- Gujarat
- આ અમદાવાદની જીગીષાએ 2.43 કરોડનું કરી નાખ્યું, 20% રિટર્ન આપવાનું કહેતી અને...
આ અમદાવાદની જીગીષાએ 2.43 કરોડનું કરી નાખ્યું, 20% રિટર્ન આપવાનું કહેતી અને...
જીગીષા જાદવ નામની એક મહિલાને અમદાવાદ ચાંદખેડા પોલીસે છેતરપિંડીના કેસમાં ઝડપી લીધી છે. રજિસ્ટ્રેશન વગર “ગ્રો મની” નામની કંપની મહિલાએ શરૂ કરી હતી અને ઊંચા વળતરની લાલચ આપી રોકાણકારો પાસેથી રૂપિયા એકત્ર કર્યા હતા. માત્ર ચાંદખેડામાં જ 37 લોકો પાસેથી 2 કરોડ 43 લાખથી વધુની છેતરપિંડી થઈ હોવાનું બહાર આવ્યું છે.
આરોપી મહિલાએ લોકોને શેર માર્કેટમાં 20થી 23 ટકા સુધીનું વળતર આપવાની ખાતરી આપી હતી. પરંતુ વચન મુજબ પૈસા પાછા ન મળતા પીડિત લોકો પોલીસ સુધી પહોંચ્યા.
તપાસ દરમિયાન ખુલ્યું કે જીગીષા જાદવ અગાઉ શિક્ષિકા હતી અને બાદમાં શેર માર્કેટ સંબંધિત કંપનીમાં કામ કરતી હતી. હાલ તેની સામે સી.આઈ.ડી. ક્રાઈમમાં 6 કરોડની અરજી તેમજ વેજલપુર પોલીસ સ્ટેશનમાં 25 લાખની છેતરપિંડીનો કેસ પણ નોંધાયો છે.
આરોપણ છે કે આ મહિલાએ ઠગાઈ કરીને મેળવેલા રૂપિયાથી અમદાવાદ અને સુરતમાં મકાન, જમીન તથા લાખોના દાગીના ખરીદ્યા છે. ઉપરાંત, તેણે 50 લાખ રૂપિયા પોતાના ભાઈના ખાતામાં ટ્રાન્સફર કર્યા હોવાનું પણ સામે આવ્યું છે.
હવે પોલીસે તપાસ શરૂ કરી છે કે આ ફ્રોડના પૈસા અન્ય ક્યાં-ક્યાં ટ્રાન્સફર કરાયા અને શું આમાં અન્ય કોઈ લોકો પણ સંડોવાયેલા છે કે નહીં. આ અંગે વધુ વિગતો બહાર લાવવા માટે પોલીસે રિમાન્ડની પ્રક્રિયા હાથ ધરી છે.

