હવામાન વિભાગ અને હવામાન નિષ્ણાંતોએ જણાવ્યું- ગુજરાતમાં આગામી દિવસોમાં કેવો રહેશે વરસાદી માહોલ

ભારતીય હવામાન વિભાગે શરૂઆતમાં કહ્યું હતું કે આ વર્ષે દેશમાં ચોમાસું સામાન્ય કરતા નબળું રહેશે અને પરિસ્થિતિ પણ એવી દેખાઈ રહી છે. પરંતુ ગુજરાતમાં ચોમાસાની વિદાય પહેલાં આવેલા વરસાદે ખેડૂતોને આંશિક રાહત આપી છે. જે વિસ્તારોમાં વરસાદ ઓછો હતો ત્યાં વરસાદ થતા ખેડૂતોને રાહત થઈ છે.

દક્ષિણ ગુજરાતમાં આ વખતે સૌથી વધુ વરસાદ પડ્યો છે. હજુ પણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં જોઈએ એટલે વરસાદ પડ્યો નથી. ખાસ કરીને કચ્છ અને સૌરાષ્ટ્રના જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર અને ગીર સોમનાથના કેટલાક તાલુકામાં હજુ પણ વરસાદની ઘટ છે. છેલ્લા કેટલાક દિવસથી ગુજરાતમાં સમયાંતરે વિવિધ વિસ્તારોમાં વરસાદ પડી રહ્યો છે. અમદાવાદમાં પણ આજે વહેલી સવારથી કેટલાક વિસ્તારોમાં ધોધમાર વરસાદ શરૂ થયો છે અને કેટલાક વિસ્તારોમાં પાણી પણ ભરાયાં છે.

ભાવનગરમાં વહેલી સવારે વરસાદી ઝાપટું પડ્યું છે. તો સુરેન્દ્રનગર જિલ્લામાં ગત મોડી સાંજથી હળવાં વરસાદી ઝાપટાં પડી રહ્યા છે. તો મોડાસામાં પણ વરસાદ પડી રહ્યો છે. તો આગામી દિવસોમાં પણ ગુજરાતમાં કેટલાક વિસ્તારોમાં વરસાદની આગાહી છે.

04

ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસથી વરસાદી માહોલ વચ્ચે હવે વરસાદની તીવ્રતા ધીમે ધીમે ઘટવાની શક્યતા છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ, 19 સપ્ટેમ્બર આસપાસ પશ્ચિમ રાજસ્થાનના કેટલાક ભાગોમાંથી દક્ષિણ-પશ્ચિમ ચોમાસાની વિદાય માટે સ્થિતિ અનુકૂળ બની રહી છે. આજથી 24મી સપ્ટેમ્બર સુધીમાં વરસાદની સ્થિતિ યથાવત્ રહેવાની શક્યતા છે. આ સાથે બે દિવસ મેઘગર્જનાની પણ આગાહી આપવામાં આવી છે. તો હવામાન નિષ્ણાંત અંબેલાલ પટેલે પણ વરસાદને લઇને આગાહી કરી છે. પહેલા હવામાન વિભાગની આગાહી પર નજર કરીએ.

BBC ગુજરાતીના અહેવાલ મુજબ, હવામાન વિભાગે આગામી 7 દિવસ રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે. તો 30-40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે અને પવનની દિશા દક્ષિણ પશ્ચિમથી પશ્ચિમ તરફની રહેશે. હવામાન વિભાગ મુજબ રાજ્યમાં લો પ્રેશર અને મોન્સૂન ટ્રફ સક્રિય હોવાથી વિવિધ વિસ્તારોમાં વરસાદી સિસ્ટમની અસર જોવા મળી શકે છે. ખાસ કરીને આજે દ્વારકા, જામનગર, પોરબંદર, જૂનાગઢ અને રાજકોટ જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જ્યારે આગામી 48 કલાક દરમિયાન રાજ્યના કેટલાક વિસ્તારોમાં થન્ડરસ્ટોર્મ સાથે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.

