- Gujarat
- હવે ગુજરાતના ઘરોમાં PM અને HMની પૂજા થવા લાગે તો નવાઇ નહીં!
હવે ગુજરાતના ઘરોમાં PM અને HMની પૂજા થવા લાગે તો નવાઇ નહીં!
દક્ષિણ ભારતમાં રાજકીય નેતાઓ અને ફિલ્મસ્ટારોના મંદિરો બને છે તેમની પૂજા થાય છે. ગુજરાતમાં આવું ખાસ દેખાતું નથી પરંતુ આગામી સમયમાં ગુજરાતના ઘરોમાં પીએમ નરેન્દ્રભાઇ મોદી અને ગૃહમંત્રી અમિતભાઇ શાહની તસ્વીરો લગાવી તેમની પૂજા થવા લાગે તો નવાઇ ન પામતા. તેની પાછળનું કારણ છે. છેલ્લા 30 વર્ષથી સતત ભારતીય જનતા પાર્ટી જીતતી આવી છે. જીતવું તો કંઇ મોટી વાત નથી પરંતુ જીત વધુને વધુ ભવ્ય થતી જાય છે. કોઇ રાજકીય પાર્ટી માટે આટલી હદે જોડાણ તો ત્યારે જ થઇ શકે જ્યારે વિશ્વાસ આસ્થામાં બદલાઇ જાય. દર વખતે ચૂંટણીમાં તેઓ પ્રચાર માટે આવે છે પરંતુ આ વખતે તો તે આવ્યા પણ નથી. છતાં ગુજરાતની જનતા તેમને જીતાડ્યા છે.
ચૂંટણીઓ જાહેર થઇ ત્યારપછી જે લોકોનો મિજાજ હતો તે જોતાં લાગતું હતું કે આ વખતે ભાજપ માટે જીતવું મુશ્કેલ છે. અખબારો લખતા હતા કે કોઇ અંડર કરંટ છે. પત્રકારો કહેતા હતા કે આ વખતે સૌથી ખરાબ ચૂંટણી છે. ભાજપને ભારે પડશે. ભાજપવાળા જ ભાજપવાળાને હરાવશે. પરંતુ એવું કઇ ન થયું. ભાજપે પોતાનો ગઢ સાચવી જ ન રાખ્યો પરંતુ તેને મજબૂત પણ કર્યો.

જો આંકડાઓની વાત કરીએ તો વર્ષ 2021ની ચૂંટણીમાં અંદાજે 8,200થી વધુ બેઠકો હતી ભાજપે 6236 જેટલી બેઠકો જીતી હતી. આ લગભગ 10000 સીટો હતી અને ભાજપે 7300થી વધુ જીતી છે. આમ, કુલ બેઠકોમાં વધારો થયો છતાં ભાજપ તેના પ્રમાણમાં જીતેલી બેઠકોની સંખ્યા પણ વધારી દીધી. આમ, પાર્ટીએ પોતાને અજેય સાબિત કરી દીધી છે.
હવે સવાલ એ થાય છે કે ભાજપમાં એવું તે શું છે કે આટલું ભવ્ય પરિણામ લઇ આવે છે. ઘણા લોકો ઇવીએમની વાત કરશે. કેટલાક લોકો ધાકધમકીની વાત કરશે. તો કેટલાક રૂપિયાની વાત કરશે. તો કેટલાક પોલીસ અને તંત્ર સાથે હોવાની વાત કરશે. આ બધી વાતો સાચી પણ છે. પરંતુ માત્ર આ બધી બાબતોથી ચૂંટણી માત્ર જીતી શકાય પરંતુ આટલી ભવ્ય જીત પાછળના કારણોની તપાસ પણ થવી જોઇએ. આપણે તેને સમજવાનો પ્રયાસ કરીએ.

ઉપમુખ્યમંત્રી હર્ષ સંઘવી વાંરવાર કહેતા હોય છે કે ભારતીય જનતા પાર્ટી માત્ર રાજકીય પાર્ટી નથી પરંતુ ગુજરાતની 6 કરોડ જનતા નો એક મોટો પરિવાર છે. તેમની વાતમાં તથ્ય છે. કારણ કે પરિવારમાં જ આવું થાય. તમને પરિવારના કોઇ સભ્ય પ્રત્યે નારાજગી હોય. તમે તેની સાથે ઝગડતા પણ હોવ. ઘણીવાર રીસાઇ પણ જતા હોય. કોઇકવાર તો ગાળો પણ દઇ દેતા હો. પરંતુ તેને ઘરની બહાર કાઢી મૂકતા નથી. ગુજરાતની જનતામાં ભલે નારાજગી હોય પરંતુ તે ભાજપને ઘરમાંથી કાઢી મૂકવા તૈયાર નથી. આવું કેમ થયું? તેને સમજવાનો પ્રયાસ કરીએ.

ભારતીય જનતા પાર્ટી હવે માત્ર રાજકીય પાર્ટી નથી રહી. ગુજરાતીઓના કુટુંબનો એક અંતરંગ હિસ્સો બની ગઇ છે. આ હકીકત છે. ભારતીય જનતા પાર્ટી જ નક્કી કરે છે લોકોએ કઇ રીતે વિચારવું જોઇએ. લોકોએ કયો ધર્મ અપનાવવો જોઇએ. કયા ધર્મને દૂર રાખવો જોઇએ. શું ખાવું, શું ન ખાવું. શું પહરેવું, શું ન પહેરવું, કયા ઉત્સવો ઉજવવા અને કયા નહીં. ઉત્સવો કઇ રીતે ઉજવવા. આવી ઘણી બાબતોમાં સીધી કે આડકતરી રીતે ભારતીય જનતા પાર્ટી કે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની વિચારધારાની અસર ઊભી થઇ ગઇ છે. આ અસર ઊભી કરવા પાછળની મુખ્ય ભૂમિકા વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહની ચોક્કસ છે. આ જોડીએ ગુજરાતીઓને ભાજપ સિવાય બીજા કોઇ પક્ષ અંગે વિચાર કરવાની કોઇ જગ્યા છોડી નથી. તેમણે એવી અસર ઊભી કરી છે કે ગુજરાતીઓને ભાજપમાં વિશ્વાસ નથી પરંતુ આસ્થા છે. કદાચ આવનારા સમયમાં ઘરોમાં તેમની તસ્વીરો લાગીને પૂજા થવા લાગે તો નવાઇ નહીં.

