- Loksabha Election 2024
- લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસ 28 વર્ષના ઇતિહાસનું કરશે પુનરાવર્તન!
લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસ 28 વર્ષના ઇતિહાસનું કરશે પુનરાવર્તન!

કોંગ્રેસે શુક્રવારે લોકસભાની ચૂંટણી માટે પોતાના ઉમેદવારોની પહેલી લિસ્ટ જાહેર કરી દીધી. તેમાં 9 રાજ્યોના 39 ઉમેદવારોના નામ સામેલ છે. રાહુલ ગાંધી કેરળની વાયનાડથી ફરી એક વખત ચૂંટણી લડશે. હવે પાર્ટીના આ નિર્ણયથી ઘણા સવાલ ઊભા થઈ રહ્યા છે. રાહુલ ગાંધીને કેરળથી ઉમેદવાર બનાવ્યા બાદ સૌથી મોટો સવાલ એ ઊભો થાય છે કે શું હવે તેઓ પરિવારની પારંપરિક સીટ અમેઠીથી ચૂંટણી નહીં લડે? અમેઠી લોકસભા સીટ વર્ષ 1967માં અસ્તિત્વમાં આવી અને ત્યારબાદ આ સીટ પર કોંગ્રેસે પોતાનું વર્ચસ્વ બનાવી લીધું.
આ સીટ પર ગાંધી પરિવારથી પહેલી વખત વર્ષ 1977માં કોઈ ઉમેદવાર બન્યું. સૌથી પહેલા પૂર્વ વડાપ્રધાન ઇન્દિરા ગાંધીના પુત્ર સંજય ગાંધીએ અહીથી ચૂંટણી લડી હતી. જો કે, પહેલી ચૂંટણી હારી ગયા, પરંતુ વર્ષ 1980થી લઈને વર્ષ 1991 સુધી સતત 4 વખત ગાંધી પરિવારે લડી અને જીત હાંસલ કરી. વર્ષ 1980માં સંજય ગાંધી જીત્યા અને તેમના નિધન બાદ ભાઈ રાજીવ ગાંધી અહીથી સતત 3 વખત જીત્યા.
રાજીવ ગાંધીની હત્યા થયા બાદ પાર્ટીએ અમેઠીમાં સંજય ગાંધીના કર્તાધર્તા રહેલા સતીશ શર્માને ઉમેદવાર બનાવ્યા અને તેમણે જીત હાંસલ કરી. વર્ષ 1998માં પણ કોંગ્રેસે સીટ પર સતીશ શર્માને જ પોતાના ઉમેદવાર બનાવ્યા, પરંતુ આ વખત ભાજપના સંજય સિંહે તેમને હરાવીને ચૂંટણીમાં જીત હાંસલ કરી. ત્યારબાદ વર્ષ 1999માં લોકસભાની ચૂંટણી થઈ તો સોનિયા ગાંધીએ ચૂંટણી લડી અને જીત હાંસલ કરી.
પછી વર્ષ 2004માં તેમણે પુત્ર રાહુલ માટે આ સીટ છોડી દીધી અને ત્યારબાદ સતત 3 ચૂંટણી રાહુલ ગાંધીએ અહીથી જીતી. પરંતુ વર્ષ 2019ની લોકસભાની ચૂંટણીમાં રાહુલ ગાંધીને સ્મૃતિ ઈરાનીએ હરાવી દીધા. ગાંધી પરિવારને 42 વર્ષ બાદ આ સીટ પર હાર ઝીલવી પડી, પરંતુ હવે રાહુલ ગાંધી વાયનાડથી ચૂંટણી લડવાની જાહેરાત બાદ અનુમાન લગાવવામાં આવી રહ્યા છે કે શું તેઓ અમેઠીથી આ વખત ચૂંટણી નહીં લડે? હવે જો એમ થાય છે તો પાર્ટી, 28 વર્ષ બાદ ગાંધી પરિવારથી બહારની કોઈ વ્યક્તિને અમેઠી સીટથી ઉમેદવાર બનાવશે.