03

હવામાન વિભાગ અનુસાર, 19 સપ્ટેમ્બર, 2026ની આસપાસ પશ્ચિમ રાજસ્થાનના કેટલાક ભાગોમાંથી નૈઋત્યના ચોમાસાની વિદાય માટેની પરિસ્થિતિ અનુકૂળ બની રહી છે.  19 સપ્ટેમ્બરે દક્ષિણ ગુજરાતમાં સુરત, વડોદરા, ભરૂચ, છોટા ઉદેપુર, નર્મદા, ડાંગ, તાપી, નવસારી, વલસાડ અને દમણ, દાદરા અને નગરહવેલીમાં ઘણાં સ્થળોએ વરસાદ પડી શકે છે. ઉત્તર ગુજરાતના આણંદ, પંચમહાલ, દાહોદ અને મહીસાગરમાં ઘણાં સ્થળોએ અને બનાસકાંઠા, વાવ-થરાદ, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ કેટલાંક સ્થળોએ વરસાદની આગાહી છે.

સૌરાષ્ટ્રમાં સુરેન્દ્રનગર, અમરેલી, ભાવનગર, બોટાદ, ગીર સોમનાથ અને દીવમાં કેટલાંક સ્થળોએ અને રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, દ્વારકા, મોરબી અને કચ્છ છૂટાંછવાયાં સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે.

20 સપ્ટેમ્બરે પણ ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ અને મહીસાગરમાં ઘણાં સ્થળોએ વરસાદની શક્યતા છે. તો બનાસકાંઠા, વાવ-થરાદ, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી કેટલાંક સ્થળોએ અને દક્ષિણ ગુજરાત પ્રદેશના તમામ જિલ્લાઓ સુરત, વડોદરા, ભરૂચ, છોટા ઉદેપુર, નર્મદા, ડાંગ, તાપી, નવસારી, વલસાડ અને દમણ, દાદરા અને નગરહવેલીમાં ઘણાં સ્થળોએ વરસાદનું અનુમાન છે.

સૌરાષ્ટ્ર-કચ્છના તમામ જિલ્લાઓ જેમ કે સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, અમરેલી, પોરબંદર, જૂનાગઢ, દ્વારકા, ગીર સોમનાથ, ભાવનગર, મોરબી, બોટાદ, કચ્છ અને દીવમાં છૂટાંછવાયાં સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે.

આ સિવાય આગામી દિવસોમાં પણ ગુજરાતમાં વરસાદનું જોર રહે તેવી શક્યતા છે. એટલે કે આગામી હજુ બે-ત્રણ દિવસ સુધી હવામાન વિભાગની આગાહી પ્રમાણે ગુજરાતના કેટલાક વિસ્તારોમાં છૂટોછવાયો વરસાદ પડી શકે છે.

દિવ્યભાસ્કરના અહેવાલ મુજબ હવામાન વિભાગના ડિરેક્ટર ડૉ. એ.કે. દાસે જણાવ્યું હતું કે, રાજ્યમાં આજે અને આવતીકાલે ગાજવીજ સાથે વરસાદની આગાહી છે. કેટલાક વિસ્તારમાં વરસાદી ઝાપટા અને કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ પડી શકે છે. જ્યારે અમદાવાદમાં આજે 6.5થી 11.5 સેન્ટીમીટર(2.55 ઈંચથી 4.52 ઈંચ) વરસાદ વરસી શકે છે. વરસાદી સિસ્ટમની વાત કરીએ તો અત્યારે અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન ઉત્તર ગુજરાતની આસપાસ બનેલું છે, જે આવતીકાલે લો પ્રેશર સિસ્ટમમાં કન્વર્ટ થશે. અત્યારે એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ટ્રફના સ્વરૂપમાં સક્રિય છે.

