- National
- લાલબત્તી સમાન કિસ્સો! ગળામાં ચોકલેટનો ટુકડો અટકી જતા 7 મહિનાની બાળકીએ ગુમાવ્યો જીવ
લાલબત્તી સમાન કિસ્સો! ગળામાં ચોકલેટનો ટુકડો અટકી જતા 7 મહિનાની બાળકીએ ગુમાવ્યો જીવ
નાના બાળકો સૌના વ્હાલા હોય છે, ખરુને? નાના બાળકો હોય તો ઘર મધુર અવાજ અને કિલકારીઓથી ગુંજી ઊઠે, પરંતુ આવા નાના બાળકોનું અકાળે મોત થઈ જાય તો...? ઘરમાં શોકનું મોજું ફરી વળે. કેટલીક વખત માતા-પિતાની બેદરકારીને કારણે પણ બાળકો જીવ ગુમાવતા હોય છે અથવા તો કામમાં વ્યસ્ત હોવાને કારણે ધ્યાન ન આપી શકવાને કારણે આવી દુર્ઘટના ઘટતી હોય છે. તો હવે માતા-પિતા માટે વધુ એક લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે. જેમાં ચોકલેટનો ટુકડો ફસાઈ જવાને કારણે 7 મહિનાની બાળકીએ જીવ ગુમાવવો પડ્યો. ચાલો જાણીએ શું છે આખો મામલો.
મહારાષ્ટ્રમાંથી એક રૂવાડા ઉભા કરી દે તેવી ઘટના સામે આવી છે. માત્ર 7 મહિનાની એક માસૂમ બાળકીએ ચોકલેટના કારણે પોતાનો જીવ ગુમાવવો પડ્યો. આ ઘટના ત્યારે બની જ્યારે છોકરી પોતાના ઘરમાં રમી રહી હતી અને અચાનક તેના ગળામાં ચોકલેટનો ટુકડો ફસાઈ ગયો. મૃતક બાળકીની ઓળખ આરોહી આનંદ ખોડના રૂપમાં થઈ છે. આ દુ:ખદ ઘટના ત્યારે બની જ્યારે આરોહી પોતાના ઘર પર રમી રહી હતી. રમતા-રમતા તેણે ભૂલથી ચોકલેટનો ટુકડો ગળવાનો પ્રયાસ કર્યો, પરંતુ તે ટુકડો તેના ગળામાં ફસાઈ ગયો.
જ્યારે પરિવારે બાળકીની બગડતી હાલત જોઈ, ત્યારે તેઓ તેને તાત્કાલિક હૉસ્પિટલ લઈ ગયા, પરંતુ ત્યાં સુધીમાં ખૂબ મોડું થઈ ગયું હતું. તપાસ બાદ ડૉક્ટરોએ બાળકીને મૃત જાહેર કરી. આ ઘટના બાદ, માતા-પિતા ઊંડા આઘાતમાં છે. આખા પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે.
નાના બાળકોના ગળામાં વસ્તુઓ ફસાઈ જવાથી અગાઉ પણ ઘણા માસૂમ બાળકોએ જીવ ગુમાવ્યા છે. આ અગાઉ છત્તીસગઢના બિલાસપુરમાં 16 મહિનાની એક માસૂમ બાળકીએ ગળામાં ચણો ફસાઈ જતા જીવ ગુમાવ્યો હતો. મજૂરી કરીને ગુજરાન ચલાવતા જય કુમારનો દીકરો ઘરે ચણા ખાઈ રહ્યો હતો, ત્યારે તેના ગળામાં એક દાણો ફસાઈ ગયો. પરિવારે સંઘર્ષ કરી રહેલા છોકરાને તાત્કાલિક હોસ્પિટલ ખસેડ્યો હતો, પરંતુ ત્યાં સુધીમાં તેનું મોત થઈ ગયું હતું. તો આવી ઘટનાઓ પરથી માતા-પિતાએ બોધ લેવો જોઇએ કે ગળામાં ફસાઈ જાય તેવી વસ્તુઓ નાના બાળકોથી દૂર રાખે.

