- Health
- હાર્ટ ઍટેકના વધી રહેલા કેસ, શું તેનું કારણ કોરોના રસી છે? ICMR-AIIMSની સ્ટડીમાં મોટો ખુલાસો
હાર્ટ ઍટેકના વધી રહેલા કેસ, શું તેનું કારણ કોરોના રસી છે? ICMR-AIIMSની સ્ટડીમાં મોટો ખુલાસો
છેલ્લા કેટલાક સમયથી દેશભરમાં હાર્ટ એટેકથી મૃત્યુના ઘણા કિસ્સાઓ જોવા મળી રહ્યા છે. આવી સ્થિતિમાં, એવી ચર્ચા ચાલી રહી છે કે યુવાનોમાં હાર્ટ એટેકથી થતા મૃત્યુ કોવિડ 19 રસી સાથે સંબંધિત છે. હવે, કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયે આ વાતની પુષ્ટિ કરી છે અને કહ્યું છે કે, ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR) અને ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ (AIIMS) દ્વારા હાથ ધરવામાં આવેલા એક અભ્યાસમાં જાણવા મળ્યું છે કે, કોવિડ 19 રસીઓ અને યુવાનોમાં હાર્ટ એટેક સહિત અચાનક મૃત્યુ વચ્ચે કોઈ સંબંધ નથી.
કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયનું કહેવું છે કે આ મૃત્યુનું કારણ જાણવા માટે, ICMR અને નેશનલ સેન્ટર ફોર ડિસીઝ કંટ્રોલ (NCDC)એ મળીને 2 અલગ-અલગ સંશોધન કર્યા. આ અંગે એક સંશોધન જૂના ડેટાના આધારે કરવામાં આવ્યું હતું. જ્યારે, બીજો અભ્યાસ હજુ ચાલુ છે.
ICMRના નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ એપિડેમિઓલોજી (NIE)એ મે-ઓગસ્ટ 2023 વચ્ચે સંશોધન હાથ ધર્યું હતું, જેમાં 19 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની કુલ 47 મોટી હોસ્પિટલોમાંથી ડેટા લેવામાં આવ્યો હતો. આ અભ્યાસમાં 18-45 વર્ષની વયના એવા પુખ્ત વયના લોકોનો સમાવેશ કરવામાં આવ્યો હતો, જેઓ પહેલા સંપૂર્ણપણે સ્વસ્થ દેખાતા હતા, પરંતુ ઓક્ટોબર 2021-માર્ચ 2023 વચ્ચે અચાનક મૃત્યુ પામ્યા હતા. આ સંશોધનનું પરિણામ એ આવ્યું કે COVID 19 રસી લેવાથી અચાનક મૃત્યુનું જોખમ વધ્યું નથી.
આ બાબતે AIIMS દિલ્હી દ્વારા બીજો એક અભ્યાસ હાથ ધરવામાં આવી રહ્યો છે, જેમાં યુવાનોમાં અચાનક મૃત્યુનું વાસ્તવિક કારણ શોધવામાં આવી રહ્યું છે. પ્રારંભિક અહેવાલોમાં જાણવા મળ્યું છે કે, હાર્ટ એટેકને કારણે આવા મૃત્યુ ખૂબ જ સામાન્ય છે. આ ઉપરાંત, ઘણા કિસ્સાઓમાં, ક્રોનિક રોગો અને આનુવંશિક કારણો પણ આનું કારણ બની રહ્યા છે. સંશોધનમાં જાણવા મળ્યું છે કે, છેલ્લા કેટલાક વર્ષોમાં અચાનક મૃત્યુના કારણોમાં કોઈ મોટો ફેરફાર થયો નથી.
ICMR અને AIIMSનો આ અભ્યાસ કર્ણાટકના CM સિદ્ધારમૈયાના તે નિવેદનના એક દિવસ પછી જાહેર કરવામાં આવ્યો છે, જેમાં તેમણે કહ્યું હતું કે, કોરોના રસીની ઉતાવળમાં મંજૂરી અને વિતરણ રાજ્યમાં યુવાનોના અચાનક મૃત્યુનું કારણ હોઈ શકે છે. તેમણે કોરોના રસીની સંભવિત આડઅસરોનો અભ્યાસ કરવા માટે એક પેનલની રચનાની પણ જાહેરાત કરી હતી.