02

TV9 ગુજરાતીના અહેવાલ મુજબ, હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગામી સમય માટે વિગતવાર વરસાદની આગાહી કરી છે. તેમની આગાહી મુજબ, આગામી 12 કલાકમાં સમગ્ર ગુજરાતમાં વરસાદની વકી છે, જે રાજ્યના વિવિધ વિસ્તારોમાં હળવાથી ભારે સ્વરૂપમાં વરસી શકે છે.

ખાસ કરીને મધ્ય ગુજરાતમાં અત્યંત ભારે વરસાદ થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. રાજ્યના મુખ્ય શહેરો અમદાવાદ અને ગાંધીનગરમાં પણ ભારે વરસાદની સંભાવના છે. અમદાવાદના કેટલાક ભાગોમાં તો પાંચ ઇંચથી વધુ વરસાદ નોંધાઈ શકે છે તેવી સંભાવના પણ પટેલે વ્યક્ત કરી છે, જે ચિંતાનો વિષય છે. આ પ્રકારના ભારે વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારોમાં જળભરાવની ગંભીર સ્થિતિ સર્જાઈ શકે છે.

જનતાને આ પરિસ્થિતિમાં અત્યંત કાળજી રાખવા અને સલામતીના પગલાં લેવા અપીલ કરવામાં આવી છે. લોકોને પાણી ભરાયેલા વિસ્તારોમાં જવાથી બચવા અને વીજળીના કડાકા-ભડાકા સાથે વરસાદ થવાની શક્યતા હોવાથી વીજળી પડવાના જોખમથી સાવચેત રહેવા જણાવાયું છે. ખાસ કરીને ઝાડ નીચે કે વીજળીના થાંભલા નીચે ઉભા ન રહેવાની સલાહ આપવામાં આવી છે, કારણ કે આવા સમયે તે જોખમી સાબિત થઈ શકે છે. માલધારીઓએ પણ પોતાના પશુઓની સંભાળ રાખવા અને તેમને સુરક્ષિત સ્થળોએ ખસેડવા માટે ધ્યાન રાખવું પડશે.

આગામી 24 કલાક દરમિયાન રાજ્યના અન્ય ભાગોમાં પણ વરસાદની શક્યતા છે. સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારો જેવા કે દ્વારકા, જામનગર અને પોરબંદરમાં સારો વરસાદ વરસી શકે છે. ઉત્તર ગુજરાતના પાટણ, સમી, હારીજ અને બનાસકાંઠામાં પણ વરસાદ થવાની સંભાવના છે. સાબરકાંઠાના કેટલાક ભાગોમાં ભારે વરસાદ થઈ શકે છે, જ્યારે અરવલ્લી અને પંચમહાલમાં હળવાથી ભારે વરસાદની વકી કરાઈ છે. ઉત્તર ગુજરાતના કડી, કલોલ, મહેસાણા, માણસા, પ્રાંતિજ અને હિંમતનગર જેવા વિસ્તારોમાં પણ વરસાદી માહોલ જોવા મળશે.

અંબાલાલ પટેલે લાંબા ગાળાની આગાહી કરતા જણાવ્યું છે કે, 26 સપ્ટેમ્બરથી 5 ઓક્ટોબર સુધી ગાજવીજ સાથે વરસાદી માહોલ રહી શકે છે. નવરાત્રિના પ્રારંભથી લઈને દશેરા સુધીના સમયગાળામાં પણ ગુજરાતના કેટલાક ભાગોમાં વરસાદની શક્યતા છે. ઓક્ટોબર મહિનામાં પણ ગાજવીજ સાથે વરસાદ થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. નવરાત્રિની શરૂઆતમાં, મધ્યમાં અને દશેરા સુધી ક્યાંક ક્યાંક વરસાદ જોવા મળી શકે છે.

