- Loksabha Election 2024
- નીતિન ગડકરીને જો ભાજપ ટિકિટ નહીં આપે તો આ હિંદુવાદી પાર્ટી તૈયાર છે
નીતિન ગડકરીને જો ભાજપ ટિકિટ નહીં આપે તો આ હિંદુવાદી પાર્ટી તૈયાર છે

લોકસભાની ચૂંટણી હવે નજીક આવી શકે છે. ચૂંટણી પંચે ગમે ત્યારે ચૂંટણીને લઈને મહત્ત્વની જાહેરાત કરી શકે છે, પરંતુ ચૂંટણીની તારીખોની જાહેરાત થાય એ અગાઉ જ બધી રાજકીય પાર્ટીઓએ પોત પોતાનું મેદાન તૈયાર કરવાનું ચાલુ કરી દીધું છે. ભાજપે તો 195 ઉમેદવારોની પહેલી લિસ્ટ પણ જાહેર કરી દીધી છે, પરંતુ કોંગ્રેસે અત્યારે સુધી ઉમેદવારોની જાહેરાત કરી નથી. ભાજપે જાહેર કરેલી 195 ઉમેદવારોની લિસ્ટમાં નીતિન ગડકારીનું નામ નથી. તો તેને લઈને હવે ઉદ્ધવ ઠાકરેએ મોટી વાત કહી દીધી છે.
લોકસભાની ચૂંટણીની તૈયારીઓમાં લાગેલા શિવસેના (UBT)ના અધ્યક્ષ ઉદ્ધવ ઠાકરેએ નીતિન ગડકરીને લઈને મોટું નિવેદન આપ્યું છે. મહારાષ્ટ્રના તુલજાપુરમાં એક જનસભાને સંબોધિત કરવા દરમિયાન ઉદ્ધવ ઠાકરેએ નીતિન ગડકરીને ભારતીય જનતા પાર્ટી (BJP) છોડીને મહાવિકાસ અઘાડી (MVA)માં આવવાનું આહ્વાન કર્યું છે. ઉદ્ધવ ઠાકરેએ જનસભામાં કહ્યું કે, 'નીતિન ગડકરી ભાજપ છોડીને અમારી સાથે આવે અને જુએ કે મહાવિકાસ અઘાડી કેવી રીતે ચૂંટાઈને લાવે છે.
ઉદ્ધવ ઠાકરેએ તેની સાથે જ ભાજપ પર પ્રહાર કરતા કહ્યું કે, ભાજપની પહેલી લિસ્ટમાં કૃપાશંકર સિંહ જેવા લોકોના નામ છે, પરંતુ મહારાષ્ટ્રમાં જેણે ભાજપને ઊભી કરી, હંમેશાં યુતિ માટે કામ કરે છે, એ ગડકરીનું નામ પણ નથી. શિવસેના UBT પ્રમુખે તેની સાથે જ શિવાજીનો ઉલ્લેખ કરતા કેન્દ્રની ભાજપ સરકાર પર પ્રહાર કર્યો. તેમણે કહ્યું કે, મહારાષ્ટ્ર ક્યારેય પણ દિલ્હી સામે ઝૂક્યું નથી. શિવાજી જ્યારે આગ્રામાં ઔરંગઝેબ સામે ન ઝૂક્યા તો શું અમે તમારી સામે ઝુકીશું? ઉલ્લેખનીય છે કે મહારાષ્ટ્રમાં વિપક્ષી ગઠબંધન MVAના ઘટક દળો કોંગ્રેસ, શિવસેના (UBT) અને NCP (શરદ ચંદ્ર પવાર) વચ્ચે આગામી લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં લઈને સીટ વહેચણીને લઈને ઘણા દિવસોથી વાતચીત ચાલી રહી છે.
જો કે, અત્યાર સુધી તેને લઈને સામાન્ય સહમતી બની નથી. આ દરમિયાન સીટ ફાળવણીના ફોર્મ્યૂલાને અંતિમ ઓપ આપવાના ઉદ્દેશ્યથી MVAના ઘટક દળોએ પ્રકાશ આંબેડકર નીત વંચિત બહુજન અઘાડી (VBA) સાથે બુધવારે મુંબઇમાં ચર્ચા કરી. મહારાષ્ટ્રમાં લોકસભાની 48 સીટ છે, જે ઉત્તર પ્રદેશની 80 સીટ બાદ સૌથી વધુ લોકસભા સભ્ય ચૂંટનાર રાજ્ય છે. વર્ષ 2019ની લોકસભાની ચૂંટણીમાં અવિભાજિત શિવસેનાએ 18 સીટ જીતી હતી અને તે આ વખત એટલી જ સીટ પર ચૂંટણી લડવાની જિદ્દ કરી રહી છે.