- National
- 2022મા 2.25 લાખ લોકોએ ભારતીય નાગરિકતા છોડી: વિદેશ મંત્રી જયશંકરે બતાવ્યા આંકડા
2022મા 2.25 લાખ લોકોએ ભારતીય નાગરિકતા છોડી: વિદેશ મંત્રી જયશંકરે બતાવ્યા આંકડા
બજેટ સત્ર દરમિયાન કેન્દ્ર સરકારે રાજ્યસભામાં મોટી માહિતી આપી. જણાવવામાં આવ્યું હતું કે, છેલ્લા 12 વર્ષમાં 16 લાખથી વધુ ભારતીયોએ તેમની ભારતીય નાગરિકતા છોડીને કોઈ અન્ય દેશની નાગરિકતા લીધી છે. પ્રશ્નકાળ દરમિયાન એક પ્રશ્નના જવાબમાં વિદેશ મંત્રી S જયશંકરે આ વાત કહી.
જયશંકરે કહ્યું કે, 2011થી અત્યાર સુધીમાં 16 લાખથી વધુ ભારતીયોએ તેમની નાગરિકતા છોડી દીધી છે. તેમાંથી બે લાખ (2,25,620)થી વધુ લોકોએ ગયા વર્ષે નાગરિકતા છોડી દીધી હતી.
વિદેશ મંત્રીએ રાજ્યસભામાં જણાવ્યું કે, વર્ષ 2015માં 1,31,489 લોકોએ, 2016માં 1,41,603 અને 2017માં 1,33,049 લોકોએ ભારતની નાગરિકતા છોડીને કોઈ અન્ય દેશની નાગરિકતા લીધી. પછી 2018માં આ સંખ્યા 1,34,561 હતી, 2019માં તે 1,44,017 હતી. જ્યારે, 2020માં, નાગરિકત્વ છોડનારા લોકોની સંખ્યામાં ઘટાડો થયો હતો અને સંખ્યા 85,256 હતી. પછી 2021માં તે ફરી વધીને 1,63,370 થઈ ગયો. હવે ગયા વર્ષે 2022માં, 2,25,620 લોકો એવા હતા જેમણે ભારતની નાગરિકતા છોડી દીધી હતી.

ઉપર આપેલા તમામ આંકડા BJP સરકાર આવ્યા પછીના છે. સંદર્ભ માટે, જયશંકરે અગાઉના એટલે કે મનમોહન સિંહ સરકાર દરમિયાનના આંકડા પણ આપ્યા હતા. તેમણે કહ્યું કે 2011માં નાગરિકતાનો ત્યાગ કરનારા લોકોની સંખ્યા 1,22,819 હતી. જ્યારે 2012માં આ સંખ્યા 1,20,923 હતી. પછી 2013માં તે વધીને 1,31,405 થઈ અને 2014માં ઘટીને 1,29,328 થઈ.
વિદેશ મંત્રી જયશંકરે જણાવ્યું કે, આ રીતે 2011થી અત્યાર સુધીમાં દેશની નાગરિકતા છોડનારા લોકોની સંખ્યા વધીને 16,63,440 થઈ ગઈ છે. જયશંકરે 135 દેશોની યાદી પણ આપી કે જેમની નાગરિકતા ભારતના લોકોએ લઈ લીધી છે. આ સાથે બીજા પ્રશ્નના જવાબમાં તેમણે જણાવ્યું કે, છેલ્લા ત્રણ વર્ષમાં પાંચ ભારતીયોએ સંયુક્ત આરબ અમીરાતની નાગરિકતા લીધી છે.

અહીં તમને જણાવી દઈએ કે, ભારતના બંધારણ મુજબ અહીં એકલ નાગરિકતાની વ્યવસ્થા છે. આનો અર્થ એ છે કે, ભારતીય નાગરિક એક સમયે માત્ર એક જ દેશનો નાગરિક બની શકે છે. મતલબ કે, જો તે વ્યક્તિ અન્ય કોઈ દેશની નાગરિકતા લેશે તો તેની ભારતીય નાગરિકતા આપોઆપ સમાપ્ત થઈ જશે.
સામાન્ય રીતે એવું માનવામાં આવે છે કે, લોકો સારો રોજગાર અને રહેવાની સ્થિતિ માટે બીજા દેશોનો પ્રવાસ કરે છે આથવા ત્યાંનું નાગરિકત્વ લે છે. ગ્લોબલ વેલ્થ માઈગ્રેશન રિવ્યુ, 2020 મુજબ, લોકો સારી જીવનશૈલી માટે નવી નાગરિકતા લે છે. આ સાથે દેશમાં વધતા ક્રાઇમ રેટ અથવા દેશમાં બિઝનેસની તકોના અભાવને કારણે પણ લોકો આવું કરે છે.

