાસી ઉત્તરાયણ મનાવવામાં આવી રહી છે, પરંતુ ઉત્તરાયણના દિવસે સુરત સહિત કેટલાક શહેરોમાં પતંગની દોરીને કારણે અકસ્માતો સર્જાયા હતા.
ઉત્તરાયણના પર્વએ સુરતમાં એક હૃદયદ્રાવક ઘટના બની હતી. સુરતના વેડ રોડ અને અડાજણને જોડતા ચંદ્રશેખર આઝાદ ફ્લાયઓવર બ્રિજ પર ગઈકાલે સાંજે 5:00 થી 6:00 વાગ્યા વચ્ચે એક ભયાનક અકસ્માત થયો હતો. મકરસંક્રાંતિની રજા પર 35 વર્ષીય રેહાન તેની પત્ની અને 7 વર્ષીય દીકરી સાથે સુભાષ ગાર્ડન ફરવા નીકળ્યો હતો. ચંદ્રશેખર આઝાદબ્રિજ પરથી ઝડપથી પસાર થતી વખતે, અચાનક પતંગની દોરીએ રેહાનના શરીરને અડકી ગઈ હતી, જેથી રેહાને એક હાથે દોરી કાઢવાનો પ્રયાસ કર્યો હતો.
દોરી હટાવવા જતા રેહાને સ્ટીયરિંગ પરથી સંતુલન ગુમાવી દીધું અને પૂલથી 70 ફૂટ નીચે પડી ગયા હતા. આ ઘટનામાં 7 વર્ષીય પુત્રી અને 35 વર્ષીય પિતાનાં ઘટનાસ્થળે જ કમકમાટી ભર્યા મો*ત થયા હતા, જ્યારે માતા ચમત્કારિક રીતે નીચે પાર્ક કરેલી ઓટોરિક્ષા પર પડવાના કારણે બચી ગઈ હતી. ઘટનાને પગલે લોકોનું ટોળું સ્થળે એકઠું થઈ ગયું હતું.
અકસ્માતને કારણે પિતા-પુત્રીના મોતથી પરિવારમાં શોકનો માહોલ છવાઈ ગયો છે. ઘટના અંગેની જાણ થતા પોલીસ પણ ઘટનાસ્થળે દોડી આવી હતી અને બંનેના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવામાં આવ્યા હતા. આ સાથે જ પોલીસ દ્વારા અકસ્માતનો ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
બે વર્ષ અગાઉ પણ આ બ્રિજ પર જ એક અકસ્માત થયો હતો અને યુવક બ્રિજ પરથી નીચે પટકાતા મોતને ભેટ્યો હતો. બ્રિજની હાઈટ પણ 70 ફૂટથી વધુ હોવાથી જ્યારે કોઈપણ વાહનનો અકસ્માત થાય છે ત્યારે ડિવાઇડર સાથે અથડાયા બાદ વાહન ચાલક નીચે પડી જાય છે. જેથી સ્થાનિકો દ્વારા ગ્રીલ લગાવવા માટે માગણી કરવામાં આવી રહી છે.
વડોદરા શહેર અને વડોદરા જિલ્લામાં પતંગ પકડવાના ચક્કરમાં લાહ્યમાં 2 લોકોએ જીવ ગુમાવ્યા હતા.. વાઘોડિયા રોડ પર કપાયેલા પતંગની દોરી પકડવા જતા 33 વર્ષીય યુવકને વીજ કરંટ લાગ્યું હતું, જેના કારણે તેણે જીવ ગુમાવવો પડ્યો. તો કરજણ વિસ્તારમાં પતંગ પકડવા જતા 10 વર્ષના બાળકે જીવ ગુમાવ્યો હતો.
ખંભાતના બદલપુર સેવરાપુરાના 8 વર્ષીય ધવલ પરમાર પોતાના પિતા સાથે બાઈક પર બદલપુરથી રાલેજ જઈ રહ્યો હતો. ત્યારે અચાનક પતંગની દોરી ગળામાં આવી જતા તેમની મુખ્ય નસ કપાઈ ગઈ હતી. જેથી તે ગંભીર રીતે ઇજાગ્રસ્ત થઈ ગયો હતો. ધવલને તાત્કાલિક ખંભાત જનરલ હોસ્પિટલ લઈ જવાયો હતો. પ્રાથમિક સારવાર બાદ તેને કરમસદની કૃષ્ણ હોસ્પિટલ રીફર કરવામાં આવ્યો હતો, પરંતુ હોસ્પિટલ પહોંચે એ પહેલાં જ રસ્તામાં જ તેણે જીવ ગુમાવી દીધો.
જંબુસર તાલુકાના પીલુદરા ગામનો રહેવાસી રાહુલભાઈ પરમાર બાઈક પર જઈ રહ્યો હતો, ત્યારે અચાનક તેના ગળામાં પતંગની દોરી વાગી હતી. દોરી વાગવાથી તેનું ગળું કપાઈ ગયું હતું અને તે ગંભીર રીતે ઈજાગ્રસ્ત થઈ ગયો હતો. ઘટના બાદ સ્થાનિક લોકોએ તાત્કાલિક 108 એમ્બ્યુલન્સને જાણ કરી હતી. યુવકને સારવાર માટે જંબુસર સબ-ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ રિફાર કરવામાંમાં આવ્યો હતો, જ્યાં ફરજ પરના ડૉક્ટરોએ તેને મૃત જાહેર કરી દીધો હતો. બાયડ તાલુકાના ચોઈલા ગામે મોપેડ પર પસાર થઈ રહેલા તીર્થ પટેલ નામના યુવકનું ગળામાં દોરી આવી જવાથી ઘટનાસ્થળે જ મો*ત થઈ ગયું હતું.
ગઈકાલે મકરસંક્રાતિ પર્વ મનાવવા માટે બાબરિયા પરિવાર વાંકાનેર તેના સાઢુભાઈના ઘરે ગયો હતો અને પરત પોતાના ગામ બેડી વાછકપર આવતો હતો. આ સમયે સામેથી આવતી સ્કોર્પિયો કારે I-20 કારને હડફેટે લેતા બે માસૂમ બાળકના મો*ત થઇ ગયા હતા, જ્યારે ગાડીમાં સવાર તેના 4 પરિવારજનો ઈજાગ્રસ્ત થતા રાજકોટ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

