- Business
- બેંક ઓફ ઈન્ડિયાને ₹100 કરોડ ચૂકવશે નીરવ મોદી! બ્રિટનની કોર્ટનો આદેશ
બેંક ઓફ ઈન્ડિયાને ₹100 કરોડ ચૂકવશે નીરવ મોદી! બ્રિટનની કોર્ટનો આદેશ
સમાચાર એજન્સી ANI અનુસાર, ભાગેડુ ઉદ્યોગપતિ નીરવ મોદીને બ્રિટનમમાં વધુ એક કાનૂની ઝટકો લાગ્યો છે. લંડનની એક કોર્ટે તેને દુબઈ સ્થિત તેની કંપની સાથે સંકળાયેલા લોન વસૂલાત વિવાદમાં બેંક ઓફ ઈન્ડિયાને US$10.7 મિલિયન (₹100 કરોડથી વધુ) ચૂકવવાનો આદેશ આપ્યો છે.
મંગળવારે આપેલા ચુકાદામાં, લંડન સર્કિટ કોમર્શિયલ કોર્ટે બેંક ઓફ ઈન્ડિયાની તરફેણમાં ચૂકાદો આપ્યો હતો, જેમાં જણાવ્યું હતું કે ₹13,000 કરોડના PNB કૌભાંડનો મુખ્ય આરોપી નીરવ મોદી ફાયરસ્ટાર ગ્રુપના દુબઈ સ્થિત એકમ, ફાયરસ્ટાર ડાયમંડ FZE ને આપવામાં આવેલી લોનની ચૂકવણી માટે વ્યક્તિગત રીતે જવાબદાર છે. કોર્ટે જણાવ્યું હતું કે લોન લેનાર કંપની ચૂકવણી કરવામાં નિષ્ફળ રહી હોવા છતા નીરવ મોદી કાયદેસર રીતે લોન માટે જવાબદાર છે.

આ દેવાદારીમાં આશરે US$4.1 મિલિયન (લગભગ ₹38.9 કરોડ)ની બાકી મુદ્દલ રકમ અને બેંક દ્વારા દાવો કરાયેલ લાગુ વ્યાજનો સમાવેશ થાય છે, જે કુલ વસૂલાતપાત્ર રકમ US$10.7 મિલિયનથી વધુ થઇ જાય છે. એટલે કે, નીરવ મોદીએ બેંક ઓફ ઈન્ડિયાને ₹100 કરોડથી વધુ રકમ ચૂકવી પડશે.
આ વિવાદ 2012નો છે, જ્યારે બેંક ઓફ ઈન્ડિયાએ પંજાબ નેશનલ બેંક (PNB) છેતરપિંડી કેસ સામે આવ્યા પહેલા આપવામાં આવેલી લોનને મંજૂરી આપી હતી. તો 3 ઓગસ્ટ, 2012ના રોજ નીરવ મોદીએ બેંકની તરફેણમાં વ્યક્તિગત ગેરંટી પર હસ્તાક્ષર કર્યા હતા, જેમાં લોન લેનાર તેની જવાબદારીઓ પૂર્ણ કરવામાં નિષ્ફળ જાય તો બાકી રકમ ચૂકવવાની વ્યક્તિગત જવાબદારી સ્વીકારી હતી. કોર્ટના જણાવ્યા અનુસાર, 2018ની શરૂઆતમાં કથિત બેંકિંગ છેતરપિંડી પ્રકાશમાં આવ્યા પછી ફાયરસ્ટાર ગ્રુપનું નાણાકીય સ્વાસ્થ્ય ઝડપથી બગડ્યું હતું.

ઈન્ડિયા ટુડેના અહેવાલ મુજબ, CBIએ તે જ વર્ષના ફેબ્રુઆરીમાં PNB છેતરપિંડી કેસ અંગે પ્રથમ FIR નોંધી હતી. તપાસમાં એ પણ બહાર આવ્યું હતું કે કૌભાંડમાં આશરે US$2 બિલિયનના વ્યવહારો સામેલ હતા.
ફાયરસ્ટાર ડાયમંડ FZE દ્વારા ડિફોલ્ટ થયા બાદ બેંક ઓફ ઈન્ડિયાએ વ્યક્તિગત ગેરંટી કરાર હેઠળ મોદી સામે અલગ વસૂલાત કાર્યવાહી શરૂ કરી હતી. બેંકે બાકી રકમ માટે અનેક ડિમાન્ડ નોટિસ જાહેર કરી હતી પરંતુ વારંવાર પ્રયાસો છતા કોઈ ચૂકવણી ન મળવાનો દાવો કર્યો.
મોદીએ લંડનની કોર્ટમાં કાર્યવાહીને પડકારતા દલીલ કરી હતી કે વ્યક્તિગત ગેરંટી લાગૂ કરી શકાતી નથી. તેમની કાનૂની ટીમે દોવા કર્યો હતો કે બેંક ઓફ ઈન્ડિયા માન્ય ચૂકવણી માંગ નોટિસ જાહેર કરવામાં નિષ્ફળ ગઈ હતી અને તાત્કાલિક લોન ચૂકવણીની માંગ કરવા અથવા વસૂલાત શરૂ કરવા માટે પૂરતા આધાર નથી.
તેમના વકીલોએ એવી પણ દલીલ કરી હતી કે, નીરવ મોદીને એપ્રિલ 2018 અને ઓક્ટોબર 2025માં જાહેર કરાયેલ નોટિસ મળી નહોતી કારણ કે તે સમયગાળા દરમિયાન તે ભારતની બહાર હતો. જોકે, કોર્ટે આ દલીલોને ફગાવી દીધી હતી, ચુકાદો આપ્યો હતો કે નોટિસ યોગ્ય રીતે જાહેર કરવામાં આવી હતી.
એવું પણ જાણવા મળ્યું હતું કે ઓક્ટોબર 2025ની ડિમાન્ડ નોટિસ બ્રિટનની જેલમાં મોકલવામાં આવી હતી જ્યાં મોદી હાલમાં કેદ છે. ચૂકાદામાં એ પણ નોંધવામાં આવ્યું હતું કે મોદીના કાનૂની પ્રતિનિધિઓને 2019માં એપ્રિલ 2018ની નોટિસની નકલ મળી હતી, જે સાબિત કરે છે કે તેઓ બેંકની ચૂકવણી માંગથી વાકેફ હતા.
આ ચૂકાદામાં નીરવ મોદી દ્વારા બેંકને મોકલવામાં આવેલા ઇમેઇલનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો હતો, જેમાં તેમણે સ્વીકાર્યું હતું કે મીડિયા અહેવાલોએ જૂથના વ્યવસાયિક સંચાલનને ગંભીર રીતે અસર કર્યું છે અને કંપનીઓ હવે તેમની દેવાદારી પૂરી કરવાની સ્થિતિમાં નથી. આ સંજોગોના આધારે કોર્ટે તારણ કાઢ્યું કે બેંક ઓફ ઈન્ડિયાને લોન ચૂકવણીની માંગણી કરવાનો, લોન સુવિધા પાછી ખેંચવાનો અને વ્યક્તિગત ગેરંટી લાગૂ કરવાનો સંપૂર્ણ અધિકાર છે. આ આદેશ બ્રિટનમાં મોદી માટે વધુ એક ઝટકો છે.