આ ઉપરાંત, 5 ઓક્ટોબરની આસપાસ પવન ફૂંકાવાની શક્યતા છે, અને 17 ઓક્ટોબરની આસપાસ દરિયાકાંઠાના વિસ્તારોમાં પવનની ગતિમાં વધારો જોવા મળી શકે છે. ઇન્ડિયન ઓશન ડાયપોલ (IOD) પોઝિટિવ થવાના કારણે પણ વરસાદ થવાની શક્યતા તેમણે વ્યક્ત કરી છે. આ બધી આગાહીઓ રાજ્યના ખેડૂતો અને સામાન્ય જનતા માટે ખૂબ જ મહત્વપૂર્ણ સાબિત થશે.

ગુજરાત સમાચારના અહેવાલ મુજબ, હવામાન વિભાગના વૈજ્ઞાનિક રામાશ્રય યાદવના જણાવ્યા અનુસાર, સૌરાષ્ટ્ર અને તેને અડીને આવેલા ઉત્તર-પૂર્વ અરબી સમુદ્ર પર બનેલા લો-પ્રેશર અને મોન્સૂન ટ્રફના કારણે રાજ્યમાં વરસાદી માહોલ છે. દેવભૂમિ દ્વારકા, જામનગર, પોરબંદર, જૂનાગઢ અને રાજકોટમાં ભારે વરસાદ માટે 'યલો એલર્ટ' અને દરિયાકાંઠે 30 થી 40 km/h અને ગસ્ટી પવન 50 km/h સુધી ફુંકાવાની શક્યતાને પગલે માછીમારોને દરિયો ન ખેડવા સૂચના અપાઈ છે.

ચોમાસાની વર્તમાન પરિસ્થિતિ અંગે તેમણે ઉમેર્યું કે, 1 જૂનથી 17 સપ્ટેમ્બર સુધીમાં સમગ્ર ગુજરાતમાં સરેરાશ 24.09 ઈંચ વરસાદ નોંધાયો છે, જે સામાન્ય 26.38 ઈંચની સરખામણીએ 9% ઓછો છે. જોકે, ગુજરાત રીજનમાં 35.38 ઈંચ વરસાદ થયો છે, જે સામાન્ય 34.49 ઈંચ કરતાં 3% વધુ છે, જ્યારે સૌરાષ્ટ્ર-કચ્છ વિસ્તારમાં 15.19 ઈંચ વરસાદ થયો છે, જે સામાન્ય 19.90 ઈંચની સામે 24% ઓછો નોંધાયો છે.

રાજ્યમાં અત્યાર સુધીમાં સીઝનનો કુલ 616.8 મીમી (24.28 ઈંચ) વરસાદ નોંધાયો છે. જો કે 673.9 મીમી (26.53 ઈંચ) સામાન્ય હોવો જોઈએ. એટલે કે સામાન્ય કરતા 8 ટકા વરસાદ ઓછો છે.

ગુજરાતમાં છેલ્લા 24 કલાક દરમિયાન અનેક વિસ્તારોમાં વરસાદ નોંધાયો છે. ગુરુવાર સવારના 6 વાગ્યાથી શુક્રવાર સવારના 6 વાગ્યા સુધી રાજ્યના 32 જિલ્લાના 151 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. આ દરમિયાન સૌથી વધુ વરસાદ મોરબી જિલ્લાના માળિયા તાલુકામાં 131 મીમી નોંધાયો છે. રાજ્યમાં ચાલુ ચોમાસાની સિઝનમાં અત્યાર સુધીમાં સરેરાશ 85.79 ટકા વરસાદ નોંધાઈ ચૂક્યો છે. જ્યારે સપ્ટેમ્બર મહિનામાં અત્યાર સુધીમાં 94 ટકા વરસાદ નોંધાયો છે. દક્ષિણ ગુજરાતમાં અત્યાર સુધીમાં સૌથી વધુ 112 ટકા વરસાદ નોંધાયો છે.

