- Gujarat
- વેલેન્ટાઈન ડેએ ગુજરાતના આ શહેરમાં થશે 5000 લોકોની હાજરીમાં માતૃ-પિતૃ પૂજન?
વેલેન્ટાઈન ડેએ ગુજરાતના આ શહેરમાં થશે 5000 લોકોની હાજરીમાં માતૃ-પિતૃ પૂજન?
14 ફેબ્રુઆરી આમ તો પ્રેમી-પંખીડાઓના દિવસ વેલેન્ટાઈન ડે તરીકે પૂરા વિશ્વમાં ઉજવાય છે. એક સપ્તાહ પહેલાથી વિવિધ ડેના માધ્યમથી આ દિવસની ઉજવણી કરવા યુવાધન ઘેલુ બને છે. પરંતુ સુરતનું સ્વ મંગલ ગ્રુપ આ દિવસે માતૃ-પિતૃ પૂજન દિન તરીકે ઉજવી રહ્યું છે. આ કાર્યક્રમમાં 5000થી વધુ લોકો ઉપસ્થિત રહેશે અને 500થી 600 બાળકો પોતાના માતા-પિતાની જાહેર મંચ પર પૂજા અર્ચના કરી સમાજને એક મજબૂત સંદેશો આપશે. ઉપરાંત કેટલીક શાળાઓમાં પણ આ સંસ્થા આ કાર્યક્રમ કરી રહી છે. આજે પણ ઘણી શાળાઓમાં માતૃ-પિતૃ પૂજનનો કાર્યક્રમ આ સંસ્થાએ યોજ્યો હતો. જેમાં માતા-પિતા ભાવુક થયેલા નજરે પડ્યાં હતા.
ગ્રુપના આયોજક આશિષ પટેલે કહ્યું હતું કે, આપણા બાળકો પશ્ચિમી સંસ્કૃતિ પાછળ ઘેલા થઈ પોતાનું જીવન બરબાદ ન કરે અને આપણી ભારતીય સંસ્કૃતિથી પરિચિત રહે તે માટે છેલ્લા પાંચ વર્ષથી અમે માતૃ-પિતૃ પૂજન દિવસ 14 ફેબ્રુઆરીએ ડિંડોલી, ઉમિયા માતા મંદિરના પ્રાંગણમાં ઉજવીએ છીએ. જેમાં પાંચ હજાર જેટલા લોકો મોજૂદ રહે છે. અમે 500થી 600 માતા-પિતાનું પૂજન તેમના બાળકોના હાથે મંચ પરથી કરાવીએ છીએ. નાટક થકી મેસેજ આપીએ છીએ. રાષ્ટ્રગાન થાય છે. અહીં આવનારા કોઈએ પણ એક પણ સામગ્રી લાવવાની રહેતી નથી. તમામ અમે પૂરી પાડીએ છીએ.

અમારી સાથે 10 ગ્રુપ આ કાર્યક્રમમાં જોડાય છે. આ પહેલા અમે હજારોની સંખ્યામાં માતૃ-પિતૃ પૂજનના પેમ્ફલેટ છપાવીને ડીંડોલી, લિંબાયત વિસ્તારની સોસાયટીઓમાં, શાળાઓ-કોલેજોમાં જઈ વહેંચીને, રૂબરુ વાત કરીને માતા-પિતા માટેનો સંદેશો પાઠવીએ છીએ. અમારા વડીલોના સંસ્કારો અમે લોકો સુધી પહોંચાડીએ છીએ. હજી અમાર વડીલો આહવા-ડાંગ જેવા આદિવાસી વિસ્તારોમાં પણ ગૌસેવા, ઉત્તરાણમાં દાન-પૂણ્ય કરવા સહિતના સમાજ-સંસ્કૃતિને જીવંત રાખવાના કાર્યક્રમો કરે છે એમ આશિષ પટેલ કહે છે. 14 ફેબ્રુઆરીએ 8 ખાનગી સ્કૂલમાં પણ અમે આ કાર્યક્રમ કરવાના છે.

-શું અપાય છે મેસેજ
આ ગ્રુપ દ્વારા છપાવાયેલા પેમ્ફલેટમાં તમામ ધર્મમાં માતા-પિતાની પૂજાને મહત્વ અપાયું હોવાનો ઉલ્લેખ કરાયો છે. આ પૂજનને શાશ્વત સુખનો શોર્ટકટ લેખાવતા ભગવાન ગણેશની ઘરમાં જ શિવ-પાર્વતીની પૂજનના પ્રસંગને ટાંક્યો છે અને લખ્યું છે કે દુનિયાભરની સુખ-શાંતિ માતા-પિતાના ચરણોમાં છે તેને વિશ્વમાં ભટકીને પામી ન શકાય. આ સિવાય કસ્તુરીની શોધમાં ફરતા મૃગનો ઉલ્લેખ કરાયો છે કે તેને ખબર જ નથી કે કસ્તુરીની સુગંધ તો તેની ડ્યુટીમાં જ છે.
જિલ્લા શિક્ષણાધિકારીનો પણ પરિપત્ર, વિવાદ
જિલ્લા શિક્ષણાધિકારી તરફથી પણ સુરતની તમામ 1500 સ્કૂલોમાં 14 ફેબ્રુઆરીએ માતૃપિતૃ પૂજનનો કાર્યક્રમ કરવા માટેનો પરિપત્ર કરાયો છે. તેનો કેટલાક આવકાર સાથે વિરોધ પણ કરી રહ્યાં છે. કેટલાક આગેવાનોનું કહેવું છે કે, શા માટે એક દિવસ માતા-પિતા પૂજન માટે જાહેર કરવામાં આવી રહ્યો છે. માતા-પિતા તો 365 દિવસ છે અને તેમની પૂજા તો રોજ જ કરવી જોઈએ. કેટલાક ધાર્મિક આગેવાન આ પરિપત્ર જો દબાણપૂર્વકનો હોય તો તેને ખોટા લેખાવે છે અને કહે છે કે માતા-પિતાનું પૂજન તો દરેક ધર્મોમાં અગ્રેસર છે અને તે રોજ જ થવું જોઈએ તેના માટે એક દિવસ માત્ર જાહેર ન કરી શકાય. હા પશ્ચિમી સંસ્કૃતિથી યુવાધન ન વેડફાય તેનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે. કેટલીક શાળા કહે છે કે પરિપત્રનો અમલ તો કરાશે પણ દરેક પરિવારમાં માતા-પિતા તો ભગવાન સમાન જ હોય છે. મુસ્લિમોમાં તો બાપને જન્નતનો દરવાજો અને માના પગના નીચે જન્નત લેખાવી છે.
(રાજા શેખ)

