- Gujarat
- શું ગુજરાતમાં વરસાદ વિરામ લેશે? ગુજરાતના માથેથી વાદળો ગાયબ, વેલમાર્ક લૉ પ્રેશર નબળું પડ્યું
શું ગુજરાતમાં વરસાદ વિરામ લેશે? ગુજરાતના માથેથી વાદળો ગાયબ, વેલમાર્ક લૉ પ્રેશર નબળું પડ્યું
ગુજરાતમાં વરસાદના વધુ એક રાઉન્ડે સુરેન્દ્રનગર સહિત અનેક વિસ્તારોને ધમરોળ્યા, પરંતુ છેલ્લા બે દિવસથી વરસાદનું જોર ઘટ્યું છે અને છુટાછવાયા વિસ્તારોમાં મધ્યમ વરસાદ નોંઘાયો છે. રવિવારે 226 તાલુકામાં સૌથી વધુ રાજકોટમાં પોણા ત્રણ ઈંચ વરસાદ નોંધાયો હતો.
દિવ્યભાસ્કરના અહેવાલ મુજબ, ગુજરાતને અસર કરતું વેલમાર્ક લૉ પ્રેશર હવે નબળું પડ્યું છે અને સાયક્લોનિક સર્ક્યૂલેશનમાં પરિવર્તિત થયું છે. જોકે, લૉ પ્રેશર, સાયક્લોનિક સર્ક્યુલેશન અને સક્રિય મોન્સૂન ટ્રફના કારણે રાજ્યમાં આગામી સાત દિવસ સુધી વરસાદી માહોલ યથાવત્ રહેવાની સંભાવના છે. તો બીજી તરફ, સેટેલાઇટ મેપમાં ગુજરાત પરથી વાદળો હટી જતા હાલ ભારે વરસાદની સંભાવના નહિવત્ છે.
દરિયાકાંઠાના વિસ્તારોમાં પવનની ગતિ વધવાની શક્યતાને કારણે માછીમારોને દરિયો ન ખેડવા સલાહ આપવામાં આવી છે. સાથે બંદરો પર લોકલ કૉશનરી સિગ્નલ નંબર-3 (LCS-3) લગાવાયું છે. રાજ્યમાં અત્યાર સુધી સીઝનનો સરેરાશ વરસાદ સામાન્ય કરતા 21 ટકા વધુ નોંધાયો છે, જે દર્શાવે છે કે આ વર્ષે ચોમાસું સક્રિય રહ્યું છે.
આજે બનાસકાંઠા, વાવ-થરાદ, પાટણ, મહેસાણા, સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાં વરસાદ પડી શકે છે. ઉપરાંત સૌરાષ્ટ્ર-કચ્છના સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર, મોરબી, દ્વારકા અને કચ્છ જિલ્લામાં પણ આગાહી છે.
રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદ સાથે ગાજવીજ, વીજળી અને 40-50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની પણ શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. અમદાવાદ સહિત ઉત્તર, મધ્ય અને દક્ષિણ ગુજરાતના અનેક જિલ્લાઓમાં છૂટાછવાયા વરસાદી ઝાપટાં પડી શકે છે. અમદાવાદ માટે હવામાન વિભાગે સામાન્ય રીતે વાદળછાયું વાતાવરણ અને એકથી બે વરસાદી ઝાપટાંની આગાહી કરી છે.
ગુજરાત સમાચારના અહેવાલ મુજબ, ગુજરાતમાં 23.50 ઈંચ સાથે સીઝનનો 68.58 ટકા વરસાદ વરસી ચૂક્યો છે. રાજ્યના 38 તાલુકા એવા છે જ્યાં સીઝનનો 100 ટકા વરસાદ વરસ્યો છે જ્યારે 84 તાલુકામાં હજુ 50 ટકા વરસાદ પણ વરસ્યો નથી. અત્યારસુધી વલસાડ જિલ્લામાં સૌથી વધુ 98.50 ઈંચ જ્યારે દેવભૂમિ દ્વારકામાં સૌથી ઓછો બે ઈંચ વરસાદ નોંધાયો છે.
રીજિયન પ્રમાણે જોવામાં આવે તો દક્ષિણ ગુજરાતમાં સૌથી વધુ 95 ટકા અને કચ્છમાં સૌથી ઓછો 5.55 ઈંચ વરસાદ વરસ્યો છે. ઉત્તર ગુજરાતમાં 14.40 ઈંચ સાથે સીઝનનો સરેરાશ 50 ટકા વરસાદ છે. રાજ્યના 35 તાલુકામાં 40 ઈંચથી વધુ, 77માં 20થી 40 ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે. એકતરફ સાર્વત્રિક મેઘમહેર છે તો કેટલાક તાલુકા અને જિલ્લા એવા પણ છે જ્યાં વરસાદનું પ્રમાણ ઓછું છે.
દેવભૂમિ દ્વારકામાં સરેરાશ 2.05 ઈંચ સાથે સૌથી ઓછો 6.24 ટકા, કચ્છમાં 5.56 ઈંચ સાથે 28.30 ટકા વરસાદ વરસ્યો છે. બીજી તરફ દેવભૂમિ દ્વારકાના દ્વારકા તાલુકામાં 0.60 ઈંચ, કલ્યાણપુરમાં 1.20 ઈંચ, જ્યારે કચ્છના અબડાસામાં 1.77 ઈંચ જ વરસાદ વરસતા ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં ગયા વર્ષે બીજી ઓગસ્ટ સુધી સિઝનનો 63 ટકા વરસાદ વરસ્યો હતો.
ગયા વર્ષે અત્યારસુધી 40 ઈંચથી વધુ વરસાદ હોય તેવા 25 તાલુકા હતા જ્યારે આ વખતે એવા તાલુકાની સંખ્યા 35 થઈ છે. ગયા વર્ષે બીજી ઓગસ્ટ સુધી કચ્છમાં 64.16 ટકા, ઉત્તર ગુજરાતમાં 65.47 ટકા, પૂર્વ મધ્ય ગુજરાતમાં 65 ટકા, સૌરાષ્ટ્રમાં 55 ટકા, દક્ષિણ ગુજરાતમાં 67 ટકા વરસાદ નોંધાયો હતો.

