- Gujarat
- મગફળી ખરીદી માટે રાજ્ય સરકારે ટેકાના ભાવની કરી જાહેરાત, ગત વર્ષ કરતા ભાવ ઘટ્યા
મગફળી ખરીદી માટે રાજ્ય સરકારે ટેકાના ભાવની કરી જાહેરાત, ગત વર્ષ કરતા ભાવ ઘટ્યા
રાજ્ય સરકાર તરફથી ખેડૂતોને રાહત આપવા માટે અનેક પ્રકારના નિર્ણય લેવામાં આવી રહ્યા છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીના અધ્યક્ષ સ્થાને મળેલી કેબિનેટની બેઠકમાં રાજ્ય સરકારે મગફળીને ટેકાના ભાવે ખરીદવા માટેની મંજૂરી આપી દીધી છે. રાજ્ય સરકાર પ્રતિમણ રૂ. 1055ના ભાવે લાભ પાંચમથી ટેકાના ભાવે મગફળીની ખરીદી શરૂ કરવા માટે રૂપાણી સરકારે જાહેરાત કરી છે. આ ઉપરાંત, ઓનલાઈન રજિસ્ટ્રેશન અંગે પણ બેઠક યોજીને એક નિર્ણય લેવામાં આવશે.
પુરવઠા મંત્રી જયેશ રાદડિયાએ જણાવ્યું હતું કે, મગફળીની ખરીદી માટે ટેકાના ભાવે કેબિનેટે મહત્ત્વનો નિર્ણય કર્યો છે. આ અંગેની સમગ્ર કાર્યવાહી ગુજરાત રાજ્ય પુરવઠા નિગમ કરશે. બે વર્ષથી રાજ્ય પુરવઠા નિગમ મગફળીની ખરીદી કરે છે. નોડલ એજન્સી તરીકે પણ કામ કરશે. આ મગફળી રૂ. 5275 પ્રતિ ક્વિન્ટલ ટેકાના ભાવે ખરીદી લેવાશે. ખાસ તો ખેડૂતોને કોઈ પ્રકારની મુશ્કેલી ઊભી ન થાય એ માટે તમામ સેન્ટર પર વ્યવસ્થા ઊભી કરવામાં આવશે. ગુજરાતમાં ખાસ કરીને સૌરાષ્ટ્રમાં મગફળીનો પાક મુખ્ય માનવામાં આવે છે. આ વખતે રાજ્યમાં સાર્વત્રિક વરસાદને કારણે 95.51 ટકા વાવેતર થયું છે. જેમાં સૌથી વધારે મગફળીનું વાવેતર થયું છે. કુલ 20,65,316 હેક્ટરમાં મગફળીનું વાવેતર કરવામાં આવ્યું છે. જ્યારે 22,77,104 હેક્ટરમાં કપાસનું વાવેતર થયું છે. રાજકોટ બેડી માર્કેટ યાર્ડમાં છેલ્લા ત્રણ દિવસમાં 5 હજાર ગુણી મગફળીની આવક થઈ છે.

જોકે, સૌરાષ્ટ્રમાં ભારે વરસાદને કારણે મગફળી અને કપાસના પાકને મોટું નુકસાન થયું છે. કેટલાક ખેતરમાં તો ઊભો પાક ધોવાઈ ગયો છે. ખેડૂતો કહે છે કે, મગફળીમાં ભેજ લાગી ગયો છે. સતત વરસાદથી પાક ધોવાયો છે. અગાઉ ઊતારેલો પાક હજુ ચાલે છે. જે હવે વેચાણમાં છે. જેના કારણે ખેતીલક્ષી અન્ય ખર્ચ વધી ગયો છે. વેપારીઓએ જણાવ્યું હતું કે, ગત વર્ષે 1250 રૂ. ભાવ નક્કી કરાયો હતો. આ વખતે જે ઘટી ગયો છે. છેલ્લા ચાર દિવસથી વરસાદે વિરામ લીધો છે. પણ રાજકોટ યાર્ડમાં મગફળીની સારી એવી આવક થઈ છે. પણ એની સામે નુકસાન પણ મોટું છે. મગફળીમાં અંદર ભેજને કારણે દાણો બગડી જાય છે એથી કોઈ મોટી સંખ્યામાં મગફળી લેતું નથી. સરકાર થોડી રાહત આપે એવું ખેડૂતો ઈચ્છે છે.

