- Gujarat
- આ વર્ષે ગુજરાત સરકારની નવરાત્રીના પાસ 100 રૂપિયા આપી લેવા પડશે
આ વર્ષે ગુજરાત સરકારની નવરાત્રીના પાસ 100 રૂપિયા આપી લેવા પડશે
અમદાવાદમાં દર વર્ષે જીએમડીસી ગ્રાઉન્ડ પર યોજાતા વાઇબ્રન્ટ નવરાત્રિ ફેસ્ટિવલમાં આ વર્ષે કેટલીક નવી વ્યવસ્થાઓ દાખલ કરવામાં આવી છે. રાજ્ય સરકાર દ્વારા આયોજિત આ ઉત્સવમાં આ વખતે પહેલીવાર પાસ સિસ્ટમ લાગુ કરવામાં આવી છે, જેના હેઠળ વિશેષ વીઆઈપી ઝોનમાં ગરબા રમવા માટે 100 રૂપિયાની ટિકિટ લેવી પડશે.
સરકારના પ્રવાસન વિભાગ અને ગુજરાતના ઉદ્યોગપતિઓની બનેલી વાઇબ્રન્ટ નવરાત્રિ ફેસ્ટિવલ કમિટીએ આ પગલું લીધું છે જેથી ઉત્સવને વધુ ખાનગી અને સુરક્ષિત બનાવી શકાય. આ માટે ગરબાના સ્થળે ખાસ 9 ઝોન બનાવવામાં આવશે, જેમાં દરેક ઝોનમાં 50 સભ્યોનું ગ્રુપ ગરબા રમી શકશે.
વિશેષ વ્યવસ્થા અને બુકિંગ
વાઇબ્રન્ટ નવરાત્રિ ફેસ્ટિવલમાં વધુ ભીડને કારણે ઘણા લોકો ખાનગી ક્લબ અને પાર્ટી પ્લોટમાં જવાનું પસંદ કરે છે. આ પ્રેક્ષકોને આકર્ષવા માટે ખાસ ઝોન તૈયાર કરવામાં આવ્યા છે.
આ ઝોનમાં 25 અને 15 સભ્યોના ગ્રુપ માટે બુક માય શો એજન્સી મારફતે પાસનું વેચાણ કરવામાં આવશે. આ ખાસ ગરબા વિસ્તાર માટે એમ્ફીથિયેટર શૈલીનું લેઆઉટ તૈયાર કરવામાં આવશે, જેમાં આરામદાયક બેઠક વ્યવસ્થા પણ હશે જેથી લોકો શાંતિથી ગરબા નિહાળી શકે.
મહત્વની વાત એ છે કે, આ વિશેષ ઝોન સિવાયના અન્ય વિસ્તારોમાં પ્રવેશ અને ગરબા રમવા માટે કોઈ ફી લેવામાં આવશે નહીં.
ઉત્સવની થીમ અને મુખ્ય આકર્ષણો
આ વર્ષે ઉત્સવની થીમ ‘આહ્વાન મા આદ્યાશક્તિ’ રાખવામાં આવી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને પ્રવાસન મંત્રી મૂળુ બેરા દ્વારા 22 સપ્ટેમ્બરે આ ઉત્સવનું ઉદ્ઘાટન થશે. યુવક સેવા અને સાંસ્કૃતિક બાબતોના વિભાગ દ્વારા 1,000થી વધુ કલાકારોના ગરબા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.
ઉત્સવમાં અન્ય આકર્ષણોમાં નીચેની બાબતોનો સમાવેશ થાય છે:
-સેલ્ફી પોઈન્ટ અને ફોટો ઝોન
-મહા આરતીનું આયોજન
-બાળકો માટે ‘બાળ નગરી’ (કિડ્સ સિટી) જેમાં ઇન્ટરેક્ટિવ પ્રવૃત્તિઓ, રમતો અને VR અનુભવ સામેલ છે.
-26 સ્ટોલવાળી ફૂડ કોર્ટ, જેમાં વિવિધ સ્થાનિક અને પ્રાદેશિક વાનગીઓ ઉપલબ્ધ હશે.
-GLPC અને ગરવી ગુજરાત દ્વારા પરંપરાગત હસ્તકલાના ઉત્પાદનોનું પ્રદર્શન અને વેચાણ.
કલાકારોનો કાર્યક્રમ:
ઉત્સવ દરમિયાન ગરબાની રમઝટ બોલાવવા માટે જાણીતા કલાકારો પણ ઉપસ્થિત રહેશે.
22 સપ્ટેમ્બર: સમીર રાવલ
23 સપ્ટેમ્બર: પ્રહર વોરા
24 સપ્ટેમ્બર: કાજલ મેહરિયા
25 સપ્ટેમ્બર: યશ બારોટ
26 સપ્ટેમ્બર: ઓસમાણ મીર
27 સપ્ટેમ્બર: નારાયણ ઠક્કર
28 સપ્ટેમ્બર: જિગ્નેશ કવિરાજ
29 સપ્ટેમ્બર: અભિતા પટેલ
30 સપ્ટેમ્બર: પાયલ વખારિયા
29 ઓક્ટોબર: લાલિત્ય મુનશા

