રાજકોટના ધીરેન્દ્ર શાસ્ત્રીના દરબારમાં બાબાએ હુંકાર કર્યો ને લોકો ધૂણવા લાગ્યા, વીડિયો વાયરલ
બાગેશ્વરધામના પીઠાધીશ્વર ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી ફરી એકવાર વિવાદમાં આવી ગયા છે. તાજેતરમાં જ રાજકોટમાં તેમનો 'દિવ્ય દરબાર' યોજાયો હતો. આ દરમિયાનના કેટલાક ચોંકાવનારા દૃશ્યો સામે આવ્યા છે, જેમાં સાર્વજનિક રીતે અંધશ્રદ્ધાને પ્રોત્સાહન અપાતું હોવાનો આક્ષેપ થઈ રહ્યો છે. દિવ્ય દરબારના નામે ભૂત-પ્રેત ભગાડવાના દાવાઓ અને તેના કારણે સર્જાયેલી સ્થિતિના વીડિયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યા છે, જેણે ભારે ચર્ચા જાગાવી છે.
દિવ્યભાસ્કરના અહેવાલ મુજબ, વાયરલ થયેલા વીડિયો અને ઘટનાની વિગતો મુજબ, દિવ્ય દરબાર દરમિયાન ધીરેન્દ્ર શાસ્ત્રીએ મંચ પરથી કોઈ આહ્વાન કે હુંકાર કર્યો હતો. ત્યારબાદ દરબારમાં હાજર લોકોમાં અચાનક કેટલાક લોકો 'ધૂણવા' લાગ્યા હતા. આ દરમિયાન એક મહિલા પર 'પ્રેત' આવ્યું હોવાના નામે તે ઉગ્રતાથી ધૂણવા લાગી હતી. જોત-જોતામાં આ મહિલાએ ત્યાં હાજર અન્ય લોકો પર હુમલો કરી દીધો હતો.
https://twitter.com/nirbhaynews1/status/2063838327825199412?s=20
એવા આક્ષેપો થઈ રહ્યા છે કે દરબારમાં કાયદો-વ્યવસ્થા જોખમાય એવી સ્થિતિ સર્જાઈ હતી અને લોકો અંદરોઅંદર ધૂણીને આક્રમક થઈ રહ્યા હોવા છતા મંચ પરથી ધીરેન્દ્ર શાસ્ત્રી આ સમગ્ર ઘટનાક્રમ મૂકપ્રેક્ષક બનીને જોતા રહ્યા હતા. સૌરાષ્ટ્રના અગ્રણી સહકારી અને પાટીદાર આગેવાન પુરષોત્તમભાઈ પીપળીયાએ બાગેશ્વરધામના ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી સામે ફરી એકવાર સોશિયલ મીડિયા પર આક્રમક પોસ્ટ કરીને ખુલ્લો પડકાર ફેંક્યો છે. રાજકોટમાં યોજાયેલા દિવ્ય દરબાર બાદ ધીરેન્દ્ર શાસ્ત્રીએ કથા પૂરી કરીને જાહેરમાં અનેક લોકોને ધુણાવ્યા હોવાના દૃશ્યો સામે આવ્યા બાદ વિવાદ વકર્યો છે.
https://twitter.com/nirbhaynews1/status/2063882451404144985?s=20
આ ઘટનાના સંદર્ભમાં પુરુષોત્તમભાઈ પીપળીયાએ બાબાનું નામ લઈને સીધી ચેલેન્જ આપતા લખ્યું છે કે, જો તેમનામાં તાકાત હોય તો તેઓ પોતાની પસંદગીના મીડિયા હાઉસમાં આવીને 'મોરે મોરો' (સામસામે) ચર્ચા કરે અને જો તેઓ ચર્ચામાં 'ડાયપર' ન બગાડી નાખે તો કહેજો. અગાઉ પણ બાબા બાગેશ્વર ખુલ્લેઆમ અંધશ્રદ્ધા ફેલાવતા હોવાના ગંભીર આરોપો લગાવી ચૂકેલા પીપળીયાએ ગઈકાલે દિવ્ય દરબારમાં ભૂત-પિશાચના નામે લોકોને ધુણાવવાની કથિત ઘટનાને આકરા શબ્દોમાં વખોડી કાઢી છે.
https://twitter.com/growthnownews/status/2063838132785893794?s=20
ધીરેન્દ્ર શાસ્ત્રીના આ કથિત ચમત્કારો અને દિવ્ય દરબાર સામે સ્થાનિક સ્તરેથી વિરોધનો સૂર ઉઠ્યો છે. જયંત પંડ્યા અને સામાજિક અગ્રણી પુરુષોત્તમ પીપળીયાએ આ મામલે સીધો મોરચો માંડ્યો છે. તેમણે જાહેર કર્યું છે કે, ધીરેન્દ્ર શાસ્ત્રી દિવ્ય દરબારના ઓઠા હેઠળ લોકોની સંવેદનાઓ સાથે રમત રમી રહ્યા છે અને સરેઆમ અંધશ્રદ્ધાનો પ્રચાર કરી રહ્યા છે. આ પ્રકારના કૃત્યો સમાજને પાછળ ધકેલનારા છે. આ વિવાદ હવે આગામી દિવસોમાં વધુ વકરે એવી શક્યતાઓ દેખાઈ રહી છે.
21મી સદીમાં વિજ્ઞાન અને ટેક્નોલોજીના યુગમાં આ પ્રકારે જાહેરમાં ભૂત-પ્રેત કાઢવાના નામે અંધશ્રદ્ધા ફેલાવવામાં આવી રહી હોવાથી બુદ્ધિજીવીઓ અને સોશિયલ મીડિયા યુઝર્સમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. પ્રશાસન આવા કાર્યક્રમો સામે કેમ આંખ આડા કાન કરે છે એવા સવાલો પણ ઉઠી રહ્યા છે.