ચાલુ ચોમાસામાં અત્યાર સુધીના વરસાદની સ્થિતિ જોઈએ સૌથી વધું વરસાદ દક્ષિણ ગુજરાતમાં રહ્યો છે. દક્ષિણ ગુજરાતમાં 112 ટકા વરસાદ નોંધાયો છે. આ આંકડા પ્રમાણે દક્ષિણ ગુજરાતમાં સીઝનનો વરસાદ સામાન્ય કરતા વધુ રહ્યો છે, જ્યારે અન્ય કેટલાક વિસ્તારોમાં હજુ વરસાદની ઘટ જોવા મળી રહી છે. કચ્છમાં 57 ટકા, ઉત્તર ગુજરાતમાં 66 ટકા, મધ્ય-પૂર્વ ગુજરાતમાં 85 ટકા, સૌરાષ્ટ્રમાં 66 ટકા વરસાદ નોંધાયો છે.

About The Author

Related Posts

Top News

નર્મદા જિલ્લાના ડેડિયાપાડાની આશ્રમશાળાના 11 બાળકો અચાનક ધુણવા લાગ્યા

નર્મદાના ડેડિયાપાડા તાલુકાની મોસ્કુટ આશ્રમશાળામાં ચોંકાવનારી ઘટના સામે આવી છે. અહીં અચાનક 11 બાળકો ધુણવા લાગતા શાળા પરિસરમાં અફરાતફરીનો માહોલ...
Gujarat 
નર્મદા જિલ્લાના ડેડિયાપાડાની આશ્રમશાળાના 11 બાળકો અચાનક ધુણવા લાગ્યા

કોંગ્રેસના ઉમેદવારને સમર્થન આપ્યું તો તેની ધરપકડ થઈ જતા મમતા બેનર્જીએ કહ્યું- શું તમે આ દેશમાં સરમુખત્યારશાહી ઈચ્છો છો કે લોકશાહી?

નંદીગ્રામથી કોંગ્રેસના ઉમેદવાર મિલન પ્રધાનની ધરપકડ કરવામાં આવી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, આ ધરપકડ હત્યાના એક જૂના કેસ સાથે...
Politics 
કોંગ્રેસના ઉમેદવારને સમર્થન આપ્યું તો તેની ધરપકડ થઈ જતા મમતા બેનર્જીએ કહ્યું- શું તમે આ દેશમાં સરમુખત્યારશાહી ઈચ્છો છો કે લોકશાહી?

ફાર્મા કંપનીના MDએ કહ્યું 'અમે UPIથી પેમેન્ટ લેવાનું ઓછું કરી નાખીશું...'; MDRથી 1.20 કરોડનું અમને નુકસાન થશે!

UPI સંબંધિત નવા ચાર્જ કેટલાક વ્યવસાયો માટે ચિંતાનું કારણ બન્યા છે. આનાથી ખાસ કરીને ઓછા માર્જિન ધરાવતા વ્યવસાયો પ્રભાવિત થશે...
Business 
ફાર્મા કંપનીના MDએ કહ્યું 'અમે UPIથી પેમેન્ટ લેવાનું ઓછું કરી નાખીશું...'; MDRથી 1.20 કરોડનું અમને નુકસાન થશે!

ચૂંટણી પંચ મમતા બેનર્જીની પાછળ કેમ પડી ગયું છે? બચેલી કસર ભાજપ પૂરી કરી રહ્યું છે

પશ્ચિમ બંગાળમાં નંદીગ્રામ વિધાનસભા પેટાચૂંટણીએ મોટો રાજકીય વળાંક લીધો છે. મમતા બેનર્જીએ જાહેરાત કરી છે કે તેમનું ગ્રુપ નંદીગ્રામમાં કોંગ્રેસના...
National 
ચૂંટણી પંચ મમતા બેનર્જીની પાછળ કેમ પડી ગયું છે? બચેલી કસર ભાજપ પૂરી કરી રહ્યું છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.