- Gujarat
- ભાજપના ધારાસભ્ય કુમાર કાનાણીએ આ આઈસ્ક્રીમ પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવાની કરી માંગ
ભાજપના ધારાસભ્ય કુમાર કાનાણીએ આ આઈસ્ક્રીમ પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવાની કરી માંગ
ગુજરાતમાં ખાદ્ય પદાર્થોની ગુણવત્તા અને ગ્રાહકોમાં જાગૃતિ લાવવા માટે આરોગ્ય વિભાગે રાજ્યવ્યાપી ‘ઓપરેશન હેલ્થ’ અભિયાનનો આજથી પ્રારંભ કર્યો છે. આ અભિયાન હેઠળ હવે રાજ્યભરમાં વેચાતા આઈસ્ક્રીમ અને ફ્રોઝન ડેઝર્ટ વચ્ચેનો તફાવત લોકોને સમજાવવામાં આવશે. ખાસ કરીને ગ્રાહકો જે ઉત્પાદન ખરીદી રહ્યા છે તે ખરેખર આઈસ્ક્રીમ છે કે ફ્રોઝન ડેઝર્ટ તે અંગે જાગૃતિ લાવવાનો પ્રયાસ છે. ત્યારે સુરતમાં આરોગ્ય વિભાગ દ્વારા શરૂ કરાયેલા 'ઓપરેશન હેલ્થ' અભિયાન વચ્ચે વરાછાના ધારાસભ્ય કુમાર કાનાણીએ ફ્રોઝન ડેઝર્ટ આઈસ્ક્રીમ પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવાની માંગ ઉઠાવી છે.
આ સાથે જ તેમણે આરોગ્ય વિભાગની કામગીરી સામે સવાલો ઉઠાવતા જણાવ્યું છે કે, હાલમાં જે કામગીરી આરોગ્ય વિભાગે કરવી જોઈએ તે સુરત પોલીસની સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG) કરી રહી છે. નકલી અને આરોગ્ય માટે હાનિકારક એવા ફ્રોઝન ડેઝર્ટ પર પ્રતિબંધ મૂકવા માટે કુમાર કાનાણીએ આરોગ્ય વિભાગને પત્ર લખીને નક્કર પગલાં ભરવા રજૂઆત કરી છે.
તેમણે પોતાના પત્રમાં જણાવ્યું કે, બજારમાં બે પ્રકારના આઈસ્ક્રીમનું વેચાણ થાય છે. એક રીયલ દૂધમાંથી બનતી આઈસ્ક્રીમ. બીજું પામોલીન તેલ, વેજીટેબલ તેલમાંથી બનતી આઈસ્ક્રીમ. જેને ફ્રોઝન ડેઝર્ટ આઈસ્ક્રીમ કહેવામાં આવે છે. જે લોકોના શરીરને ખૂબ જ હાનીકારક છે. જે ઝેર સમાન મનાય છે. આરોગ્ય વિભાગે ફ્રોઝન ડેઝર્ટ આઈસ્ક્રીમ વેચાણ કરવા માટે હવે તેમની ઉપર લખવું પડશે. ફ્રોઝન ડેઝર્ટ આઈસ્ક્રીમ જેથી લોકોને ખબર પડે કે આ રીયલ દૂધમાંથી બનેલો આઈસ્ક્રીમ નથી. અને આ આરોગ્ય માટે અતિ હાનિકારક છે. તેવી સમજ લોકોને આપવામાં આવશે. આ નિર્ણયને હું આવકારું છું.અને વિભાગને અભિનંદન આપું છું. પરંતુ અમુક પ્રશ્નો ઉભા થશે તેના વિશે વિચારવું પડે તેમ છે.
1. આઈસ્ક્રીમ પાર્લરમાં (દુકાનમાં) રીયલ આઈસ્ક્રીમ અને ફ્રોઝન ડેઝર્ટ આઈસ્ક્રીમ બંનેનું વેચાણ થતું હોય તો દુકાનનું શું નામ રાખશે? આઈસ્ક્રીમ પાર્લર કે ફ્રોઝન ડેઝર્ટ આઈસ્ક્રીમ પાર્લર?
2. પેકિંગમાં વેચાતા ફ્રોઝન ડેઝર્ટ આઈસ્ક્રીમમાં લખવામાં આવશે. પરંતુ લુઝમાં વેચાતા ફ્રોઝન ડેઝર્ટ આઈસ્ક્રીમમાં કેમ લખવામાં આવશે?
3. એનાલોગ પનીર અને ફ્રોઝન ડેઝર્ટ આઈસ્ક્રીમની બનાવટ સરખી જ છે. બંને સરખું જ નુકસાનકારક છે. તો એનાલોગ પનીર ઉપર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. તો ફ્રોઝન ડેઝર્ટ આઈસ્ક્રીમ બનાવવા અને વેચવા ઉપર પ્રતિબંધ કેમ નહીં?
4. લગ્નમાં વેચાતો આઈસ્ક્રીમ મોટાભાગનો ફ્રોઝન ડેઝર્ટ આઈસ્ક્રીમ હોય છે. તેની સામે કેવી રીતે કાર્યવાહી કરવામાં આવશે?
5. લોકોના આરોગ્યને અતિ નુકસાનકારક આ ફ્રોઝન ડેઝર્ટ આઈસ્ક્રીમ નામનું ઝેર બનાવી-વેચવાની છૂટ આપી શકાય ખરી. ?
તેમણે પોતાના પત્રમાં અંતે જણાવ્યું કે, એનાલોગ પનીર નુકસાનકારક છે. નકલી પનીર છે. તો ફ્રોઝન ડેઝર્ટ આઈસ્ક્રીમ પણ એટલું જ નુકસાનકારક નકલી આઈસ્ક્રીમ છે. તો તેની ઉપર પણ બનાવવા અને વેચવા ઉપર સંપૂર્ણ પ્રતિબંધ હોવો જોઈએ તેવું મારું માનવું છે.
દિવ્યભાસ્કરના અહેવાલ મુજબ, સુરતમાં ખાદ્ય પદાર્થોમાં ભેળસેળ મામલે આરોગ્ય વિભાગ કરતા સુરત પોલીસની SOG વધુ સક્રિય હોવાના મુદ્દે કુમાર કાનાણીએ આરોગ્ય તંત્રને પણ આડે હાથ લીધું હતું. તેમણે જણાવ્યું હતું કે, આરોગ્ય વિભાગની જવાબદારી SOG કરતા પણ વિશેષ છે. આરોગ્ય વિભાગે પોતે જ સક્રિયતા અને પ્રામાણિકતાથી મોટાપાયે અભિયાન ચલાવીને ભેળસેળિયા તત્વો સામે કાર્યવાહી કરવી જોઈએ.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, હું ચોક્કસપણે માનું છું કે SOG જે કામ આરોગ્ય વિભાગનું કરી રહી છે, તે કામ આરોગ્ય વિભાગે જ કરવું જોઈએ. સુરત પોલીસ પોતાની વિશેષ જવાબદારી નિભાવી રહી છે, પરંતુ SOG પાસે ડ્રગ્સ અને નશાના વધતા દૂષણને ડામવા સહિતના અન્ય મહત્ત્વના ઓપરેશન કરવાની કામગીરી હોય છે. તેથી SOGએ તે દિશામાં કામ કરવું જોઈએ અને આરોગ્ય વિભાગે પોતાની મૂળ જવાબદારી નિભાવીને ફ્રોઝન ડેઝર્ટ પર પ્રતિબંધ મૂકવા વિચારવું જોઈએ.

