- Gujarat
- શું ખૈલૈયાઓની રમઝટ બગાડશે વરસાદ? અંબાલાલ પટેલે 17 ઓક્ટોબર સુધીની કરી આગાહી, જાણો વરસાદને લઇને શું કહ...
શું ખૈલૈયાઓની રમઝટ બગાડશે વરસાદ? અંબાલાલ પટેલે 17 ઓક્ટોબર સુધીની કરી આગાહી, જાણો વરસાદને લઇને શું કહે છે હવામાન વિભાગ
ગુજરાતમાં ચોમાસાની વિદાયની ઘડીઓ ગણાઈ રહી છે ત્યારે રાજ્યમાં ગરમી અને વરસાદ એમ બંને પ્રકારનું વાતાવરણ જોવા મળી રહ્યું છે. ભાદરવાનો તાપ જાણે શરૂ થઈ ગયો હોય તેમ ગરમીની શરૂઆત થઈ ગઈ છે. એક તરફ કચ્છમાંથી ચોમાસાની વિદાયની શરૂઆત થઈ ચૂકી છે, તો બીજી તરફ બંગાળના ઉપસાગરમાં સર્જાયેલી સિસ્ટમને કારણે આગામી દિવસોમાં ગરમી વધવાની સાથે નવરાત્રી દરમિયાન વરસાદનું વિઘ્ન પણ આવી શકે છે. બંગાળની ખાડીમાં બનેલું ચક્રવાત અર્નબ 12 કિમી પ્રતિ કલાકની ઝડપે પશ્ચિમ દિશા તરફ આગળ વધ્યું છે. આ દરમિયાન હવામાન વિભાગ અને અંબાલાલ પટેલે ગુજરાતમાં આગામી દિવસોમાં વરસાદ કેવો રહેશે તેને લઇને આગાહી કરવામાં આવી છે.
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આગામી 24-30 સપ્ટેમ્બર દરમિયાન રાજ્યમાં વરસાદની ગતિવિધિમાં ધીમે-ધીમે ઘટાડો થવાની શક્યતા છે. જોકે, આ સમયગાળા દરમિયાન ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને રાજ્યના કેટલાક અન્ય વિસ્તારોમાં હળવાથી સામાન્ય વરસાદ વરસી શકે છે.
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, 24 અને 25 સપ્ટેમ્બરે સૌરાષ્ટ્ર, કચ્છ અનેઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વરસાદની શક્યતા નથી. જ્યારે રાજ્યના બાકીના વિસ્તારોમાં હળવાથી સામાન્ય વરસાદ થઈ શકે છે. આગામી દિવસોમાં વરસાદનું પ્રમાણ વધુ ઘટવાની શક્યતા છે અને ચોમાસાની વિદાયની પ્રક્રિયા આગળ વધશે. નોંધનીય છે કે, નૈઋત્યના ચોમાસાની વિદાયની રેખા ગુરદાસપુર, ચંદીગઢ, મુઝફ્ફરનગર, અલીગઢ, ધોલપુર, ઉદયપુર, ડીસા, નલિયા પરથી પસાર થઈ રહી છે. એટલે આ વિસ્તારમાંથી ચોમસાની વિદાય થઈ ગઈ છે.

આ દરમિયાન, બંગાળની ખાડીમાં બનેલું ડીપ ડિપ્રેશન 23 સપ્ટેમ્બરની રાત્રે અને 24 સપ્ટેમ્બરની વહેલી સવારે ઉત્તર આંધ્ર પ્રદેશના દરિયાકાંઠે કલિંગપટ્ટનમ નજીકથી પસાર થયું હતું. આ દરમિયાન સિસ્ટમની આસપાસ મહત્તમ પવનની ઝડપ 55થી 65 કિલોમીટર પ્રતિ કલાક રહી હતી, જ્યારે ઝાટકાની ઝડપ 75 કિલોમીટર પ્રતિ કલાક સુધી પહોંચી હતી.
ગુજરાત માટે આગામી 7 દિવસની આગાહીમાં કોઈપણ વિસ્તારમાં ગાજવીજ સાથેના વરસાદ માટે ખાસ ચેતવણી આપવામાં આવી નથી. એટલે કે, રાજ્યમાં ભારે વરસાદની પ્રવૃત્તિમાં ઘટાડો થવાની શક્યતા છે. ચોમાસાની વિદાય સાથે આગામી દિવસોમાં વરસાદનું પ્રમાણ અને વિસ્તાર બંનેમાં ઘટાડો જોવા મળી શકે છે.
હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી મુજબ, આગામી 24 કલાક દરમિયાન રાજ્યમાં ભારે ગરમીનો અનુભવ થશે. મધ્ય-ગુજરાત અને ઉત્તર ગુજરાતના ભાગોમાં તાપમાન 38 ડીગ્રી સેલ્સિયસ સુધી પહોંચી શકે છે. આ સિવાય દ્વારકા સહિતના દરિયાકાંઠાના વિસ્તારોમાં પણ પારો 38-40 ડીગ્રી સુધી જવાની શક્યતા છે. જોકે, 25 અને 26 તારીખ દરમિયાન ગરમીમાં થોડો ઘટાડો થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.
હાલમાં બંગાળના ઉપસાગરમાં એક અત્યંત મજબૂત સિસ્ટમ બની છે જે આગળ જતાં ડિપ્રેશનમાં ફેરવાઈ શકે છે. આ સિસ્ટમ વધુ તોફાની બનશે કે નહીં તેનો આધાર હવામાનની સ્થિતિ પર રહેશે. તેનો ઘેરાવો ઘણો મોટો હોવાથી દેશના દક્ષિણ-પૂર્વીય અને પૂર્વ ભારતના વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ પડશે. તેની અસર હેઠળ ગુજરાતમાં પણ પૂર્વ ગુજરાત, સૌરાષ્ટ્રના છૂટાછવાયા ભાગો અને ખાસ કરીને દક્ષિણ સૌરાષ્ટ્રમાં ભારે ગતિના વરસાદી ઝાપટાં પડી શકે છે.
અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર, 26 સપ્ટેમ્બરથી 5 ઓક્ટોબર વચ્ચે હસ્ત નક્ષત્રમાં રાજ્યના કેટલાક ભાગોમાં ગાજવીજ સાથે વરસાદ થઈ શકે છે. તેમાં પણ 3, 4 અને 5 ઓક્ટોબર દરમિયાન વરસાદની માત્રા થોડી વધુ રહેશે તથા 5 ઓક્ટોબરે દરિયામાં તેજ પવન ફૂંકાઈ શકે છે. ત્યારબાદ 10મી ઓક્ટોબરે સૂર્ય ચિત્રા નક્ષત્રમાં પ્રવેશ કરશે ત્યારે હવામાનમાં ફરી પલટો આવશે. ઓક્ટોબરની શરૂઆતમાં પણ મધ્ય ગુજરાત અને દરિયાકાંઠાના વિસ્તારોમાં ગરમીનું જોર યથાવત રહેશે.
અંબાલાલ પટેલે ખેલૈયાઓ માટે ચિંતાજનક સમાચાર આપતા જણાવ્યું છે કે, નવરાત્રીની શરૂઆતમાં વાતાવરણ વાદળછાયું રહેશે અથવા તો ક્યાંક વરસાદી છાંટા કે હળવો વરસાદ થઈ શકે છે. 16 ઓક્ટોબરે હવામાનમાં ફરી ફેરફાર થશે અને 17 ઓક્ટોબર એટલે કે છઠ્ઠી નવરાત્રીથી લઈને દશેરા સુધીના સમયગાળા દરમિયાન રાજ્યમાં ક્યાંક-ક્યાંક વરસાદ થવાની શક્યતા છે.
આગામી 7 દિવસ દરમિયાન સમગ્ર ગુજરાત રીજિયનમાં સામાન્યથી મધ્યમ વરસાદી માહોલ રહેશે. આ સિવાય આગામી ૩ દિવસ સૌરાષ્ટ્રમાં સામાન્ય વરસાદ તેમજ આજે દક્ષિણ ગુજરાતમાં થંડરસ્ટોમની ચેતવણી આપવામાં આવી છે. બીજી તરફ, કચ્છના અમુક વિસ્તારોમાં ચોમાસાની વિદાય પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે અને ત્યાં હવામાન સૂકું બન્યું છે.

ગુજરાતમાં અત્યાર સુધી વરસાદની વાત કરીએ તો સીઝનનો 89.14 ટકા વરસાદ નોંધાયો છે. જોકે કચ્છ, ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં હજુ પણ વરસાદની ભારે ઘટ છે. દક્ષિણ ગુજરાતમાં સીઝનનો 114. 21 ટકા વરસાદ નોંધાઈ ચૂક્યા છે. જ્યારે પૂર્વ-મધ્ય ગુજરાતમાં 89.67 ટકા વરસાદ નોંધાયો છે. કચ્છમાં 57 ટકા વરસાદ નોંધાતા હજુ 43 ટકા વરસાદની ઘટ છે. જ્યારે ઉત્તર ગુજરાતમાં 71 ટકા અને સૌરાષ્ટ્રમાં 71 ટકા વરસાદ નોંધાતા હજુ 29 ટકા વરસાદની ઘટ છે.

