- Health
- મધ્ય ગુજરાતમાં ચાંદીપુરા વાયરસથી બાળકોએ જીવ ગુમાવ્યા, જાણી આ વાયરસ વિશે તમામ માહિતી
મધ્ય ગુજરાતમાં ચાંદીપુરા વાયરસથી બાળકોએ જીવ ગુમાવ્યા, જાણી આ વાયરસ વિશે તમામ માહિતી

મધ્ય ગુજરાતના પંચમહાલ અને દાહોદ જિલ્લામાં શંકાસ્પદ “સેન્ડફ્લાય” દ્વારા ફેલાતા ચાંદીપુરા વાયરસે ભયજનક હાહાકાર મચાવ્યો છે. ખાસ કરીને 14 વર્ષની નીચેના બાળકોમાં જોવા મળતા આ વાયરસના કારણે છેલ્લા 15 દિવસમાં 15 જેટલા કેસ નોંધાયા છે, જેમાંથી 8 બાળકોના મૃત્યુ થયા છે. ડોક્ટરોના જણાવ્યા પ્રમાણે, વાયરસથી પીડિત બાળકોમાં 60 ટકા મોતનું પ્રમાણ નોંધાયું છે, જે ચિંતાજનક છે.
મોટાભાગના દર્દીઓ વડોદરાની સયાજી હોસ્પિટલમાં દાખલ થયા છે, જ્યાં 8 વર્ષની નીચેના બાળકો બેભાન અથવા ગંભીર લક્ષણો સાથે લાવવામાં આવ્યા હતા. હાલમાં હોસ્પિટલમાં ત્રણ બાળકો સારવાર હેઠળ છે, જેમાંથી બે PICUમાં છે અને એકને સામાન્ય વોર્ડમાં ખસેડવામાં આવ્યો છે. ડૉ. ઓમપ્રકાશ શુક્લના જણાવ્યા પ્રમાણે, તપાસ માટે દર્દીઓના બ્લડ અને સીરમ સેમ્પલ ગાંધીનગર મોકલાયા છે.

ચાંદીપુરા વાયરસ, જેને વૈજ્ઞાનિક રીતે "વાયરલ એન્સેફાલાઇટિસ" કહેવાય છે,રેતીની માખીઓ એટલે કે સેન્ડફ્લાય દ્વારા ફેલાય છે. આ માખીઓ ખાસ કરીને ગરમ અને ભેજવાળી આબોહવામાં સક્રિય રહે છે. વાયરસના પ્રારંભિક લક્ષણોમાં વધુ પડતો તાવ, માથું દુખાવું, ઉલટી-ઝાડા, શરદી-ખાંસી અને ભારે સ્થિતિમાં ભાન ગુમાવવું કે ખેંચ આવવી સમાવિષ્ટ છે.
પરિસ્થિતિની ગંભીરતાને જોતા, હાલ પુણે અને પોંડિચેરીથી નિષ્ણાંતોની ખાસ ટીમો તપાસ માટે પંચમહાલ જિલ્લાઓમાં આવી છે. આઈસીએમઆરની ટીમો દ્વારા દર્દીના ઘર અને આસપાસના વિસ્તારમાંથી સેન્ડફ્લાય તથા માનવ નમૂનાઓ લેવામાં આવી રહ્યા છે અને વિસ્તૃત અભ્યાસ હાથ ધરાયો છે.

સાવચેત રહેવા ડોક્ટરોની સલાહ:
ઘરની આસપાસ સ્વચ્છતા જાળવવી
પાણીનો ભરાવો ન થવા દો, કચરો દૂર કરો
ઘરો અને પશુઓના નિવાસસ્થાન નજીક જંતુનાશકોનો છંટકાવ કરો
બાળકોને ફૂલ સ્લીવના કપડાં પહેરાવો
રીપેલન્ટ ક્રીમ કે લોશનનો ઉપયોગ કરો
રાત્રે મચ્છરદાનીનો ઉપયોગ જરૂરી
ડોક્ટરો જણાવી રહ્યા છે કે હાલ ગભરાવાની નહિ, પરંતુ સાવધાની રાખવાની જરૂર છે. જો બાળકોમાં તાવ, ઉલટી, ભાન ગુમાવાનું કે અન્ય અસામાન્ય લક્ષણો દેખાય તો તરત નજીકની હોસ્પિટલમાં લઈ જવા સલાહ આપવામાં આવી છે.