- Gujarat
- ગુજરાતની શાળામાં એક વિદ્યાર્થિનીએ 13 વર્ષીય વિદ્યાર્થિનીને છરી મારી દીધી, 20 ટાંકા આવ્યા
ગુજરાતની શાળામાં એક વિદ્યાર્થિનીએ 13 વર્ષીય વિદ્યાર્થિનીને છરી મારી દીધી, 20 ટાંકા આવ્યા
તાપી જિલ્લાના વાલોડ તાલુકામાં હચમચાવી મૂકે તેવી ગંભીર ઘટના સામે આવી છે. એક વિદ્યાર્થિનીએ પોતાની સાથે અભ્યાસ કરતી અન્ય વિદ્યાર્થિનીને પર છરી વડે હુમલો કરી દીધો હતો, જેને કારણે 13 વર્ષીય વિદ્યાર્થિનીના હાથમાં ગંભીર ઈજા પહોંચી હતી અને તેને સારવાર દરમિયાન આશરે 20 જેટલા ટાંકા લેવા પડ્યા હોવાનું જાણવા મળ્યું છે.
ન્યૂઝ18 ગુજરાતીના અહેવાલ મુજબ, ઇજાગ્રસ્ત વિદ્યાર્થિની ધોરણ-9માં અભ્યાસ કરે છે અને છેલ્લા 9 મહિનાથી હોસ્ટેલમાં રહીને અભ્યાસ કરી રહી હતી. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું કે, ઘટના દિવસે આરોપી વિદ્યાર્થિનીએ તેને પીઠ પાછળ કંઈક વાત કરવી હોવાનું કહી એકાંતમાં બોલાવી હતી. ત્યારબાદ બંને વચ્ચે કોઈ કારણસર ઘર્ષણ થયું હોય શકે છે.
આ દરમિયાન આરોપી વિદ્યાર્થિનીએ પોતાની પાસે રહેલા ચપ્પુ વડે ઇજાગ્રસ્ત વિદ્યાર્થિનીના હાથ પર હુમલો કર્યો હતો. અચાનક બનેલા હુમલાથી વિદ્યાર્થિની લોહીલુહાણ થઈ ગઈ હતી. ઘટનાની જાણ થતા શાળા સંચાલન અને સ્થાનિક લોકો દોડી આવ્યા હતા અને ઇજાગ્રસ્ત કિશોરીને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી.
હોસ્પિટલમાં ફરજ પરના તબીબોએ જણાવ્યું હતું કે વિદ્યાર્થીનીના હાથમાં ઊંડા ઘા પડ્યા હોવાથી તેને તાત્કાલિક સારવાર આપવી પડી હતી. ઈજાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને તેના હાથમાં લગભગ 20 જેટલા ટાંકા લેવામાં આવ્યા હતા. હાલ વિદ્યાર્થીનીની તબિયત સ્થિર હોવાનું અને તે તબીબી દેખરેખ હેઠળ હોવાનું જાણવા મળ્યું છે.
Zee24 કલાકના અહેવાલ મુજબ, શાળાના સમય દરમિયાન બંને વચ્ચે ફરી એકવાર ઉગ્ર બોલાચાલી થઈ હતી. આ વિવાદ એટલો વધી ગયો કે ગુસ્સામાં આવેલી હુમલાખોર વિદ્યાર્થીનીએ એક ભયાનક કાવતરું ઘડી નાખ્યું. હુમલાખોર તરુણીએ ભોગ બનનાર 13 વર્ષીય દીકરીને "તારી પીઠ પાછળ કંઈક ચોંટેલું છે" તેમ કહીને શાળાના બાથરૂમમાં બોલાવી હતી. દીકરી જેવી બાથરૂમમાં ગઈ, કે તરત જ બંને વચ્ચે ફરી બોલાચાલી શરૂ થઈ ગઈ હતી. મામલો ગરમ થતાં જ હુમલાખોર સગીરાએ પોતાની પાસે છુપાવીને રાખેલું તીક્ષ્ણ ચપ્પુ કાઢ્યું હતું અને તેની જ ખાસ બહેનપણી પર ઘાતક હુમલો કરી દીધો હતો.
આ ઘટનાની ગંભીરતાને જોતા વાલોડ પોલીસ તાત્કાલિક એક્શનમાં આવી ગઈ હતી. પોલીસે ભોગ બનનાર પરિવારની ફરિયાદ અને પ્રાથમિક તપાસના આધારે હુમલો કરનારી સગીર વિદ્યાર્થીનીની અટકાયત કરી લીધી છે અને તેની પાસે છરી ક્યાંથી આવી તે દિશામાં પણ તપાસ શરૂ કરી છે. હુમલા પાછળનું ચોક્કસ કારણ શું હતું તે અંગે પોલીસે તપાસ તેજ બનાવી છે.
આ ઘટનાએ વાલોડ સહિત સમગ્ર વિસ્તારમાં ચકચાર મચાવી દીધી છે. શાળામાં અભ્યાસ કરતી કિશોરીઓ વચ્ચે થયેલી આ હિંસક ઘટનાને લઈને વાલીઓમાં પણ ચિંતા જોવા મળી રહી છે. પોલીસ દ્વારા બંને પક્ષોના નિવેદનો નોંધવામાં આવી રહ્યા છે તેમજ શાળા સંચાલન પાસેથી પણ જરૂરી માહિતી એકત્રિત કરવામાં આવી રહી છે.

