- Gujarat
- ગુજરાતમાં નવા વર્ષથી ઠંડીનો ચમકારો: તાપમાન 3–4 ડિગ્રી ઘટશે, અનેક જિલ્લાઓમાં ઠંડી વધવાની આગાહી
ગુજરાતમાં નવા વર્ષથી ઠંડીનો ચમકારો: તાપમાન 3–4 ડિગ્રી ઘટશે, અનેક જિલ્લાઓમાં ઠંડી વધવાની આગાહી
હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યમાં એકાદ બે દિવસ બાદ વાદળો જોવા મળશે. કચ્છ, ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્રના વિસ્તારમાં વાદળછાયા વાતાવરણ વચ્ચે ઠંડીનું પ્રમાણ વધશે, ખાસ કરીને રાજયમાં 30 તારીખથી હવામાનમાં થોડો ફેરફાર થઇ શકે છે એટલે કે આ સમય દરમિયાન તાપમાનનો પારો 3થી 4 ડિગ્રી ગગડતાં ઠંડીનું પ્રમાણ વધશે. ખાસ કરીને ઉત્તર ગુજરાત,પૂર્વ ગુજરાતમાં અને સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લામાં ઠંડીનું પ્રમાણ વધવાની આગાહી છે.
બનાસકાંઠા, સાબરકાંઠામાં તાપમાન 10થી 12 ડિગ્રી તાપમાન થઇ શકે છે. સૌરાષ્ટ્રની વાત કરીએ તો જૂનાગઢ, રાજકોટ, સુરેન્દ્રનગર, બોટાદ,અમરેલી, ભાવનગર,ગીર સોમનાથમાં પણ તાપમાનનો પારો ગગડતાં ઠંડીનું પ્રમાણ વધશે અને તાપમાન 10થી 12 ડિગ્રી સુધી ગગડે તેવી શક્યતા છે. ઉપરાંત મધ્ય ગુજરાતમાં પણ રાત્રિનું તાપમાન પ્રમાણમાં ઘટતાં ઠંડીનું પ્રમાણ વધી શકે છે. ઉપરાંત કચ્છના વિસ્તારમાં પણ 10 ડિગ્રીથી પણ તાપમાન નીચું જાય તેવી શક્યતા છે. હવામાન વિભાગની આગાહી મુજબ ગુજરાતના કેટલાક જિલ્લામાં 3 જાન્યુઆરી બાદ પવનની ગતિ પણ થોડી વધી શકે છે. શિયાળાની શરૂઆત થઇ પરંતુ ગુજરાતમાં પ્રમાણસર ઠંડીનો અભાવ રહ્યો. માત્ર વહેલી સવારે અને મોડી રાત્રે જ ઠંડીનો અનુભવ થતો હતો જ્યારે બપોરના સમયે ઉનાળા જેવી ગરમી અનુભવાતી હતી. આમ ડિસેમ્બર પૂરો થવા આવ્યો છતાં ગુજરાતમાં ઠંડીનું પ્રમાણ મોટાભાગના જિલ્લામાં નહિવત હતું. જો કે હવે હવામાન વિભાગની આગાહી મુજબ જાન્યુઆરીની શરૂઆતમાં તાપમાનનો પારો ગગડતાં ગુજરાતમાં ઠંડીનું પ્રમાણ વધશે.
અમદાવાદ સહિત રાજ્યમાં ધીરે- ધીરે ઠંડીનું પ્રમાણ વધુ રહ્યું છે. અમદાવાદમાં ગતરાત્રિના 14.8 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. હવામાન વિભાગના મતે નવા વર્ષના પ્રારંભથી અમદાવાદ સહિત રાજ્યભરમાં કડકડતી ઠંડી પડે તેવી સંભાવના વ્યકત કરી છે. હવામાન વિભાગના મતે આવનારા ત્રણ દિવસમાં રાજ્યમાં લઘુતમ તાપમાનમાં ત્રણ ડિગ્રી સુધીનો ઘટાડો થશે. જેના કારણે ઠંડીનું જોર વર્તાશે. ગતરાત્રિના 10.4 ડિગ્રી સાથે નલિયા રાજ્યનું સૌથી ઠંડુ શહેર રહ્યું હતું. તો પાટનગર ગાંધીનગરમાં 12.8 ડિગ્રી અને ભુજમાં 14 ડિગ્રી તાપમાન નોંધાયું હતું.અમદાવાદમાં ચાલુ વર્ષે ડિસેમ્બરમાં ઠંડીનું પ્રમાણ ખૂબ જ સાધારણ રહ્યું.
ક્યાં ક્યાં વરસાદની શક્યતા છે?
હવામાન વિભાગના અહેવાલ મુજબ 31ડિસેમ્બરથી 1 જાન્યુઆરી દરમિયાન પંજાબ, હરિયાણા, ચંદીગઢ, ઉત્તર પ્રદેશ અને રાજસ્થાનમાં વરસાદની શક્યતા છે. 29 ડિસેમ્બરે જમ્મુ અને કાશ્મીર અને લદ્દાખમાં વરસાદ અને 30 ડિસેમ્બરથી 2 જાન્યુઆરી દરમિયાન વરસાદ કે હિમવર્ષા થવાની શક્યતા છે. આ સમયગાળા દરમિયાન હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં પણ હિમવર્ષા કે વરસાદની શક્યતા છે.
કયાં રાજ્યો ધુમ્મસથી પ્રભાવિત છે?
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, હિમાચલ પ્રદેશ, પંજાબ, હરિયાણા, ચંદીગઢ અને પશ્ચિમ ઉત્તર પ્રદેશમાં 31 ડિસેમ્બર સુધી સવારે અને રાત્રે ગાઢ ધુમ્મસ છવાઈ શકે છે. પૂર્વી ઉત્તર પ્રદેશમાં આવી સ્થિતિ 1 જાન્યુઆરી સુધી ચાલુ રહી શકે છે. પૂર્વી મધ્ય પ્રદેશ અને અરુણાચલ પ્રદેશમાં 30 ડિસેમ્બર સુધી અને ઉપ-હિમાલયી પશ્ચિમ બંગાળ, બિહાર, આસામ, મેઘાલય, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ, ત્રિપુરા અને ઓડિશામાં 1 જાન્યુઆરી સુધી ગાઢ ધુમ્મસ છવાઈ રહેવાની સંભાવના છે.

