- Gujarat
- કોણ છે ભારતીય ક્રિકેટર જેકબ માર્ટિન, જેણે નશામાં 3 કાર ઉડાવી? આવો રહ્યો છે રેકોર્ડ
કોણ છે ભારતીય ક્રિકેટર જેકબ માર્ટિન, જેણે નશામાં 3 કાર ઉડાવી? આવો રહ્યો છે રેકોર્ડ
મંગળવારે વહેલી સવારે વડોદરા પોલીસે નશામાં અને બેદરકારીથી વાહન ચલાવવાના આરોપમાં પૂર્વ ભારતીય ક્રિકેટર જેકબ માર્ટિનની ધરપકડ કરી હતી. પોલીસના જણાવ્યા અનુસાર, 53 વર્ષીય માર્ટિને પોતાની લક્ઝરી SUVથી 3 પાર્ક કરેલી કારોને ટક્કર મારી દીધી હતી, જેના કારણે વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ હતી.
આ ઘટના વડોદરા જિલ્લાના અકોટા વિસ્તારમાં પુનિત નગર સોસાયટી પાસે રાત્રે લગભગ 2:30 વાગ્યે બની હતી. પોલીસ અધિકારીઓએ જણાવ્યું હતું કે નશાની હાલતમાં ગાડી ચલાવી રહેલા જેકબ માર્ટિને વાહન પર કાબૂ ગુમાવ્યો હતો અને ઘરની બહાર પાર્ક કરેલી 3 કારને ટક્કર મારી દીધા હતી, જેના કારણે ખૂબ નુકસાન થયું હતું.
ક્ષતિગ્રસ્ત કારોના માલિકોની ફરિયાદના આધારે પૂર્વ ક્રિકેટર વિરુદ્ધ અકોટા પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતા (BNS)ની કલમો હેઠળ બેદરકારીથી વાહન ચલાવવાનો કેસ નોંધવામાં આવ્યો છે. કલાકોની પૂછપરછ બાદ જેકબ માર્ટિનની ધરપકડ કરવામાં આવી હતી.
PTIના અહેવાલ મુજબ, પોલીસે જેકબ માર્ટિનની MG હેક્ટર SUV જપ્ત કરી છે અને કેસની વધુ તપાસ ચાલી રહી છે. નોંધનીય છે કે જેકબ માર્ટિન ભારત માટે 10 વન-ડે રમી ચૂક્યો છે અને બરોડા રણજી ટીમનો કેપ્ટન પણ રહી ચૂક્યો છે. આ અગાઉ 2011માં, દિલ્હી પોલીસે માનવ તસ્કરીના કેસમાં તેની ધરપકડ કરી હતી.
માર્ટિન જેકબનો ક્રિકેટ રેકોર્ડ કેવો રહ્યો?
53 વર્ષીય માર્ટિન જેકબે ભારતીય ટીમ માટે માત્ર 10 વન-ડે ઇન્ટરનેશનલ મેચ રમી હતી, જેમાં તેણે 22.57ની સરેરાશથી 158 રન બનાવ્યા હતા. 138 ફર્સ્ટ-ક્લાસ મેચોમાં તેણે 46.65ની સરેરાશથી 9,192 રન બનાવ્યા હતા અને 10 વિકેટ લીધી છે. 101 લિસ્ટ-A મેચોમાં તેણે 39.30ની સરેરાશથી 2,958 રન બનાવ્યા છે અને 9 વિકેટ લીધી હતી. તો 2 T20 મેચોમાં 14 રન બનાવ્યા.

