- National
- સરકારના સર્વેમાં ખુલાસો- 250 જિલ્લાઓમાં 25 ટકા યુવાનો 'કામ વગરના' છે; ન તેઓ અભ્યાસ કરે છે, ન તેઓ પાસ...
સરકારના સર્વેમાં ખુલાસો- 250 જિલ્લાઓમાં 25 ટકા યુવાનો 'કામ વગરના' છે; ન તેઓ અભ્યાસ કરે છે, ન તેઓ પાસે કોઈ નોકરી છે!
ભારતને તેની યુવા વસ્તી પર ગર્વ છે. યુવાનો કોઈપણ દેશની અસલી તાકાત હોય છે. અને ભારત માટે પણ છે, પરંતુ શું તેમની 'શક્તિ'નો યોગ્ય ઉપયોગ થઈ રહ્યો છે? શું માનવ સંસાધન તરીકેની તેમની ક્ષમતાનો ઉપયોગ દેશ માટે થઈ રહ્યો છે? એવા સમયે કે જ્યારે દેશમાં બેરોજગારી એક મોટી સમસ્યા છે, ત્યારે આંકડા મંત્રાલય દ્વારા જાહેર કરાયેલા આંકડાએ ચિંતામાં વધારો કર્યો છે. તેમાં બહાર આવ્યું છે કે, દેશભરના આશરે 250 જિલ્લાઓમાં 15થી 29 વર્ષની વયના 25 ટકા યુવાનો સંપૂર્ણપણે બેરોજગાર છે. આનો અર્થ એ છે કે તેઓ ન તો રોજગારી ધરાવે છે, ન તેઓ અભ્યાસ કરી રહ્યા છે, ન તો રોજગાર યોગ્ય કૌશલ્યમાં તાલીમ મેળવી રહ્યા છે. અહેવાલમાં જણાવાયું છે કે, ઉત્તર પ્રદેશ અને બિહાર જેવા ઉત્તર ભારતીય રાજ્યોમાં આ પરિસ્થિતિ વધુ ચિંતાજનક છે.
મીડિયા સૂત્રોના અહેવાલ મુજબ, આંકડા મંત્રાલયે શુક્રવાર, 18 સપ્ટેમ્બરના રોજ પિરિયોડિક લેબર ફોર્સ સર્વે (PLFS)નો અહેવાલ શેર કર્યો હતો. આ સર્વે વર્ષ 2025માં જિલ્લા સ્તરે હાથ ધરવામાં આવ્યો હતો. સર્વેમાં બહાર આવ્યું છે કે, દેશના 250 જિલ્લાઓમાં યુવાનોની ખુબ મોટી વસ્તી બેરોજગાર છે. 15થી 29 વર્ષની વયના 25 ટકા યુવાનો રાષ્ટ્રના વિકાસમાં કોઈ ઉત્પાદક યોગદાન આપી રહ્યા નથી.

