- Gujarat
- નિલેશ કુંભાણીએ સુરતમાં પ્રેસ કોન્ફરન્સ કરવા કહ્યું, એક કલાક પહેલા જ ગાયબ થઇ ગયા
નિલેશ કુંભાણીએ સુરતમાં પ્રેસ કોન્ફરન્સ કરવા કહ્યું, એક કલાક પહેલા જ ગાયબ થઇ ગયા

સુરત લોકસભા બેઠકના કોંગ્રેસના પૂર્વ ઉમેદવાર નિલેશ કુંભાણી ગુરુવારે મીડિયાને પણ રમાડી ગયા હતા. સવારે પ્રેસ કોન્ફરન્સ કરવાનો મીડિયાને મેસેજ મોકલ્યો અને એ પછી પ્રેસ કોન્ફરન્સના એક કલાક પહેલાં કુંભાણીના અંગત માણસે મીડિયાને મેસજ કરીને કહ્યુ કે, નિલેશ કુંભાણીની નાદુરસ્ત તબિયતને કારણે તેઓ મીડિયા સાથે વાત કરી શકશે નહીં.
સુરત લોકસભા બેઠક પર કોંગ્રેસે નિલેશ કુંભાણીને ટિકિટ આપી હતી, પરંતુ 20 એપ્રિલે કુંભાણીનું ફોર્મ રદ થયું હતું અને ભારે હોબાળો મચી ગયો હતો. બીજા દિવસે એટલે કે 21 એપ્રિલે કલેકટર કચેરીમાં સુનાવણી ચાલી હતી, પરંતુ નિલેશ કુંભાણી ત્યાંથી પાછલા બારણેથી ગાયબ થઇ ગયો હતો, આજે 12 દિવસ છતા નિલેશ કુંભાણી ક્યાં છુપાયેલો છે તે વિશે કોઇને કશી ખબર નથી.
કોંગ્રેસનું ફોર્મ રદ થવાને કારણે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના કાર્યકરો ભારે ગુસ્સામાં છે. ગુરુવારે નિલેશ કુંભાણી સુરત આવી શકે છે એવી ધારણાઓ તેના ઘર પાસે પોલીસનો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો.