- Gujarat
- રાજ્યમાં ઠાકોર કોળી વિકાસ નિગમનું બજેટ 2500 કરોડ નહીં થાય તો તાળાબંધી કરાશે
રાજ્યમાં ઠાકોર કોળી વિકાસ નિગમનું બજેટ 2500 કરોડ નહીં થાય તો તાળાબંધી કરાશે
ગુજરાત ઠાકોર કોળી વિકાસ નિગમને 2500 કરોડ રૂપિયાની ગ્રાન્ટ ફાળવવા સાથે કુલ નવ મુદ્દાનું એક આવેદનપત્ર આ સમાજના આગેવાનો દ્વારા નિગમના એમડીને આપવામાં આવ્યું છે, જેમાં જણાવાયું છે કે આ નિગમના લાભાર્થીઓ વધે તે માટે સરકારે બજેટમાં વધારો કરવો જોઇએ. આગેવાનોએ આવેદનમા જણાવ્યું છે કે સમાજના લાભાર્થીઓને 100 ટકા વાહનલોન અને વિદેશ અભ્યાસ માટે 20 લાખની સહાય આપવામાં આવે અન્યથા તાળાબંધી અને કચેરીને ઘેરાવ કરવાનો કાર્યક્રમ કરવાની ચિમકી પણ આપવામાં આવી છે.
સામાજીક ન્યાય અને અધિકારીતા વિભાગ હસ્તકના આ નિગમમાં કાયમી ચેરમેનની નિયુક્તિ કરવા પણ રજૂઆત કરવામાં આવી છે. આ નિગમમાં બજેટ નહીં હોવાથી સમાજના આગેવાનોમાં નારાજગી જોવા મળતી હતી. આ સમાજના આગેવાનોએ કહ્યું છે કે નિગમ દ્વારા લોન લેવા માટેની પ્રક્રિયા પૂર્ણ કરી દેવામાં આવે છે છતાં લાભાર્થીઓને લોન મળતી નથી. ઠાકોર અને કોળી સમાજની વસતીના આધારે બજેટમાં જોગવાઇ કરવા માટેનું પણ આવેદનમાં જણાવવામાં આવ્યું છે.
સમાજના આગેવાને કહ્યું હતું કે સમાજના વિકાસ માટેના મુદ્દાઓ સાથે એવો પણ મુદ્દો હતો કે લોન પ્રક્રિયામાં વચેટિયાઓ હોવાથી લાભાર્થીને નુકશાન થાય છે તેથી આ પ્રથાને દૂર કરી સીધી સહાય લાભાર્થીને મળે તે જરૂરી છે. અમારા આ મુદ્દા સાથે સહમત થઇને પગલાં ભરવાની માગણી કરીએ છીએ પરંતુ જો આ મુદ્દાઓ અંગે પગલાં નહીં લેવાય તો રાજ્યના વિવિધ જિલ્લામાંથી ઠાકોર કોળી સમાજના આગેવાનો નિગમની કચેરીએ ઘેરાવ અને તાળાબંધી કરશે.