સર્વેમાં બેરોજગાર યુવાનોની એક ચોક્કસ શ્રેણીનું વર્ણન કરવા માટે એક શબ્દનો ઉપયોગ કરવામાં આવ્યો છે,'NEET' આનો અર્થ 'રોજગાર, શિક્ષણ અથવા તાલીમમાં નથી'. આનો અર્થ ન તો રોજગારમાં છે, ન તો શિક્ષણમાં, ન તો કોઈપણ પ્રકારની તાલીમમાં.
સર્વે મુજબ, બિહાર, ઉત્તર પ્રદેશ, હરિયાણા, પંજાબ અને પશ્ચિમ બંગાળ જેવા રાજ્યોમાં લગભગ બે તૃતીયાંશ જિલ્લાઓમાં, એક ચતુર્થાંશ યુવાનો 'NEET' માટે લાયક ઠરે છે. આનો અર્થ એ છે કે દર 4માંથી એક યુવક બેરોજગાર છે. દર 4માંથી એક યુવક ન તો અભ્યાસ કરી રહ્યો છે કે ન તો કોઈ તાલીમ લઈ રહ્યો છે. દક્ષિણ અને ઉત્તરપૂર્વમાં પણ આવી જ સ્થિતિ છે. આંધ્રપ્રદેશ, ઓડિશા, આસામ અને તેલંગાણાના લગભગ અડધા જિલ્લાઓમાં, 25 ટકા યુવાનો 'NEET' શ્રેણીમાં છે.
થોડા સમય પહેલા, નીતિ આયોગે એક અહેવાલમાં જણાવ્યું હતું કે, દેશભરમાં આશરે 9 કરોડ યુવાનો બેરોજગાર છે, અને અભ્યાસ પણ કરતા નથી.
યુવાનોમાં બેરોજગારીનો દર ઊંચો હોવાનું મુખ્ય કારણ એ છે કે, ક્યાં તો તેઓ અભ્યાસ કરતા હોવા જોઈએ અથવા કોઈ કૌશલ્ય શીખતા હોવા જોઈએ. જોકે, 'NEET' ઉમેદવારો એવા છે જે આ પણ નથી કરી રહ્યા. આ શ્રેણીમાં આટલી મોટી સંખ્યામાં યુવાનોની હાજરી કોઈપણ દેશની ઊંઘ હરામ કરવા માટે પૂરતી છે.

અહેવાલમાં જણાવાયું છે કે, આના ઘણા કારણો હોઈ શકે છે. કેટલાક લોકો ઘરકામમાં વ્યસ્ત હોય છે. કારણ કે આ પગારદાર નોકરી નથી, તેને રોજગાર તરીકે ગણી શકાય નહીં. ખાસ કરીને યુવાન મહિલાઓના કિસ્સામાં, કારણ એ છે કે તેમને ઘર ચલાવવાની જવાબદારી આપવામાં આવે છે.
આ અહેવાલમાં પ્રકાશિત થયેલી બીજી એક મોટી ચિંતા એ છે કે, સર્વે કરાયેલા લગભગ ત્રણ-ચતુર્થાંશ જિલ્લાઓમાં, 25 ટકાથી વધુ યુવતીઓ 'NEET' શ્રેણીમાં આવે છે. આનો અર્થ એ છે કે તેમની પાસે કોઈ રોજગાર નથી, કોઈ અભ્યાસ ચાલુ નથી, અથવા કોઈ તાલીમ નથી લઇ રહ્યા. આ આંકડા દર્શાવે છે કે, સ્ત્રીઓ હજુ પણ અવેતન ઘરકામના અપ્રમાણસર બોજનો સામનો કરે છે, જે મહિલા શિક્ષણ અથવા રોજગારમાં એક મોટો અવરોધ છે.

સર્વેમાં NEET શ્રેણીમાં વધતી જતી યુવા વસ્તીનું એક કારણ એ પણ ઓળખવામાં આવ્યું છે કે, ઘણા લોકોએ નોકરી શોધવાનું બંધ કરી દીધું છે કારણ કે તેમને જોઈતી નોકરીઓ મળી નથી. જ્યારે, ઘણા વિદ્યાર્થીઓ સરકારી નોકરીઓ માટે તૈયારી કરી રહ્યા છે.
જોકે, કેટલાક જિલ્લાઓના આંકડા થોડા આશ્વાસન આપનારા છે. લગભગ 25 જિલ્લાઓમાં NEET ટકાવારી 10 ટકાથી ઓછી છે. આમાં છત્તીસગઢમાં કબીરધામ, રાજનાંદગાંવ અને ઉત્તર બસ્તર કાંકર, હિમાચલ પ્રદેશમાં ચંબા, કેરળમાં એર્નાકુલમ અને મધ્ય પ્રદેશમાં મંડલાનો સમાવેશ થાય છે. ઓડિશામાં નબરંગપુરમાં NEET ટકાવારી સૌથી ઓછી 4.1 ટકા છે.
અહેવાલ મુજબ, મંત્રાલયના આ અહેવાલમાં મોટા રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના લગભગ 600 જિલ્લાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે.

