- Gujarat
- પૂર્વ મંત્રી બાવકુભાઇ ઉંધાડે ખોડલધામ ટ્રસ્ટને આપ્યું ઐતિહાસિક મહાદાન
પૂર્વ મંત્રી બાવકુભાઇ ઉંધાડે ખોડલધામ ટ્રસ્ટને આપ્યું ઐતિહાસિક મહાદાન
61 વિઘા જમીન ભેંટ આપીને કહ્યું- આ જમીન હું વાપરું કે સમાજ –એમાં શું ફેર પડે?
ગુજરાતના જાણીતા નેતા અને રાજ્યના પૂર્વ મંત્રી બાવકુભાઇ ઉંધાડે સમાજ માટે કરેલા એક ઐતિહાસિક મહાદાનથી સૌને આશ્ચર્યચકિત કર્યા છે. તેમણે પોતાના અમરેલી જિલ્લામાં આવેલા ગામ નાની કુંડળમાં 61 વિઘા જમીન ખોડલધામ ટ્રસ્ટને ભેંટ આપી એક ઉત્તમ ઉદાહરણ પુરૂ પાડ્યું છે. તાજેતરમાં રાજકોટ ખાતે ટ્રસ્ટની બેઠકમાં આ મહાદાનની જાહેરાત થઈ હતી. ખોડલધામના ચેરમેન નરેશભાઈ પટેલે બાવકુભાઈનું સન્માન કર્યું અને તેમને શાલ ઓઢાડી બિરદાવ્યા.
બાવકુભાઇ ઉંધાડે આ પ્રસંગે કહ્યું, “હું આજે જે કંઈ છું એ બધું સમાજને લીધે છે. એટલે હવે સમય છે કે સમાજે જે મને આપ્યું છે એના બદલે હું પણ સમાજને કંઈક પાછું આપું. હું આ જમીન વાપરું કે સમાજ – એમાં શું ફેર પડે.” તેમણે વધુમાં જણાવ્યું કે, “સામાજિક જવાબદારી તરીકે હું એ જમીનને માં ખોડલના ચરણે સમર્પિત કરું છું કે જેથી સમાજ તેનો ઉપયોગ કરી શકે.”
બાવકુભાઇ ઉંધાડ સૌરાષ્ટ્રના પાટીદાર સમાજના પાયાના નેતા હોવા ઉપરાંત તેમની ભારે લોકચાહના છે. તેમણે અગાઉ ગુજરાત સરકારમાં કેબિનેટ મંત્રી અને ધારાસભ્ય તરીકે પણ સેવા આપી છે.

ટ્રસ્ટીઓનું કહેવું છે કે આવી ઉમદા માનસિકતા વાળા નેતાઓના કારણે જ સમાજ આગળ વધે છે. બાવકુભાઇ ઉંધાડનું આ દાન અન્ય લોકોને પણ સમાજ માટે કંઈક કરવા માટે પ્રેરણા આપશે. ખોડલધામ ટ્રસ્ટ એ પાટીદાર સમાજનું મહત્વપૂર્ણ ટ્રસ્ટ છે, જે રાજકીય, સામાજિક અને આધ્યાત્મિક ક્ષેત્રે વિવિધ કામ કરે છે. હાલમાં ટ્રસ્ટ રાજકોટમાં દેશની શ્રેષ્ઠ કેન્સર હોસ્પિટલ બનાવવા જઈ રહ્યું છે. જમીન જેવી સહાય ટ્રસ્ટને બહુ જ ઉપયોગી સાબિત થશે. આ જમીનમાં પણ હોસ્પિટલ બનાવવાની યોજના હોવાનું ટ્રસ્ટ સૂત્રો કહે છે.
આ દાન એ માત્ર જમીન આપવાનું કામ નથી, પરંતુ ભારતીય શાસ્ત્રોમાં દર્શાવેલ ‘સાત્વિક દાન’નો જીવંત દાખલો છે –જે ફળની અપેક્ષા વગર, સમાજ માટે અપાતું નિઃસ્વાર્થ દાન છે.

